Comments

પડકાર પેદા કરે તે પહેલાં જ કદ પ્રમાણે વેતરી નાંખવાનો

સાવ અજાણ્યા ચહેરાને મુખ્ય પ્રધાન બનાવવાની પરંપરા જૂની છે. કૉંગ્રેસ આમ દાયકાઓથી કરતી આવી છે. જગન્નાથ પહાડિયા ( રાજસ્થાન), બાબાસાહેબ ભોંસલે (મહારાષ્ટ્ર), સત્યેન્દ્રનારાયણ સિંહ (બિહાર) અને બીજા અનેક. આમ કરવા પાછળના બે ઉદ્દેશ છે. એક તો એ કે કોઈ માણસ સત્તાની સીડી ચડીને કદાવર ન બનવો જોઇએ. જો રાજ્યસ્તરનો નેતા કદાવર બનવા માંડે તો પક્ષના કેન્દ્રીય નેતૃત્વને પડકાર ફેંકે અને તેમનું સાંભળે પણ નહીં. ભારતીય રાજકીય પરિભાષામાં જેને સત્રપ તરીકે ઓળખાવવામાં આવે છે તેને તે પડકાર પેદા કરે એ પહેલાં જ કદ પ્રમાણે વેતરી નાંખવાનો. ન રહે બાંસ ન બજે બાંસુરી.

કોંગ્રેસમાં એક સમયે પ્રાદેશિક સ્તરે કેટલા કદાવર નેતાઓ હતા. મોરારજી દેસાઈ, ગોવિંદ વલ્લભ પંત, બિધાનચન્દ્ર રોય, દ્વારકાપ્રસાદ મિશ્ર વગેરે. જવાહરલાલ નેહરુના યુગમાં કેન્દ્રમાં અને રાજ્યોમાં એક એકથી ચડિયાતા નેતાઓ હતા. પણ એ પછી સત્તાનું રાજકારણ શરૂ થયું અને પક્ષમાં પોતાનો પ્રભાવ અને પક્કડ વધારવાની હોડ શરૂ થઇ. વ્યાપક લોકસમર્થન અને લોકપ્રિયતા નેતાઓનો કૂવામાં જ શિકાર કરી નાંખવાનો કે જેથી તે હવાડામાં આવે જ નહીં.

અહીં મેં કૂવા અને હવાડાનું રૂપક આપ્યું એની પાછળ કારણ છે. વ્યાપક લોકસમર્થન ધરાવનારા નેતાઓ નીચે જનમ લેતા હોય છે અને પછી તે ઉપર જતા હોય છે. કપિલ સિબ્બલ જેવા સીધા ઉપરથી આવેલ નેતા ગમે એટલું મોટું પદ ભોગવે તે પક્ષની અંદર નેતૃત્વ સામે પડકાર ફેંકી ન શકે. માટે નીચેના સ્તરેથી નેતૃત્વ ઊગે અને વિકસે એ લોકતાંત્રિક રાજકીય પક્ષો માટે જરૂરી હોય છે. ડૉ. રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે જે લોકો માટે સંઘર્ષ કરે, જરૂર પડે તો જેલમાં જાય અને લોકોની વચ્ચે રચનાત્મક કામ કરે એવા લોકોની લોકતાંત્રિક પક્ષોને જરૂર હોય છે. એવા નેતાઓ આગલા નેતાઓને ખો આપીને પક્ષને આગળ લઇ જાય છે. પણ ઇન્દિરા ગાંધીના સમયમાં કૂવામાં જ ફિશીંગ કરવાનું શરૂ થયું અને ક્રમશ: કોંગ્રેસ જમીની સ્તરે નિર્બળ થતી ગઈ તે ત્યાં સુધી કે રાહુલ ગાંધીની મહેનત ચૂંટણીમાં ફળતી નથી.

પણ આ તો એક દૃષ્ટિકોણ થયો. બીજો દૃષ્ટિકોણ એ છે કે ભારત જેવા સામાજિક અસમાનતા ધરાવતા દેશમાં સામાજિક સક્ષમીકારણનો અને ઉપરથી નીચેની દિશામાં સત્તાપરિવર્તનની સાઈકલ ચાલતી રહેવી જોઈએ. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાંથી લઈને લગભગ એક દાયકા સુધી રાજ્યોના બધા જ મુખ્ય પ્રધાનો બ્રાહ્મણ હતા. ૧૯૬૨ પછી અંગ્રેજીમાં જેને સોશ્યલ એન્જિનિઅરિંગ કહેવાય એની શરૂઆત થઇ. મુંબઈ રાજ્ય/મહારાષ્ટ્રમાં મોરારજી દેસાઈ પછી યશવંતરાવ ચવ્હાણ (મરાઠા) મુખ્ય પ્રધાન બન્યા અને એ પછી મારોતરાવ કન્નમવાર મુખ્ય પ્રધાન બન્યા હતા જે આંધ્રપ્રદેશમાંથી મહારાષ્ટ્રમાં વસેલી કપ્પુ જ્ઞાતિના હતા અને પછી વસંતરાવ નાઈક મુખ્ય પ્રધાન બન્યા હતા જે પારધી કોમમાંથી આવતા હતા. આવું જ લગભગ દરેક રાજ્યોમાં બન્યું હતું. બ્રાહ્મણો અને સવર્ણોના હાથમાંથી સત્તા સરકતી ગઈ હતી. આ પ્રજાકીય જાગૃતિ અને સંખ્યાનો જાદુ હતો.

