Gujarat

“સોમનાથ માત્ર મંદિર નહીં, ભારતની અવિનાશી ચેતનાનું પ્રતિક” – પીએમ મોદી

સોમનાથ અમૃત મહોત્સવ – પ્રભાસ પાટણ ખાતે સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણીમાં પીએમ મોદીનું સંબોધન

ગાંધીનગર

પ્રભાસ પાટણ ખાતે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભાવવિભોર સંબોધન કરતાં જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની અવિનાશી આત્મા, આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનનું જીવંત પ્રતિક છે. સોમનાથ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ , ડે સીએમ હર્ષ સંઘવી , રાજ્ય સરકારના કેબીનેટ સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનની શરૂઆત “જય સોમનાથ”ના ગુંજતા જયઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રભાસ પાટણનો સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી છલકાતો દેખાઈ રહ્યો છે. મંદિર પરિસરમાં વેદમંત્રો, શિવ પંચાક્ષરીના અખંડ પાઠ, સાગરની લહેરો અને ભક્તિભાવથી છલકાતું વાતાવરણ સમગ્ર સૃષ્ટિ “જય સોમનાથ”નો સંદેશ આપી રહ્યું હોય તેવી અનુભૂતિ કરાવી રહ્યું છે.

“1947માં દેશ આઝાદ થયો, 1951માં સ્વાભિમાન જાગ્યુ”

પીએમ મોદીએ કહ્યું હતું કે 1947માં ભારતને રાજકીય આઝાદી મળી હતી, પરંતુ 1951માં સોમનાથ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાએ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સ્વાભિમાનનો ઉદ્ઘોષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સરદાર સાહેબે દેશની રિયાસતોને એકીકૃત કરવાની સાથે સોમનાથના પુનઃનિર્માણ દ્વારા વિશ્વને સંદેશ આપ્યો હતો કે ભારત હવે પોતાના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાની દિશામાં આગળ વધી ચૂક્યું છે.પ્રધાનમંત્રીએ કહયું હતું કે સોમનાથ વિનાશ સામે સર્જન, અસત્ય સામે સત્ય અને સંસ્કૃતિ સામે થયેલા હુમલાઓ સામે અડગ રહેલી ભારતની આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે “સોમનાથ અમૃત મહોત્સવ માત્ર ભૂતકાળનો ઉત્સવ નથી, પરંતુ આગામી હજાર વર્ષ માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.”

પોખરણ પરીક્ષણ અને “ઓપરેશન શક્તિ”નો કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રીએ 11 મે 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણોની યાદ તાજી કરતાં જણાવ્યું કે દુનિયાભરના દબાણ વચ્ચે પણ ભારત ઝુક્યું નહોતું. તેમણે કહ્યું કે તે સમયની ભાજપ સરકાર અને અટલબિહારી વાજપાઈના નેતૃત્વએ સાબિત કર્યું હતું કે ભારત માટે “રાષ્ટ્ર પ્રથમ” છે.તેમણે જણાવ્યું હતું કે પરમાણુ પરીક્ષણોને “ઓપરેશન શક્તિ” નામ આપવામાં આવ્યું હતું, કારણ કે ભારતીય પરંપરામાં શિવ અને શક્તિ અવિભાજ્ય છે. ચંદ્રયાન મિશન દરમિયાન ચંદ્ર પર ભારતના લેન્ડિંગ સ્થળને “શિવશક્તિ પોઈન્ટ” નામ આપવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.

“સોમનાથને તોડી શકાયું, પરંતુ ભારતના આત્માને નહીં”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મહમૂદ ગઝનવી, અલાઉદ્દીન ખિલજી જેવા અનેક આક્રમણકારોએ સોમનાથ મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ભારતની આધ્યાત્મિક શક્તિ સમજી શક્યા નહોતા. વારંવાર મંદિર તૂટ્યું, છતાં દરેક વખતે ફરી ઊભું થયું છે.તેમણે રાજા ભોજ, ભીમદેવ, કુમારપાળ, અહલ્યાબાઈ હોલ્કર, જામ સાહેબ દિગ્વિજયસિંહજી સહિત અનેક શિવભક્તોના યોગદાનને યાદ કર્યું. સાથે જ રાજેન્દ્ર પ્રસાદે અને કે.એમ. મુનશીના યોગદાનને પણ નમન કર્યું.

નેહરુના વિરોધનો પણ કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે જવાહરલાલ નેહરૂ દ્વારા વિરોધ થયો હતો, છતાં સરદાર પટેલ પોતાની ઇચ્છાશક્તિ પર અડગ રહ્યા અને સોમનાથનું પુનઃનિર્માણ પૂર્ણ થયું. તેમણે આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વાભિમાન અને સાંસ્કૃતિક વારસાને રાજકારણથી ઉપર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

“વિકાસ અને વિરાસત સાથે-સાથે આગળ વધે”

મોદીએ કહયું હતું કે છેલ્લા દાયકામાં દેશભરમાં કાશી વિશ્વનાથ ધામ, મહાકાલ મહાલોક, કેદારનાથ અને અયોધ્યા જેવા ધાર્મિક કેન્દ્રોના વિકાસ દ્વારા ભારત પોતાની સાંસ્કૃતિક ચેતનાને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યું છે.તેમણે કહ્યું હતું કે તીર્થસ્થળો માત્ર આધ્યાત્મિક કેન્દ્રો જ નહીં, પરંતુ આર્થિક પ્રગતિના પણ સ્ત્રોત છે. ચારધામ માર્ગ, હેમકુંડ સાહિબ રોપવે, કરતારપુર કોરિડોર અને બૌદ્ધ સર્કિટ જેવા પ્રોજેક્ટોથી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળી છે.

