SURAT

સુરતમાં રત્નકલાકાર, રિક્ષાચાલકના સંતાનોએ A-1 ગ્રેડ હાંસલ કર્યો, લાજપોરના કેદીઓ પણ પાસ

સુરત: ધગશથી મહેનત કરનારાને સફળતા અવશ્ય મળે છે. લક્ષ્ય નક્કી કરી તે દિશામાં અવિરત સતત મહેનત કરનારાને કોઈ મુશ્કેલીઓ નાસીપાસ કરતી નથી. એ સાબિત કર્યું છે સુરતના ગરીબ રત્નકલાકારોના સંતાનોએ. ધો. 12 કોમર્સ અને સાયન્સમાં સુરતના સૌથી વધુ સ્ટુડન્ટ્સે એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે. એ-1 ગ્રેડમાં ગરીબોના સંતાનો વધુ છે. ખાસ કરીને ગરીબ રત્નકલાકારોના સંતાનોએ એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. માંડ થોડી ચોપડી ભણેલા ગરીબ અશિક્ષત રત્નકલાકારોના સંતાનો ધો. 12ની અઘરી પરીક્ષા પાસ કર્યા બાદ હવે AIની દુનિયામાં કારકિર્દી બનાવવા માંગે છે.

સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતાં પિતાની દીકરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એ-વન ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી ઝળહળતી સફળતા મેળવી છે. વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાળા હીરામાં કામ કરે છે. રાજેશભાઈની દીકરી હેમાંશીએ 12 કોમર્સમાં 95.14 ટકા સાથે 99.96 પીઆર પ્રાપ્ત કર્યા છે. હેમાંશીએ કહ્યું કે, ધો. 10 બોર્ડ બાદ ધો. 11માં આળસ કરી નહોતી. 11માં ધોરણથી જ રોજ 8 કલાક મહેનત કરતી હતી. રોજની તૈયારી રોજ કરતી હતી. શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી. હેમાંશીની નિરમા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. માતા દક્ષાબેન અને પિતા 10 ધોરણ સુધી જ ભણી શક્યા છે. ત્યારે હું આગળ ભણીને હું પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું.

રત્નકલાકારનું સંતાન એવો રોશન રમેશ ઉકાણીએ પોતાના ગરીબ માતા પિતાનું નામ રોશન કર્યું છે. તપોવન વિદ્યાલયમાં ભણતા રોશને 95.71 ટકા અને 99.97 પર્સેન્ટાઈલ સાથે ધો. 12 કોમર્સમાં એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે. રત્નકલાકાર પિતા રમેશભાઈ થોડી આવકમાં એક દીકરો અને દીકરી, પત્ની સહિતના પરિવારનું ભાડાના મકાનમાં રહી ગુજરાન ચલાવે છે, પરંતુ ક્યારેય રમેશભાઈએ સંતાનોના અભ્યાસ પર પાંખી આવકની અસર પડવા દીધી નથી. પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં પોતાના લક્ષ્ય પર તેની અસર પડવા ન દઈ રોશને એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે.

ધો. 12 સામાન્ય પ્રવાહની સ્ટુડન્ટ બાવળિયા જેંસીના 92 ટકા અને 99.44 PR આવ્યા છે. તે BBA કરી બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. જેંસીની માતા 9 ભણેલા છે અને પિતા સંજયભાઈ 10 ભણેલા છે. તેઓ એમ્બ્રોડરીનું કામ કરે છે.

રિક્ષાચાલકના દીકરાએ A-1 ગ્રેડ મેળવ્યો
પૂણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં ધો -12 કોમર્સમાં અભ્યાસ કરતા જીજ્ઞેશ ભાવેશભાઈ ડાભીએ 94.43 ટકા મેળવીને એ વન ગ્રેડ હાંસલ કર્યો છે. તેના પિતા રિક્ષા ચલાવે છે. જીજ્ઞેશ રોજ આઠ કલાક મહેનત કરતો હતો. જીગ્નેશે કહ્યું તે સીએ બનવા માંગે છે. મારા માતા પિતાએ મારા માટે ખૂબ મહેનત કરી છે. સીએ બનીને હું એમનો બોજ હળવો કરીશ. પિતા ભાવેશભાઇ રિક્ષા ચલાવીને પત્ની અને ત્રણ સંતાનોનું ભરણ પોષણ કરે છે.

