SURAT

સુરત પોલીસ સામે ફિલ્મ સ્ટાર્સ પણ ઝાંખા પડે, મુંબઈ જઈ વેશપલ્ટો કરી ડ્રગ્સ સપ્લાયરોને પકડ્યા

સુરત: થોડા સમય પહેલાં શહેરના લાલગેટ વિસ્તારમાંથી પકડાયેલા 1 કરોડની કિંમતના 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં સુરત એસઓજી પોલીસે મુંબઈ જઈ વેશપલટો કરી ફિલ્મી સ્ટાઈલમાં મુખ્ય આરોપી સહિત ડ્રગ્સ સપ્લાયર, પેડલર્સ અને રિટેલર્સ એવા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત એસઓજીના અધિકારીઓના વેશપલટાના ફોટા પણ વાયરલ થયા છે.

સુરત શહેરમાંથી ગઈ તા. 29 એપ્રિલના રોજ શહેર એસ.ઓ.જી., દ્વારા લાલગેટ વિસ્તારમાંથી 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત 1 કરોડ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તરફથી સૂચના મળતા સુરત એસઓજીએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું.

એસ.ઓ.જી. પીઆઈ એ.પી.ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી હતી, જે પૈકી એક ટીમે ગઈ તા. 6 મે ના રોજ આ ગુનાના મુખ્ય આરોપી મો.કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ (ઉં.વ.30 રહે. 7-767 અખાડા મહોલ્લા રામપુરા લાલમીંયા મસ્જીદ પાસે લાલગેટ સુરત )ને 1800 કિ.મી. પિછો કરી ઉત્તરપ્રદેશના બારાબાંકી ખાતેથી ઝડપી પાડ્યો હતો.

ત્યાર બાદ એસઓજી પીઆઈએ આરોપી મો. કાસીફની મંગાવવાથી લઈને તેના ડિસ્ટ્રીબ્યુશન સુધીના આ ડ્રગ્સના સંપુર્ણ રેકેટમાં સંડોવાયેલ સપ્લાયર, પેડલર અને તેના રીટેઇલર બાબતે પુછપરછ કરી હતી, જેમાં એવી હકીકત બહાર આવી હતી કે મો. કાસીફે ડ્રગ્સનો જથ્થો મુંબઈથી મંગાવ્યો હતો. પોતાના માણસો મારફતે મુંબઈથી ડ્રગ્સ મંગાવી સુરત રહેતા રીટેલરોને જરૂરીયાત મુજબ આપતો હતો.

ડ્રગ્સ સપ્લાયર અને પેડલર મુંબઈ ખાતે સાયન વિસ્તારમાં રહેતો હોવાની વિગતો મળી હતી. તે ઉપરાંત ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય પેડલરો, ડ્રગ્સ વેચાણ કરતા રીટેઇલરો સુરત ખાતે રહેતા હોવાની માહિતી મળી હતી. આથી એસઓજીએ કાંઈ ગંધ આવે તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડવા એસઓજીના પીએસઆઈ આર.એમ.સોલંકીની આગેવાનીમાં એક ટીમને તાત્કાલીક રાતોરાત મુંબઈ ખાતે રવાના કરવામાં આવી હતી. સુરત ખાતેના આરોપીઓને પકડવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવી તેઓને કામે લગાડવામાં આવી હતી, આ ટીમોએ 6 આરોપીઓને પકડી પાડ્યા છે.

પકડાયેલા આરોપીઓ
મુંબઈ ખાતે રહેતો ડ્રગ્સ સપ્લાયર મુખ્ય આરોપી આસીફ ઉર્ફે બાવા અફાક અહેમદ ખાન (હાલ રહે. ફ્લેટ નંબર ડી/૯૦૭, ગેલેક્ષી એપાર્ટમેંટ બનટર ભવન કુર્લા ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રહે. ભેંસોલી તા.બિન્કી.જિ. ફતેહપુર થાના બકેવા (ઉત્તરપ્રદેશ) વાળા)ને તથા મુંબઈ ખાતેનો લોકલ પેડલર ઇમરાન ઇમતિયાઝ ખાન (ઉ.વ.૩૨ ધંધો ટેક્ષી ડ્રાઈવર રહે. પુઠ્ઠા ગલી સંગમ હોટલની પાસે નાઈક નગર સાયન મુંબઈ વેસ્ટ મહારાષ્ટ્ર મુળ રહે. ભેંસોલી તા.બિન્કી.જિ. ફતેહપુર થાના બકેવા (ઉત્તરપ્રદેશ)વાળા)ને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર ફયાઝઅલી સૈયદઅલી (રહે. ફ્લેટ નં.૩૦૨ ત્રીજો માળ શકિત ડાયમંડ એપાર્ટમેન્ટ, કતારગામ દરવાજા સુરત મુળ વતન ગામ સરાહી પોસ્ટ ખલીલાબાદ જી.સંતકબીરનગર ઉત્તરપ્રદેશ), મો.સાહીદજમાલ ઈકબાલ ખાન (ઉં.વ.૩૫ ધંધો યાર્ન વેપાર રહે. ફ્લેટ નં.૩૦૪ સફી પેલેસ-૦૨ લાલમીયા મસ્જીદની પાસે રામપુરા સુરત મુળ વતન ધોરારા ગામ પોસ્ટ ડીઘા જી.સંતકબીરનગર ઉત્તરપ્રદેશ) તેમજ સુરત ખાતે છુટક ડ્રગ્સ વેચાણ કરનાર આરોપી મન્સુર ઉસ્માન મલેક (ઉં.વ.૩૬ ધંધો લાઈટફીટીંગ રહે.ઘર નં.૫૪૨૧ બોરડી ઝુપડપટ્ટી બાપુનગર શીતલ ચાર રસ્તા રાંદેર સુરત મુળ વતન દેહગામ (કાવી) તા.ઝંબુસર જી.ભરૂચ)ને ઝડપી પાડવામાં આવ્યો છે. આમ, એસઓજી દ્વારા હાલ સુધીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પ્રથમવાર મુંબઈ ખાતેના મુખ્ય સપલાયરને પણ શોધી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરત-મુંબઈ વચ્ચે આ રીતે ચાલતું ડ્રગ્સનું નેટવર્ક
સુરત રહેતો મુખ્ય આરોપી મો.કાસીફ ઇકબાલ પસીના મુંબઈ ખાતે રહેતા ડ્રગ્સ સપલાયર આસીફ ઉર્ફે બાવા અફાક અહેમદ ખાનને ડ્રગ્સનો જથ્થા બંધ ઓર્ડર આપતો અને તે ડ્રગ્સ લેવા માટે સુરત ખાતે રહેતા આરોપી ફયાઝઅલી સૈયદઅલી તથા મો.સાહીદજમાલ ઈકબાલ ખાન તથા વોન્ટેડ આરોપી શહાબાજ ઇર્શાદખાનને મુંબઈ મોકલી આપતો. તે મુંબઈ જઈ ડ્રગ્સ સપ્લાયરના પેડલર ઇમરાન ઇમતિયાઝ ખાન પાસેથી ડ્રગ્સની ડીલેવરી મેળવી સુરત આવી મો. કાસીફને આપતો. દરેકને એક ટ્રીપના 15 થી 20 હજાર મળતા હતા. આ ડ્રગ્સ મો.કાસીફ સુરત ખાતે રહેતા રીટેઈલર આરોપી મન્સુર ઉસ્માન મલેક તથા અન્ય રીટેઈલરો ને વેચાણથી આપતા હતો.

Most Popular

To Top