Columns

માઈન્ડ ગેમ

એક દિવસ ઘરમાં બધા બેસીને વાતો કરતાં હતાં.દાદા–દાદી જૂની જૂની પોતાના વખતની વાતો કરતાં હતાં.દાદીએ કહ્યું, ‘પહેલાં તો હું ગામમાં અને તમારા દાદા અહીં શહેરમાં કમાવા આવ્યા.વર્ષો દૂર રહ્યા.ઘણી મહેનત બાદ દાદાએ નોકરી છોડી પોતાનું નાનું કામ શરૂ કર્યું અને અમે ૧૦ બાય ૧૦ ની એક ઓરડીમાં રહેતાં.ધીમે ધીમે દાદાની મહેનત રંગ લાવી.ઘણી મુસીબતો આવી.ઘણા પડકારો આવ્યા. અમે હિંમત ન હાર્યાં અને આગળ વધતાં ગયાં.એક વખત તો એવો પણ આવ્યો હતો કે એક સોદામાં નુકસાન ગયું અને બધો વેપાર સમેટી ગામમાં જવાના સંજોગ ઊભા થઈ ગયા, પણ દાદાએ હિંમત રાખી અને મેં તેમને સાથ આપ્યો એટલે ટકી ગયા.’

દાદી જુના દિવસોના સંઘર્ષની અને દાદાની હિંમત,મહેનત અને હોંશિયારીની વાતો કરતાં જ રહ્યાં.સાંભળનાર બધા વિચારવા લાગ્યા કે ‘આપણા દાદા કેટલા હિંમતવાન અને આત્મવિશ્વાસથી ભરેલા હશે કે વર્ષો પહેલાં ન ભણતર,ન મૂડી છતાં અજાણ્યા શહેરમાં આવીને સફળતા મેળવી.’ પૌત્રે પૂછ્યું, ‘દાદા, આટલી બધી મુશ્કેલી અને તકલીફોનો સામનો તમે કઈ રીતે કર્યો?’ દાદા હસ્યા અને બોલ્યા, ‘દીકરા કંઈ નથી, એ તો જેમ જેમ આગળ વધતો ગયો, રસ્તાઓ ખૂલતા ગયા.તમારી ભાષામાં સમજાવું તો આ તો બસ માત્ર ‘માઈન્ડ ગેમ’ છે.’ પૌત્રી બોલી, ‘એટલે શું દાદા?’

દાદાએ કહ્યું, ‘જુઓ મારી વાત સાંભળો અને હંમેશા યાદ રાખજો. આ વાત કોઈ મેનેજમેન્ટ સ્કૂલ નહિ સમજાવે.આપણા જીવનમાં આપની સફળતાનો આધાર સૌથી વધારે આપણા મન અને મગજ પર રહેલો છે એટલે કે માઈન્ડ પર ….હું તો બહુ હોશિયાર કે જીનીયસ હતો નહિ, એટલે તેની વાત કરતો નથી, પણ હું જે સમજાવવા માંગું છું તે એ છે કે જો તમારું માઈન્ડ નબળું પડે તો અઘરા કે કપરા સંજોગો મોટી તકલીફ બની જાય છે અને તમે તેમાં જ અટવાઈ જાવ છો.જો તમારું માઈન્ડ બેલેન્સ હોય તો તમે અઘરા અને કપરા સંજોગોને એક પડકાર ગણી તેની સામે લડીને માર્ગ કાઢી શકો છો અને ખાસ જયારે તમારું માઈન્ડ મજબૂત હોય છે ત્યારે અઘરા અને કપરા સંજોગોમાં પણ તમે કોઈ તક શોધી કાઢી તે તકને ઝડપી લઈને આગળ વધી શકો છો.

હું બસ આ માઈન્ડ ગેમ જ રમ્યો છું અને આગળ વધ્યો છું.કોઇ પણ સંજોગોમાં નબળો પડી હિંમત હાર્યો નહિ.હંમેશા સમતા અને શાંતિ જાળવી કપરા સંજોગો સામે લડી લીધું અને ઈશ્વર કૃપા અને મારી મહેનત ભળી ત્યારે મને બે ત્રણ મોટા કોન્ટ્રાકટ મળ્યા અને વેપાર વધી ગયો.
વધતો ગયો અને હું માઈન્ડ ગેમ જીતી ગયો.’
દાદાએ બહુ સુંદર સમજ આપતી વાત કરી અને એક બિઝનેસ જ નહિ, પણ લાઈફ લેસન શીખવાડ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top