Charchapatra

શાળાના સમયમાં ફેરફાર જરૂરી

તમે સવારના સમયે બહાર નીકળતાં હો તો રસ્તા પરથી પસાર થતી સ્કૂલવાન કે સ્કૂલ બસ કે સ્કૂલ રીક્ષામાં બેસીને સ્કૂલે જતાં પ્રિ પ્રાયમરીનાં નાનાં વિદ્યાર્થીઓ જોવા મળશે અને એટલું જ નહીં પણ એમાં બેઠેલાં વિદ્યાર્થીઓ ઊંઘતાં નજરે પડશે. આનું મુખ્ય કારણ છે બાળકને ન મળતી પૂરતી ઊંઘ. બાળકનું આરોગ્ય સચવાય એને માટે બાળકને પૂરતી ઊંઘ મળવી  જરૂરી છે. આવામાં બાળક પૂરતી ઊંઘ ન લઇ શકતું હોય તો તેને સવારે ઊઠવામાં  પણ મુશ્કેલી પડતી હોય છે. પરિણામે તે સ્કૂલ વાહનમાં ઝોકાં ખાતું નજરે પડે છે.

જો બાળક સવારે વહેલા નથી ઊઠી શકતું તો પહેલાં એ જાણો કે આખરે ઊઠવામાં  શું પરેશાની થઇ રહી છે. કયાંક એવું તો નથી ને કે તે રાતે સારી રીતે સૂઇ નથી શકતું કે તેને રાતે ગાઢ ઊંઘ નથી આવતી. આ માટે મહારાષ્ટ્રના રાજયપાલ રમેશ બૈસે સરકારને સૂચન કર્યું છે કે સ્કૂલના સમયમાં ફેરફાર કરો અને હાલનો સમય ઘણો વહેલો છે. 8 વાગે સ્કૂલ શરૂ કરવામાં આવે છે તેને બદલે સવારે દસ વાગ્યે સ્કૂલ શરૂ કરવામાં આવે તો સ્કુલે આવનાર બાળકો ઘણાં સ્ફૂર્તિવાળાં દેખાશે અને આનંદથી તેઓ પોતાનું શિક્ષણ ગ્રહણ કરી શકશે. આ વિચારવાલાયક મુદ્દો તો છે જ. આના ઉપર શિક્ષણ ખાતાના અધિકારીઓ ધ્યાન આપે એ ખૂબ જ જરૂરી છે.
સુરત     – શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નિવૃત્ત બેન્ક કર્મચારીઓની વ્યથા
તા. 7.12.23ને દિવસે બધી બેન્કોનું ગઠન ધરાવતી સંસ્થા આઇબીએ અને બેન્ક કર્મચારી તથા અધિકારીઓનાં મંડળોના સંગઠન યુએફબીયુ વચ્ચે બારમા દ્વિપક્ષી કરાર પર સહી સિક્કા કર્યા. આ કરાર જે હાલ કાર્યરત બેન્કોના કર્મચારી અધિકારીઓના પગાર ધોરણ અને અન્ય બાબતો નક્કી કરે છે. સાથે સાથે નિવૃત્ત બેન્ક કર્મચારીઓના પડતર પ્રશ્નોને પણ આ બંને પક્ષોએ પ્રાધાન્ય આપવાનું હોય છે. જે કોઇ સમજુતી થાય તેના પર આખરી મહોર ભારત સરકારનું નાણાં મંત્રાલય મારે પછી જ તેનો અમલ થાય. આ બંને વાટાઘાટ કરતી સંસ્થાઓએ નિવૃત્તોનો 20-22 વર્ષોથી પડતર પ્રશ્ન આંશિક રીતે સરકારની મંજૂરી મળે એ શરતે હલ કર્યો છે. 

સરકારને તે સમજુતીનો ખરડો પણ મોકલ્યો છે. પરંતુ જાહેર ક્ષેત્રની બેન્કોનાં નિવૃત્તોને પણ રિઝર્વ બેન્કના પેન્શનરોને મળતા પેન્શનના નિયમો પ્રમાણે જ પેન્શન મળે એવી આ બંને સંગઠનોએ કરેલી કબુલાતથી બંને સંગઠનો મુકરર ગયાં છે. પેન્શનના સુધારાને નામે નાની નાની એવી રકમ આ નિવૃત્તોને ફાળવી છે અને તે પણ અપમાનજનક શબ્દ એક્ષ ગ્રેશીયાનો ઉપયોગ કરીને. ભારતભરનાં નિવૃત્તો આ શબ્દ અને આ પધ્ધતિને કારણે ખૂબ જ રોષમાં છે.  મારી સરકારને અને ખાસ તો આપણા વડા પ્રધાનને આગ્રહભરી વિનંતી છે કે તેઓ જાહેરમાં કાયમ યુવાનોને વડીલ વંદનાના સદ્ગુણની શીખામણ આપે છે.  તેઓ આ અપમાનજનક શબ્દની જગ્યાએ આ બંને સંસ્થાઓ વડીલોનું સન્માન જળવાય તેવા દા.ત. પેન્શનમાં હંગામી વધારો, વધારાનું પેન્શન જેવા શબ્દો વાપરે અને આ સાત લાખ નિવૃત્તોને આ પધ્ધતિને કારણે ચાર આંકડાઓમાં થતા નુકસાનને બદલે આ પેન્શનરોને પણ રિઝર્વ બેન્કની પધ્ધતિએ જ પેન્શન આપવાનો આદેશ કરી તેમની ન્યાયપ્રિયતા સિધ્ધ કરે તો અમે સૌ એમના આભારી થઇશું.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top