Business

ભારતીય શેર બજારોમાં કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ત્રણ તબક્કાના મતદાન બાદ ભારતીય શેરબજાર (Indian stock market) પેનિકના મોડમાં જોવા મળ્યુ હતું. જેમાં ગુરુવારે 9 મે 2024 ના સત્રમાં બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે સેન્સેક્સમાં (Sensex) 800 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં (Nifty) 270 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

બજારના મુખ્ય સૂચકાંકો ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપમાં વેચવાલીને કારણે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. તેમજ શેરબજારને નીચે લાવવામાં FMCG અને ઉર્જા ક્ષેત્રનો મોટો ફાળો હોવાનું જણાય છે. હાલ માત્ર ઓટો સેક્ટરના શેરો વધી રહ્યા છે.

NSEના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવારે કુલ રૂ. 6,669.10 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 5,928.81 કરોડના શેરની ખરીદી કરી હતી. મે મહિનામાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં FIIએ રૂ. 15,863 કરોડની ઇક્વિટી વેચી હતી.

રોકાણકારોને મોટું નુકસાન
શેરબજારમાં આ ઘટાડાથી બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 395.65 લાખ કરોડ થયું હતું, જે ગયા સત્રમાં રૂ. 400.69 લાખ કરોડ હતું. આજના સત્રમાં અત્યાર સુધીમાં રોકાણકારોને રૂ.5.04 લાખ કરોડનું નુકસાન થયું હતું.

હઇકાલે 8 મેના રોજ ટ્રેડિંગ સેશનમાં નોંધાયેલા રૂ. 400.69 લાખ કરોડના મૂલ્યની સરખામણીમાં રોકાણકારોની સંપત્તિ રૂ. 3 લાખ કરોડથી વધુ ઘટીને રૂ. 397.50 લાખ કરોડ થઈ હતી. આ સાથે જ L&T, ITC, JSW સ્ટીલ, Bajaj Twins, IndusInd Bank અને RIL જેવા શેર બપોરના ટ્રેડિંગમાં 5 ટકા સુધી ઘટ્યા હતા.

ભારતીય શેરબજારમાં શા માટે જોવા મળ્યો કડાકો?
વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં જંગી નફો કમાઈ રહ્યા છે. વિદેશી રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 15,683 કરોડની ઇક્વિટી વેચી છે. આ સાથે જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારમાં આટલી ખરીદી કરવાનું ટાળતા હોય તેવું લાગી રહ્યું છે. તેમજ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને પણ ભારતીય શેરબજારમાં તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસ અદાણી અને અંબાણી જૂથોને ચૂંટણીમાં ખેંચાયા બાદ ભારતીય શેર બજારમાં અસ્વસ્થતા વધુ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top