મોરના ઈંડા ચિતરવા ન પડે, ડોક્ટરના દીકરાએ ધો. 12 સાયન્સમાં એ-1 ગ્રેડ હાંસલ કર્યો
આપણે ત્યાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. આ કહેવતને સાચી ઠેરવતો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં ડોક્ટરના દીકરાએ ધો. 12 સાયન્સની પરીક્ષા એ-1 ગ્રેડ સાથે પાસ કરી છે. પુણાગામમાં રહેતા અક્ષત દૂબેએ ધો. 12 સાયન્સના બી ગ્રુપમાં 99.92 પીઆર હાંસલ કર્યા છે. રોજ 10 કલાક ભણીને અક્ષતે સફળતા મેળવી છે. તેના પિતા ધર્મેન્દ્રભાઈ બીએસએમએસ ડોક્ટર છે. અક્ષતનો ગુજકેટમાં પણ સારો રેન્ક આવ્યો છે. નીટની પરીક્ષા પણ સારી ગઈ છે. અક્ષત એમબીબીએસ ડોક્ટર બનવા માંગે છે. ડો. ધર્મેન્દ્ર મૂળ અયોધ્યાના વતની છે.

અડાજણમા એક રૂમ રસોડામાં રહેતા પરિવારની દીકરીએ એ-2 ગ્રેડ હાસલ કર્યો

અડાજણમાં એક રૂમ રસોડામાં રહેતા ગરીબ માતા-પિતાની દીકરી ધોરણ 12 કોમર્સમાં 92 પર્સન્ટાઈલ સાથે એ ટુ ગ્રેડ સાથે પાસ થઈ છે. શ્રી સરસ્વતી વિદ્યાલય માં ભણતી પ્રાચી સંજયભાઈ સકપાલ પરિવાર સાથે એક રૂમ રસોડામાં રહેતી હોય તે રાત્રિના સમયે અભ્યાસ કરી શકતી નહોતી તેમ છતાં તેણે દિવસ દરમિયાન સ્કૂલ ટ્યુશન અને ઘરે સતત મહેનત કરી એ ટુ ગ્રેડ સાથે પાસ થઈ છે. પ્રાચી ના પિતા હીરામાં કામ કરે છે જ્યારે તેની માતા પણ મહેનત કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે.

શ્રી ગુરુકૃપા વિદ્યા સંકલુના 15 સ્ટુડન્ટ્સે એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
ઉધના ગામમાં આવેલી શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલનું પરિણામ ખૂબ સારું રહ્યું છે. કોમર્સ અને સાયન્સ મળી શાળાના કુલ 15 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એ-1 ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે એ-2 ગ્રેડમાં 87 વિદ્યાર્થી-વિદ્યાર્થીની ઉત્તીર્ણ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં હેમાક્ષી સોલંકી, ચંદન લોહર, ગ્રેસી રાજપૂત, જયવીર સોલંકી, ભૂષણ પાટીલ, સુમિત શુકલા જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ કોમર્સમાં વિશાખા પરમાર, આશિષ શર્મા, અંકિત રાણા, ક્રિશ રાણા, કાર્તિક રાણા, વૈષ્ણવી જરીવાલા, યુગમી પટેલ, કુલદીપ પ્રજાપતિ અને મુકેશ શિંદે એ-1 ગ્રેડ સાથે પાસ થયા છે.

લાજપોર જેલના તમામ 9 કેદીઓ ધો. 12 કોમર્સમાં પાસ થયા
માર્ચ-એપ્રિલ 2024ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા 3 પાકા કામના કેદીઓ તેમજ 6 કાચા કામના આરોપીઓ મળી લાજપોર જેલના કુલ 9 કેદીઓએ પરીક્ષા આપી હતી. આજે તમામ 9 કેદીઓ પાસ થયા છે. કાચા કામના આરોપી નિલેષ પ્રતાપભાઇ જાદવ 68.57 ટકા અને મર્ડરના આરોપી ચેતન ઠાકોરભાઇ પટેલે 68.57 ટકા પરીક્ષા પાસ કરી છે. લાજપોર જેલનું 100 ટકા પરીણામ આવ્યું છે.

