Dakshin Gujarat

શું દક્ષિણ ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે?, હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગાંધીનગર: છેલ્લાં એક અઠવાડિયાથી આખાય રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને ક્યારનો વટાવી ચૂક્યો છે. હવે તો ચામડી દઝાડતો આકરો તાપ સહન કરવો મુશ્કેલ બન્યો છે, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી રાહતજનક છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગરમીમાંથી કોઈ રાહત મળશે નહીં. વાતાવરણ સુકૂં જ રહેશે, પરંતુ ત્યાર બાદ ચોથા અને પાંચમા દિવસે એટલે કે તા. 11થી 13 મે દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લામાં હળવોથી સામાન્ય વરસાદ વરસી શકે છે. આ આગાહીને પગલે લોકોએ રાહત અનુભવી છે.

હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક કોઈ રાહત મળશે નહીં. અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે, ત્યાર બાદ એકાદ ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, અમદાવાદ શહેરમાં તાપમાન 43.3 ડિગ્રી આસપાસ નોંધાયું છે. ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી રહે તેવી શક્યતા છે. 36 કલાક બાદ ધીમે ધીમે પારો ઉતરશે. છતાં તે 41થી 42 વચ્ચે જ સ્થિર રહેશે.

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં આગામી તા. 11, 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદ પડી શકે છે. જેમાં 11 મેના રોજ ડાંગમાં તથા 12 અને 13 મેના રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારા વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાવાથી ત્યાંના રહેવાસીઓને ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. હાલમાં ગુજરાત ઉપર દક્ષિણ પશ્ચિમી અને પશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યા છે. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આ ઉપરાંત હાલમાં અરબ સાગર તરફ સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આગામી ચાર દિવસ બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Most Popular

To Top