પર્યાવરણ અને સંસ્કૃતિ સાથે જોડાવાનો સંદેશ

પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ પ્રત્યેના આદરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “સર્વં ખલ્વિદં બ્રહ્મ”ના સિદ્ધાંતથી પ્રેરાઈને ભારતે નદીઓ, વૃક્ષો અને પર્વતોને પણ પૂજનીય માન્યા છે. તેમણે તીર્થસ્થળોના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે જનજાગૃતિ લાવવાની પણ અપીલ કરી હતી. સંબોધનના અંતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જ્યારે નવી પેઢી પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાય છે, ત્યારે રાષ્ટ્ર વધુ મજબૂત બને છે. તેમણે દેશવાસીઓને સોમનાથ અમૃત મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી અને “જય સોમનાથ”ના જયઘોષ સાથે પ્રવચન પૂર્ણ કર્યું હતું.

સોમનાથ મંદિર ઉપર એરફોર્સની સૂર્યકિરણ ટીમે ફેલાવી કેસરિયા અને ત્રિરંગાની આભા

ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય વાયુસેનાની ભારતીય વાયુદળની પ્રસિદ્ધ ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમ દ્વારા રજૂ કરાયેલા ભવ્ય ફ્લાયપાસ્ટના સાક્ષી બન્યા હતા.સોમનાથ મંદિરના આકાશમાં સૂર્યકિરણ ટીમે અદભૂત એરોબેટિક પ્રદર્શન કરતાં કેસરિયા અને ત્રિરંગાની મનોહર આભા ફેલાવી દીધી હતી. ભક્તિ અને રાષ્ટ્રશક્તિના અનોખા સંગમરૂપ આ દ્રશ્યે ઉપસ્થિત હજારો લોકોને ગૌરવ અને દેશભક્તિના ભાવથી અભિભૂત કરી દીધા હતા.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્રસંગને “ગૌરવ અને શૌર્યનો ભવ્ય સંગમ” ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે સોમનાથ અમૃત મહોત્સવના પવિત્ર અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે પોતાના અદભૂત ફ્લાયપાસ્ટથી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રગૌરવની ભાવનાથી ભરી દીધું.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે “શ્રદ્ધા અને શક્તિના આ દ્રશ્યએ દરેક ભારતીયના મનને ગૌરવથી ભરી દીધું.” સોમનાથ મંદિર ઉપર થયેલા આ ભવ્ય ફ્લાયપાસ્ટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર પરિસર “ભારત માતા કી જય”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સોમનાથ અમૃત મહોત્સવમાં ગુંજયો “જય સોમનાથ” નો નારો , પીએમ મોદીએ કરી મહાપૂજા

સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ – “વિકાસ અને વિરાસત સાથે-સાથે આગળ વધે” : સોમનાથથી પીએમ મોદીનો સંદેશ

ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહયા હતા. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરે મહાપૂજા અને કુંભાભિષેક કર્યા હતા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ આજના પ્રસંગને પોતાના જીવનની સૌથી ભાવનાત્મક અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સોમનાથની પવિત્ર ધરા પર મહાદેવના ચરણોમાં મહાપૂજા અને કુંભાભિષેક કરવાનો અવસર તેમને અપાર આધ્યાત્મિક ઊર્જા અને શિવમય ચેતનાથી અભિભૂત કરી ગયો છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “પુનઃનિર્મિત સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યાને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે મહાદેવની પ્રાર્થના કરવી એ એવો અનુભવ છે જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં.”

પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સોમનાથને ભારતની અવિનાશી આત્મા, અડગ શ્રદ્ધા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક ગણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 1947માં દેશને આઝાદી મળી હતી, જ્યારે 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો. તેમણે કહ્યું કે સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ સદીઓના આક્રમણો સામે અડીખમ રહેલી ભારતની આધ્યાત્મિક શક્તિનું જીવંત પ્રતિક છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પોખરણ પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠનો પણ ઉલ્લેખ કર્યો હતો અને “ઓપરેશન શક્તિ”ને ભારતની વૈજ્ઞાનિક શક્તિ તથા રાજકીય સંકલ્પનું પ્રતિક ગણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાકાલ મહાલોક અને અયોધ્યા જેવા તીર્થસ્થળોના વિકાસ દ્વારા દેશ પોતાની સાંસ્કૃતિક વિરાસતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે. “વિકાસ અને વિરાસત સાથે-સાથે આગળ વધે, એ જ નવા ભારતની ઓળખ છે,” એમ તેમણે જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ અંતમાં કહ્યું હતું કે સોમનાથ અમૃત મહોત્સવ માત્ર ભૂતકાળની ઉજવણી નથી, પરંતુ આગામી હજાર વર્ષ માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.

Most Popular

To Top