Sports

IPL 2026માં આજે મોટી ટક્કર, GT-SRHમાંથી કોણ બનશે પ્રથમ ક્વોલિફાયર?

IPL 2026 હવે તેના સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે અને આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચ માત્ર બે મજબૂત ટીમોની ટક્કર નથી, પરંતુ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચવા અને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટેની મોટી લડાઈ પણ છે. હાલ સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ ત્રીજા સ્થાને છે. બંને ટીમોએ અત્યાર સુધી 11 મેચ રમી છે અને 7-7 જીત સાથે મજબૂત સ્થિતિ બનાવી છે. જોકે, વધુ સારા નેટ રન રેટને કારણે હૈદરાબાદ ગુજરાતથી એક સ્થાન ઉપર છે. આજની મેચ જીતનાર ટીમ IPL 2026ની પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની શકે છે. એટલા માટે આ મુકાબલો બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે.

ગુજરાત ટાઇટન્સ માટે કેપ્ટન શુભમન ગિલની બેટિંગ અને બોલિંગ યુનિટ મહત્વપૂર્ણ રહેશે. ટીમમાં જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાહુલ તેવટિયા જેવા મેચ વિનર ખેલાડીઓ છે. ઘરઆંગણે રમાતી આ મેચમાં ગુજરાતને ફેન્સનો પણ મોટો સપોર્ટ મળશે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પેટ કમિન્સની કેપ્ટન્સી, ટ્રેવિસ હેડની આક્રમક બેટિંગ અને હેનરિક ક્લાસેનની ફિનિશિંગ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અભિષેક શર્મા, ઈશાન કિશન અને હર્ષલ પટેલ જેવા ખેલાડીઓ પણ મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચ રમાઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સનું પ્રભુત્વ રહ્યું છે. GTએ 5 મેચ જીતી છે જ્યારે હૈદરાબાદને માત્ર 1 જીત મળી છે. ગયા સીઝનમાં પણ બંને મુકાબલામાં ગુજરાતે જીત મેળવી હતી. જોકે, આ સીઝનમાં બંને ટીમ પહેલીવાર આમને-સામને આવી રહી છે, જેના કારણે રોમાંચ વધુ વધી ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેનોને મદદરૂપ માનવામાં આવે છે, તેથી આજે હાઈ-સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે. સાથે સાથે ડ્યૂ ફેક્ટર પણ મહત્વપૂર્ણ બની શકે છે, જેના કારણે ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. IPL હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે અને દરેક જીત-હાર પ્લેઓફની તસવીર બદલાવી શકે છે. આજની GT અને SRH વચ્ચેની આ મેચ ક્રિકેટપ્રેમીઓ માટે સંપૂર્ણ મનોરંજનથી ભરપૂર રહેવાની શક્યતા છે.

Most Popular

To Top