અમદાવાદ : ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૪ થી ૪૫ ડિગ્રીને પાર કરી જતાં જનજીવન કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, કંડલા એરપોર્ટ ૪૫.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગરમાં પણ ૪૫ ડિગ્રી તાપમાનને કારણે હાહાકાર મચી ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, ડીસા અને ભૂજમાં 43 ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41 ડિગ્રી અને દમણમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દમણ-દીવ વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહ્યું હતું. દક્ષિણ ગુજરાતના સુરત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, પોરબંદર, કેશોદ અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં હીટવેવની અસર જોવા મળી હતી. હવામાન વિભાગ અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગે આગામી 12 થી 15 મે દરમિયાન ગરમ અને ભેજવાળા વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ૧૨, ૧૩ અને ૧૪ મે માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો, ખાસ કરીને સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હિટવેવનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, રાજકોટ, અમરેલી અને બોટાદમાં પણ હીટવેવની પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.દક્ષિણ ગુજરાતના સુરત અને વડોદરા જેવા જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે મુસાફરો અને સામાન્ય જનતા માટે ‘ડિસ્કમ્ફર્ટ’ (અકળામણ) જેવી સ્થિતિ સર્જાશે.સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ આગામી દિવસોમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, ત્યારબાદ 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, 20 મે બાદ બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર વિસ્તારમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી હોવાનું પણ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. ગરમીના આ પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ચોમાસું બેસવા માટેની સ્થિતિ સાનુકૂળ બની રહી છે. બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર ૨૦ થી ૩૦ મે દરમિયાન ચોમાસું દસ્તક આપી શકે છે. વિવિધ વેધર મોડેલ્સના આંકલન મુજબ , મે મહિનાના અંત સુધીમાં અરબી સમુદ્રમાં ચોમાસાનું પરિભ્રમણ સ્થિર થશે, જે સૂચવે છે કે આ વર્ષે ચોમાસું સમયસર શરૂ થઈ શકે છે.