Entertainment

સતત ફ્લોપ ફિલ્મો બાદ આમીરના તીર નિશાના પર લાગશે?

ફિલ્મ જોતી વેળા આપણે એવું અનેકવાર જોયું છે કે હીરોની લાઇફ સારી રીતે ચાલતી હોય અને અચાનક એવા સંજોગો શરૂ થાય છે જે તેને ક્રાઇસીસમાં મુકી દે. તે એવી નિષ્ફળતામાં ફસાય જાય કે જાણે બહાર નીકળવાનો માર્ગ જ ન હોય. પણ પછી તે પ્રતિકાર શરૂ કરે અને જોતજોતામાં બધા સંજોગોને હંફાવી વિજેતાની જેમ બહાર આવે. આવું હકીકતે એ હીરો સાથે રિયલ લાઇફમાં પણ બનતું હોય છે. અત્યારે આમીર ખાન તેનો સારો દાખલો છે. તે બધી રીતે તો નથી ફસાય ગયો પણ લોકો માનતા હતા કે તે તો એકદમ પર્ફેકશનિસ્ટ છે. તે જયારે કોઇ ફિલ્મ સ્વીકારે તો તેને સમગ્રતાથી બેસ્ટ બનાવવા પ્રયત્ન કરે અને ધારી ન હોય એવી સફળતા મેળવે. ‘લગાન’નો વિષય એવો નહોતો કે જે કોઇ પણ સ્ટાર સફળ બનાવી શકે. ‘તારે ઝમીં પર’પણ કોઇ લોકપ્રિય વિષય ન હતો. ‘દંગલ’માં તો તે હીરો મટી છોરીઓનો બાપ બન્યો હતો. પણ એ બધી જ ફિલ્મો ચાલી અને એટલું જ નહીં ખાસ બની ગઇ. અરે, તેણે જે ફિલ્મોનું નિર્માણ કર્યું તે પણ મોટો ધંધો કરી શકી. પણ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ અને ‘લાલસીંઘ ચઢ્ઢા’ની પછડાટે આમીરની ઇમેજનો કચ્ચરઘાણ વાળી દીધો છે. તો શું તે હવે રિયલ લાઇફ હીરો પૂરવાર થશે?
હમણાં તે કપિલ શર્માના શોમાં આવ્યો. આમીર સામાન્યપણે કોઇ ટી.વી. શોમાં હાજર થતો નથી. તે તો જાહેર સમારંભોથી પણ દૂર રહે છે. અરે, મેડમ તુષાર મ્યુઝિયમમાં તેનું મીણનું પૂતળું મુકાવાનું હતું તો તેણે ના પાડી દીધેલી. તે પોતાની સફળતા કે નિષ્ફળતામાં કોઇને ભાગ નથી બનાવતો. કપિલ સાથેના શોમાં તેણે પોતે કઇ રીતે પોતાના પાત્રો ઘડે છે તેની વાત કરી, પોતે કયાં કેવી ભુલ કરી તેની પણ વાતો કરી. પોતાની ફીટનેસ અને 59માં વર્ષે પણ યુવાન દેખાવા વિશેના કાદા રહસ્યોની વાત કરી. તેણે કહ્યું કે તે તો ફિલ્મોમાં આવ્યા પછી જ શેમ્પુ વાપરતો થયો બાકી સાબુથી જ તેનું ચાલતું. પોતે કોઇ દિવસ જિમ પણ નથી ગયો. નોર્મલ ખાવા-પીવાનું છે. હા, તેણે કહ્યું કે મારા અમ્મા અને અબ્બા રૂપાળા હોવાથી મને પણ તેમનું સૌંદર્ય મળ્યું હશે. આમીર ખાને સલમાન અને શાહરૂખ ખાન સાથે એકાદ ફિલ્મ હોય એટલે કે ત્રણે ‘ખાન’ એક જ ફિલ્મમાં હોય એવી ઇચ્છાની ય વાત કરી.
