SURAT

સુરતના રત્નકલાકારોના સંતાનો A-1 ગ્રેડ મેળવી હીરાની જેમ ચમક્યા, હવે AIની દુનિયાને એક્સપ્લોર કરશે

સુરત: ધગશથી મહેનત કરનારાને સફળતા અવશ્ય મળે છે. લક્ષ્ય નક્કી કરી તે દિશામાં અવિરત સતત મહેનત કરનારાને કોઈ મુશ્કેલીઓ નાસીપાસ કરતી નથી. એ સાબિત કર્યું છે સુરતના ગરીબ રત્નકલાકારોના સંતાનોએ. ધો. 12 કોમર્સ અને સાયન્સમાં સુરતના સૌથી વધુ સ્ટુડન્ટ્સે એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે. એ-1 ગ્રેડમાં ગરીબોના સંતાનો વધુ છે. ખાસ કરીને ગરીબ રત્નકલાકારોના સંતાનોએ એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. માંડ થોડી ચોપડી ભણેલા ગરીબ અશિક્ષત રત્નકલાકારોના સંતાનો ધો. 12ની અઘરી પરીક્ષા પાસ કર્યા બાદ હવે AIની દુનિયામાં કારકિર્દી બનાવવા માંગે છે.

સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતાં પિતાની દીકરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એ-વન ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી ઝળહળતી સફળતા મેળવી છે. વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાળા હીરામાં કામ કરે છે. રાજેશભાઈની દીકરી હેમાંશીએ 12 કોમર્સમાં 95.14 ટકા સાથે 99.96 પીઆર પ્રાપ્ત કર્યા છે. હેમાંશીએ કહ્યું કે, ધો. 10 બોર્ડ બાદ ધો. 11માં આળસ કરી નહોતી. 11માં ધોરણથી જ રોજ 8 કલાક મહેનત કરતી હતી. રોજની તૈયારી રોજ કરતી હતી. શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી. હેમાંશીની નિરમા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. માતા દક્ષાબેન અને પિતા 10 ધોરણ સુધી જ ભણી શક્યા છે. ત્યારે હું આગળ ભણીને હું પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું.

રત્નકલાકારનું સંતાન એવો રોશન રમેશ ઉકાણીએ પોતાના ગરીબ માતા પિતાનું નામ રોશન કર્યું છે. તપોવન વિદ્યાલયમાં ભણતા રોશને 95.71 ટકા અને 99.97 પર્સેન્ટાઈલ સાથે ધો. 12 કોમર્સમાં એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે. રત્નકલાકાર પિતા રમેશભાઈ થોડી આવકમાં એક દીકરો અને દીકરી, પત્ની સહિતના પરિવારનું ભાડાના મકાનમાં રહી ગુજરાન ચલાવે છે, પરંતુ ક્યારેય રમેશભાઈએ સંતાનોના અભ્યાસ પર પાંખી આવકની અસર પડવા દીધી નથી. પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં પોતાના લક્ષ્ય પર તેની અસર પડવા ન દઈ રોશને એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે.

ધો. 12 સામાન્ય પ્રવાહની સ્ટુડન્ટ બાવળિયા જેંસીના 92 ટકા અને 99.44 PR આવ્યા છે. તે BBA કરી બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. જેંસીની માતા 9 ભણેલા છે અને પિતા સંજયભાઈ 10 ભણેલા છે. તેઓ એમ્બ્રોડરીનું કામ કરે છે.

રિક્ષાચાલકના દીકરાએ A-1 ગ્રેડ મેળવ્યો
પૂણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં ધો -12 કોમર્સમાં અભ્યાસ કરતા જીજ્ઞેશ ભાવેશભાઈ ડાભીએ 94.43 ટકા મેળવીને એ વન ગ્રેડ હાંસલ કર્યો છે. તેના પિતા રિક્ષા ચલાવે છે. જીજ્ઞેશ રોજ આઠ કલાક મહેનત કરતો હતો. જીગ્નેશે કહ્યું તે સીએ બનવા માંગે છે. મારા માતા પિતાએ મારા માટે ખૂબ મહેનત કરી છે. સીએ બનીને હું એમનો બોજ હળવો કરીશ. પિતા ભાવેશભાઇ રિક્ષા ચલાવીને પત્ની અને ત્રણ સંતાનોનું ભરણ પોષણ કરે છે.

મોરના ઈંડા ચિતરવા ન પડે, ડોક્ટરના દીકરાએ ધો. 12 સાયન્સમાં એ-1 ગ્રેડ હાંસલ કર્યો
આપણે ત્યાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. આ કહેવતને સાચી ઠેરવતો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં ડોક્ટરના દીકરાએ ધો. 12 સાયન્સની પરીક્ષા એ-1 ગ્રેડ સાથે પાસ કરી છે. પુણાગામમાં રહેતા અક્ષત દૂબેએ ધો. 12 સાયન્સના બી ગ્રુપમાં 99.92 પીઆર હાંસલ કર્યા છે. રોજ 10 કલાક ભણીને અક્ષતે સફળતા મેળવી છે. તેના પિતા ધર્મેન્દ્રભાઈ બીએસએમએસ ડોક્ટર છે. અક્ષતનો ગુજકેટમાં પણ સારો રેન્ક આવ્યો છે. નીટની પરીક્ષા પણ સારી ગઈ છે. અક્ષત એમબીબીએસ ડોક્ટર બનવા માંગે છે. ડો. ધર્મેન્દ્ર મૂળ અયોધ્યાના વતની છે.

Most Popular

To Top