Gujarat

મહેસાણામાં વસ્તી ગણતરીને લઇને શિક્ષકોમાં રોષ

ગાંધીનગર : મહેસાણા જિલ્લોમાં વસ્તી ગણતરી અને અભ્યાસ છોડી ગયેલા બાળકોના સર્વેની કામગીરીને લઈને શિક્ષકોમાં વિવાદ ઊભો થયો છે. મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉનાળાની અસહ્ય ગરમીમાં આ કામગીરી ન સોપવા, જૂન મહિનામાં શાળાઓ ફરી શરૂ થાય ત્યારબાદ શાળાના સમય સિવાય સર્વેનું કામ સોંપવામાં આવે તેવી રજુઆત કરી છે.

શિક્ષક સંઘના જણાવ્યા મુજબ, કામગીરીની વહેંચણીમાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે. સંઘનો આરોપ છે કે ઊંચો ગ્રેડ પે અને લાંબા અનુભવ ધરાવતા સિનિયર શિક્ષકો તેમજ આચાર્યોને સામાન્ય જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે નવા જોડાયેલા શિક્ષકો અને નાના કર્મચારીઓને ‘સુપરવાઈઝર’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉલટા પદાનુક્રમને કારણે શિક્ષકોમાં અસંતોષ અને માનસિક રોષ ફેલાયો હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત નિવૃત્તિની નજીક આવેલા શિક્ષકોને પણ ફિલ્ડ વર્ક સોંપવામાં આવતા સંઘે તેમને આ કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. હાલ ચાલી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ધોરણ 9 અને 10માં અભ્યાસ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઈને શોધવાની કામગીરી અત્યંત મુશ્કેલ બની રહી હોવાનું શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું છે.

શિક્ષક સંઘે માંગ કરી છે કે ઉનાળુ વેકેશન દરમિયાન આ કામગીરી કરાવવાને બદલે જૂન મહિનામાં શાળાઓ ફરી શરૂ થાય ત્યારબાદ શાળાના સમય સિવાય સર્વેનું કામ સોંપવામાં આવે.

Most Popular

To Top