આમીરની આ ત્રણ ‘ખાન’ વાળી ફિલ્મની ઇચ્છા કદાચ પુરી નહીં થશે કારણ કે ત્રણે જૂદી જૂદી ઇમેજ અને સ્ટાઇલ ધરાવતા સ્ટાર્સ છે. રાજકપૂર અને દિલીપકુમાર યા અમિતાભ ને દિલીપકુમાર યા રાજકુમાર અને દિલીપકુમાર યા અમિતાભ અને રાજેશ ખન્ના પણ પરદા પર એક કે બે વાર જ જેમ તેમ ભેગા થયા હતા. હીરો 50-55નાં થાય પછી ભેગા થાય તેમાં મઝા નથી આવતી. સલમાન અત્યારે 58નો છે અને શાહરૂખની પણ એજ ઉંમર છે. મતલબ ત્રણેની ઉંમર 58-59ની છે તો હવે તેઓ રોમાન્સ, એકશન કરે તો પણ મઝા ન આવે. વળી આવી ફિલ્મનું બજેટ પણ મોટું થઇ જાય અને ફિલ્મ નિર્માણ દરમ્યાન ત્રણમાંથી કોઇ વચ્ચે અહમ ટકરાયો તે ફિલ્મ એવી લંબાય જાય કે બંધ કરવી પડે. વળી ત્રણેની સ્ટારવેલ્યુ બદલાઇ ગઇ છે. ત્રણને સાથે જોવા ઉત્તેજક જરૂર નીવડે ણપ હવે એ આઇડિયા રિયલ બને એવો નથી તો કલ્પના કરવાનો શો ફાયદો?
આમીર હવે ફરી જોરમાં પરદા પર પાછો ફરી એજ અત્યારે તો મહત્વનું છે. ‘દંગલ’ (2016) પછી તેની હીરો તરીકો કોઇ ફિલ્મ સફળ નથી ગઇ પણ હવે તે કાચુ કાપવાના મૂડમાં નથી. શેખર કપૂર ઘણા વર્ષોથી ‘ટાઇમ મશીન’ નામની ફિલ્મ બનાવવા માંગે છે. 1992માં તેણે પહેલીવાર આ ફિલ્મ વિચારેલી ત્યારે પણ તેમાં આમીર ખાન જ હતો જે 1990થી 1960ના સમયમાં ટ્રાવેલ કરે છે અને તેના માતા પિતાને મળે છે જે ત્યારે પરણેલા પણ નહોતા. શેખરે એ ભૂમિકામાં નસીરુદ્દીન શાહ અને રેખાને વિચારેલા પણ ફિલ્મ જ આગળ ન વધી. હવે તે ફરી આગળ વધી છે. આ વિજ્ઞાન કથા કલ્પના ધરાવતી ફિલ્મ જો શેખર કપૂરના દિગ્દર્શનમાં જોવા મળશે તો એક મોટા દિગ્દર્શકના પુર્નપ્રવેશ માટે આમીર ખાનને દાદ દેવી પડશે.
આમીર નવા વિષય, નવા દિગ્દર્શક પર હંમેશા ભરોસો કરે છે અને તેથી તે ‘સિતારે ઝમીં પર’ બનાવી રહ્યો છે તેમાં હીરોઇન તરીકે જેનિલિયાને લીધી છે અને દિગ્દર્શક આર.એસ. પ્રસન્ના છે જે ‘શુભ મંગલ સાવધાન’ બનાવી ચુકયો છે. ‘લાહોર 1947’નો નિર્માતા પણ તે પોતે જ છે અને તેમાં તે સની દેઓલ સાથે આવી રહ્યો છે. આમીરના ખાસ દિગ્દર્શકોમાં એક રાજકુમાર સંતોષી છે જે સનીના પણ ખાસ છે. તે આ ફિલ્મનું દિગ્દર્શન કરે છે. તમે આ ફિલ્મોના વિષય જુઓ તો પણ જુદા છે. ‘લાહોર 1947’માં તે ફરી પ્રિટી ઝિન્ટાને પણ પરદા પર પાછી લાવશે. અન્ય એક ફિલ્મ ‘પ્રિતમ પ્યારે’ છે જે સુનીલ પાંડેના દિગ્દર્શનમાં બનશે અને તેમં રિચા પ્રકાશ નામની અભિનેત્રી છે. આ ઉપરાંત રાજકુમાર હીરાની સાથે વળી એક ફિલ્મમાં જોવા મળશે.
આમીર જુગારની જેમ ફિલ્મોમાં કામ કરતો નથી. તેની પાસે સ્પષ્ટ યોજના હોય છે અને પટકથાથી સંતોષ થાય પછી જ શૂટિંગ શરૂ કરે છે. તેની ફિલ્મને મોટા વિલનની દેખાડાના રાષ્ટ્રપ્રેમની, વધારાની એકશનની કે રોમાન્સ સેકસની પણ જરૂર નથી પડતી. તે હવે તેના ભાણેજ ઇમરાન ખાન માટે ‘હેપી પટેલ’ પણ બનાવી રહ્યો છે. આમીર ખાને રિયલ લાઇફ હીરો પૂરવાર થવાનો સમય આવી ગયો છે. તે પોતાની ફિલ્મમાં જાદુ ઇચ્છે છે. ને તે કરશે. •

Most Popular

To Top