Editorial

એસ્ટ્રાજેનેકાએ કોરોનાની રસી બજારમાંથી પાછી ખેંચી લીધી હવે કોવિશિલ્ડનું શું થશે??

કોરોનાની રસી લીધા બાદ હાર્ટ એટેકની ઘટના વધી હોવાના વિવાદ વચ્ચે આખરે એસ્ટ્રાજેનેકાએ પોતાની કોવિડ વેક્સિન પરત ખેંચી લેવાની જાહેરાત કરી દીધી છે. એસ્ટ્રાજેનેકાની રસીની આધારે જ ભારતમાં પણ સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં આવી હતી અને ભારતમાં કરોડો લોકો દ્વારા આ વેક્સિન લેવામાં આવી હતી. હવે જ્યારે એસ્ટ્રાજેનેકાએ પોતાની વેક્સિન જ પરત ખેંચી લીધી છે ત્યારે હવે ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનના મામલે સીરમ ઈન્સ્ટિટ્યુટ અને ભારત સરકાર શું નિર્ણય લે છે તેની પર બધાની નજર ઠરી છે. કોવિશિલ્ડના મામલે સરકાર તેમજ સીરમ ઈન્સ્ટિટ્યુટ, બંને માટે ધર્મસંકટની સ્થિતિ છે.

જ્યારે કોરોનાની મહામારીએ માઝા મુકી હતી ત્યારે વિશ્વમાં એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા કોરોનાની સામે લડવા માટે રસીની શોધ કરવામાં આવી હતી. એસ્ટ્રાજેનેકાની આ રસીના આધારે જ ભારતમાં પણ સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કોવિશિલ્ડ રસી બનાવવામાં આવી હતી. ભારતમાં કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યા વધારે હોવાથી ભારતીઓ રસીની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે કોવિશિલ્ડ રસી આવી ત્યારે કરોડો ભારતીયો દ્વારા રસી લગાડવામાં આવી હતી. ત્યાં સુધી કે સરકાર દ્વારા જો રસી લગાડાય નહીં હોય તો અનેક પ્રતિબંધો પણ મુકવામાં આવ્યા હતા. કોરોનાની રસી માટે જાણે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને રસી મુકાયા બાદ તમામે પોતાને કોરોનાથી સલામત અનુભવ્યા હતા.

જોકે, છેલ્લા એક-બે વર્ષથી અચાનક હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી જવા પામી હતી. આ મોતની પાછળ કોરોનાની રસી જવાબદાર હોવાના આક્ષેપો પણ થયા હતા. જોકે, સરકારે પોતાની પીછો છોડાવવા માટે નિષ્ણાતો પાસે એવું કહેવડાવ્યું હતું કે, કોરોનાની વેક્સિનને કારણે આ મોત થયા નથી. ભારતમાં આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો પરંતુ બ્રિટનમાં આ મામલે ચાલેલી કાનુની લડાઈમાં આખરે એસ્ટ્રાજેનેકા કંપનીએ તાજેતરમાં એવો સ્વીકાર કર્યો હતો કે તેમની વેક્સજાવરિયા નામની રસી લીધા બાદ થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ થઈ શકે છે. જોકે, આ દુર્લભ કેસ હોઈ શકે છે. કંપનીએ ભલે તેને દુર્લભ ગણાવ્યું હોય પરંતુ યુકેમાં આને કારણે ઓછામાં ઓછા 81 લોકોના મોત થયા છે અને આશરે 50થી વધુ મૃતકોના સંબંધીઓ દ્વારા કંપની સામે કેસ પણ કરવામાં આવ્યો છે. ભારતમાં પણ કેટલાક પરિવારો દ્વારા કંપની સામે કેસ કરવામાં આવ્યો છે.

એસ્ટ્રાજેનેકાએ એવું કહ્યું હતું કે, અમારી વેક્સિનના ઉપયોગથી પ્રથમ વર્ષમાં જ 65 લાખ લોકોને જિંદગી બચાવી શકાય છે અને આખા વિશ્વમાં 300 કરોડથી પણ વધુ ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.  એસ્ટ્રાજેનેકાએ સ્વીકાર કર્યા બાદ મોટો વિવાદ થતાં આખરે મંગળવારે કંપનીએ પોતાની વેક્સિન પરત લેવાની સાથે એવી પણ જાહેરાત કરી દીધી હતી કે કંપની હવે વેક્સિન બનાવશે નહીં અને વેચશે પણ નહીં. કંપનીએ જોકે, 5મી માર્ચના રોજ વેક્સિન પરત ખેંચવા માટે અરજી કરી હતી અને તેને 7મીમેના રોજ મંજૂરી આપવામાં આવી હતી.

એસ્ટ્રાજેનેકાએ તો પોતાની જાહેરાત કરી દીધી પરંતુ હવે સૌથી મોટો સવાલ કોવિશિલ્ડ સામે ઉભો થયો છે. જે રીતે યુકેમાં વેક્સિનની આડઅસર સામે કોર્ટ કેસ થયા તેવી જ રીતે ભારતમાં પણ કોર્ટકેસની સંખ્યા આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. કોવિશિલ્ડથી કોરોનાથી રક્ષણ મળ્યું કે કેમ, પણ એ વાત ચોક્કસ છે કે આગામી દિવસોમાં કોવિશિલ્ડનો મામલો સરકાર અને સીરમ ઈન્સ્ટિટ્યુટ માટે માથાનો દુખાવો બની રહેશે તે નક્કી છે.

Most Popular

To Top