Vadodara

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ અદા કરતો વધુ એક વિડીયો સામે આવ્યો

 વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU) અનેકવાર વિવાદોમાં (Controversy) આવી ચુકી છે. ત્યારે વધુ એકવાર યુનિવર્સીટી કેમ્પસમાં નમાજ અદા કરતો વિડીયો (Viral Video) સામે આવ્યો છે. કોઈ યુવાન દ્વારા સંસ્કૃત વિદ્યાલયની સામેના મેદાનમાં જાહેરમાં નમાજ (Namaz) પઢવામાં આવી રહી હતી જેનો વિડીયો બનાવવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે.

એમ.એસ.યુનિવર્સિટી કોઈક ને કોઈ બાબતે વિવાદોમાં જ રહે છે. અગાઉ અનેકવાર યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ અદા કરવાનો વિડ્યો સામે આવી ચુક્યો છે ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવાન સંસ્કૃત વિદ્યાલય અને ક્રિકેટ ગ્રાઉન્ડની સામેના મેદાનમાં જાહેરમાં નમાજ અદા કરી રહ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ આ જોતા તેઓએ વિડીયો બનાવવાનું શરુ કર્યું હતું અને વિદ્યાર્થીની પૂછપરછ પણ કરી હતી. વીડિયો બનાવનાર પૂછી રહ્યા છે કે નમાજ અદા કરતો વિદ્યાર્થી કઈ ફેકલ્ટીનો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે દરમિયાન આ વિદ્યાર્થી ઉઠીને સોરી કહીને નીકળી જાય છે. જો કે આ વિડીયો હાલ સામે આવતા સત્તાધીશોની કામગીરી ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા વિજિલન્સ પણ એક્ટિવ કરવામાં આવી છે છતાં આ પ્રકારની કેટલાક વિદ્યાર્થીઓની લાગણી દુભાય તેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક સંકુલમાં આવી ઘટનાઓ ન ઘટે તેવી વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે.

નમાજ પઢતો વિદ્યાર્થી યુનિવર્સિટીનો નથી
વિડીયો સામે આવ્યો છે જેમાં નમાજ પઢતો વિદ્યાર્થી યુનિવર્સિટીનો નથી લાગી રહ્યો. યુનિવર્સિટી કેટલીક અન્ય સંસ્થાઓ સાથે પણ સંલગ્ન છે જેની પરીક્ષાઓ પણ ચાલતી હોય છે અથવા તો બહાર થી પણ કોઈ આવી ને અહીં આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. અગાઉ જયારે આવા વિડીયો સામે આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થી ક્યાંનો છે તે માલુમ પડશે તો તેને પણ બોલાવીને કાઉન્સિલિંગ કરવામાં આવશે. – લકુલેશ ત્રિવેદી, પી.આર.ઓ., એમ.એસ.યુનિ.

વિજિલન્સ અને સિક્યુરિટી સામે સવાલો ઉભા થાય છે
યુનિવર્સિટીમાં વારંવાર આવી ઘટના સામે આવી રહી છે ત્યારે આવી ઘટનાઓ ન થવી જોઈએ. કારણ કે આ વિદ્યાનું ધામ છે ધાર્મિક ધામ નથી. આ વિદ્યાર્થી જયારે યુનિવર્સિટીનો નથી ત્યારે વિજિલન્સ અને સિક્યુરિટી સામે સવાલો ઉઠે છે કે તે આઈ કાર્ડ વિના કેવી રીતે આવ્યો. હવે જો આવી ઘટનાઓ બનશે તો તેની સામે અમો આંદોલન કરીશું – ધ્રુવ પારેખ, આગેવાન એ.બી.વી.પી.

Most Popular

To Top