Gujarat Main

ધોરણ 12 ગુજરાત બોર્ડના પરિણામો જાહેર: વિજ્ઞાન પ્રવાહમાં મોરબી 92.80 ટકા સાથે રાજ્યમાં પ્રથમ

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ માર્ચ 2024ની પરીક્ષાઓના પરિણામો (Results) આજે 9 મે ના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવ્યા હતા. જેથી પાછલા 2 મહિનાથી પરિણામોની રાહ જોતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી. ગુજરાતમાં આ વર્ષે બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાઓનું ખુબ જ સારું પરિણામ આવ્યું છે. જેમાં મોરબી જીલ્લાએ વિજ્ઞાન પ્રવાહ અને બોટાદ જીલ્લાએ સામાન્ય પ્રવાહમાં બાજી મારી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાના પરિણામો આજે 9 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામો પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ gseb.org પર જઈને ચકાસી શકે છે. તેમજ જો વેબસાઇટ ઉપર ટ્રાફિક વધતા પરિણામો ન જોઇ શકાય તો ગુજરાત બોર્ડે આ પરિણામો ચકાસવા માટે વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ
ધોરણ 12 સાયન્સનું આખા રાજ્યનું 82.45 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં સૌથી વધુ પરિણામ મોરબીનું 92.80 ટકા છે. તેમજ સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરનું 51.36 ટકા રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 1034 છે. તેમજ A ગ્રેડનું પરિણામ 90.11 ટકા છે. B ગ્રેડનું પરિણામ 78.34 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35 ટકા છે. જેથી કહી શકાય કે રાજ્યમાં છોકરાઓએ છોકરીઓ સામે સાયન્સમાં એટલેકે વિજ્ઞાનપ્રવાહમાં બાજી મારી હતી.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
રાજ્યનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા આવ્યું હતું. જે હમણાં સુધીનું ગુજરાતનું સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જીલ્લાનું સૌથી વધુ 96.40 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે જૂનાગઢ જીલ્લાનું સૌથી ઓછું 94.81 ટકા પરિણામ જાહેર થયું હતું. આ સાથે જ સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી 1609 શાળાઓ છે. તેમજ 19 સ્કૂલોનું 10 ટકા કરતાં પણ ઓછું પરિણામ આવ્યું છે.

કયા પ્રવાહમાં કેટલા પાસ થયા?
12 સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા નોંધાયું હતું. સામાન્ય પ્રવાહમાં કુલ 3,78,268 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 3,47,738 પાસ થયા હતા. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,11,132 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી 91625 પાસ થયા હતા.

આ રીતે પરિણામ તપાસો

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • હોમ પેજ પર 12મા પરિણામ 2024 ની લિંક પર ક્લિક કરો.
  • હવે રોલ નંબર દાખલ કરો અને સબમિટ કરો.
  • સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.

ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે
ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. આ માટે વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરો, તમારો સીટ નંબર લખો અને 6357300971 પર મોકલો. પરિણામ થોડી જ વારમાં તમારા વોટ્સએપ પર આવી જશે.

Most Popular

To Top