નાના વરાછાની હીરલ ખુમાણને આઈએએસ બનવાની ઈચ્છા
નાના વરાછાની સરદાર વિદ્યાલયની સ્ટુડન્ટ હિરલ નરેશભાઈ ખુમાણે એ-1 ગ્રેડ સાથે ધો. 12 કોમર્સની પરીક્ષા પાસ કરી છે. હિરલના 95.73 ટકા અને 99.96 પીઆર આવ્યા છે. સ્ટેટેસ્ટીકની પરીક્ષામાં હિરલના 100માંથી 100 માર્કસ આવ્યા છે. હિરલ ભવિષ્યમાં આઈએએસ ઓફિસર બનવા માંગે છે.

પિતાના મોત બાદ હિંમત રાખી પરીક્ષા આપી, એ-1 ગ્રેડ મેળવ્યો
પુણા ગામ વિસ્તારમાં રહેતી અંકિતા શર્મા એ-1 ગ્રેડ સાથે ધો. 12 કોમર્સમાં પાસ થઈ છે. અંકિતાના પિતાનું અવસાન થોડા સમય પહેલાં જ થયું છે. અંકિતા ધો. 12ની પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે પિતાનું મોત થયું હતું, છતાં તે હિંમત હારી નહોતી. પિતાના અકાળ અવસાનના લીધે પરિવાર આર્થિક સંકટમાં મુકાયો હતો. માતા અને બહેન લોકોના કામ કરતા હતા. છતાં અંકિતાને હિંમત આપી. અંકિતાએ કહ્યું કે, પરિવારની આર્થિક અને ઈમોશનલ ખરાબ સ્થિતિ વચ્ચે ધો. 12માં એ-1 ગ્રેડ હાંસલ કર્યો તેનાથી મને ખુબ જ ખુશી થઈ છે. આ રિઝલ્ટ હું મારા સ્વર્ગવાસી પિતાને સમર્પિત કરું છું.

સ્તુતિ: ડર કે આગે જીત હૈ…!

ધો.10માં પણ A1 ગ્રેડ મેળવનારી સિનિયર જર્નાલિસ્ટની દીકરી સ્તુતિ કલ્પેશ શાહે ધો.12 કોમર્સમાં 99.60 પર્સેન્ટાઈલ રેંક મેળવ્યો છે અને ફાયનાન્સ સેક્ટરમાં આગળ વધવા માગે છે. ભૂલકાં ભવનની સ્તુતિને બોર્ડની પરીક્ષા ટાણે જ એ ડર સતાવતો હતો કે અત્યાર સુધીની પરીક્ષાઓમાં મળેલી સફળતા દોહરાવી શકશે કે કેમ. જો કે તે અગાઉ મેળવેલાં સીમાચિહ્નો તોડી ગઈ એનો યશ ફેમિલી, ફ્રેન્ડ્સ ક્લાસીસ અને શિક્ષકોને આપે છે. એટલે જ તે હવે કહે છે, ડર કે આગે જીત હૈ…, પર ડરના મના હૈ!!

કતારગામની ગોધાણી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલનું ધોરણ – 12 નું 100% રિઝલ્ટ આવ્યું

ગુરુવાર, તા. 09/05/2024 ના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ રિઝલ્ટમાં સાયન્સમાં 33% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. જ્યારે કોમર્સમાં 65% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. VNG સ્કૂલ પરિવારના સ્ટુડન્ટોએ ઝળહળતું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ ડેડીકેટેડ સ્ટુડન્ટસ, જાગૃત અને નૉલેજેબલ શિક્ષકો અને વાલીમિત્રોને અભિનંદન પાઠવ્યા છે અને બાળકોના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. વિજ્ઞાન પ્રવાહમાં ગોટી એરીક જીગ્નેશભાઈએ ગણિત વિષયમાં ૧૦૦ ગુણ મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. અને સામાન્ય પ્રવાહમાં ભાદાણી ચેશા જીતેશભાઈએ SPCC વિષયમાં ૧૦૦ ગુણ તેમ જ વિઠ્ઠાણી વિધિ ધર્મેશભાઈએ વાણિજય સંચાલનમાં ૧૦૦ ગુણ મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જયારે મોદી નીલ કલ્પેશકુમારે આંકડાશાસ્ત્રમાં ૧૦૦ ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.

Most Popular

To Top