જો કદાવર નેતા જગ્યા કરીને ન આપે અને સત્તા છોડે જ નહીં તો સત્તાકીય સામાજિક સંઘર્ષ પેદા થાય. જે રીતે બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા અનેક દેશોમાં થયો હતો અને સરવાળે એ દેશોએ લોકતંત્ર ગુમાવી દીધું હતું. ભારતમાં આ સમસ્યા પેદા નહોતી થઇ એ ભારતની વિશેષતા છે. ભારતના લોકતંત્રમાં ભારતની દરેક કોમ ભાગીદાર છે. હા, એ લોકો ભાગીદાર નથી, જેમની પાસે કાયમી રહેઠાણ નથી અને કાયમી રોજગાર નથી. એની સંખ્યા પણ ઘણી મોટી છે અને એ આપણું કલંક છે.

પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ\જન સંઘ\ભાજપની વાત જૂદી છે. એ લોકો પહેલાં જ્ઞાતિ એક રાજકીય પરિબળ છે એ સ્વીકારતા જ નહોતા. ૧૯૭૦ સુધી સંઘ જનસંઘનું આવું વલણ હતું. હિંદુમાં બધા જ હિંદુ આવી ગયા, હિંદુ ઓળખ સર્વોપરી અને સર્વ સમાવેશક છે, હિન્દુઓને હિંદુ તરીકે સંગઠિત કરવા જોઈએ એવી તેમની માન્યતા હતી. એટલે તેઓ હિંદુ ન્યાયવ્યવસ્થાની વાત કરતા હતા, પરંતુ જેને ન્યાય આપવાનો હતો ત્યાં સુધી ન્યાય લઈને જતા નહોતા. ઉલટું સવર્ણ હિંદુઓએ વિકસાવેલી હિંદુ સંસ્કૃતિને પછાત કોમોએ અપનાવવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. આને કારણે સંઘ બ્રાહ્મણોના સંગઠન તરીકેની અને જન સંઘ બ્રાહ્મણ-બનિયાઓના પક્ષ તરીકેની ઓળખ ધરાવતા હતા અને તેની પહોંચ પણ મર્યાદિત હતી.

૧૯૭૩માં સંઘના બીજા સરસંઘચાલક ગોલવલકર ગુરુજીનું અવસાન થયું અને તેમની જગ્યાએ આવેલા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે બ્રાહ્મણ-બનિયા સિવાયની પછાત જાતિઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું. સંઘનો જે વિકાસ થયો અને બીજેપીને જે લાભ મળી રહ્યો છે એ આના કારણે. માટે ઘણાં લોકો ગુરુજીના કાર્યકાળ (૧૯૪૦-૧૯૭૩)ને વેડફાયેલાં વરસ (લોસ્ટ યર્સ) તરીકે ઓળખાવે છે. સંઘે દરવાજા તો ખોલ્યા, પણ પૂરા નથી ખોલ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હજુ પણ પહેલી હરોળની નેતાગીરીમાં પછાતોને સ્થાન નથી અપાતું. સ્ત્રીઓનો તો પ્રવેશ જ નથી. તેના પક્ષમાં એટલે કે બીજેપીમાં પછાત કોમના નેતાને સર્વોચ્ચ હોદ્દો આપવામાં તો આવે છે, પણ તે સંઘનો સ્વયંસેવક હોવો જોઈએ. જે ન હોય એ પ્રધાન તો બની શકે, પણ મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન ન બની શકે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનપદ માટે બીજેપીએ જેની પસંદગી કરી છે એ બધા જ સંઘના સ્વયંસેવક છે. સંઘની વિચારધારા અપનાવી લીધી હોય અને ચોક્કસ પ્રકારનું માનસ ઘડાયું હોય એ પછી સીડી ચડવા દેવામાં કોઈ જોખમ નથી, પણ મારે બીજેપી અને બીજાં સંગઠનોમાં સંઘમાં હજુ સુધી ઉપર ચડવા દેવામાં નથી આવતા. સંઘમાં તો આજે પણ મહારાષ્ટ્રના બ્રાહ્મણોનું જ વર્ચસ છે. આમ કોંગ્રેસના અને બીજેપીના સોશ્યલ એન્જિનિઅરિંગમાં જમીન આસમાનનો ફરક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top