સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તાપમાન સતત ઊંચું જતા સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ દેખાઈ રહ્યા છે અને લોકો જરૂરી કામ હોય ત્યારે જ ઘર બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નેચર પાર્કમાં રહેલા પ્રાણીઓ પર ગરમીની અસર ન થાય તે માટે પાલિકા તંત્ર અને સ્ટાફ સતત સક્રિય બન્યો છે. પ્રાણીઓને ઠંડક મળી રહે અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓથી બચાવી શકાય તે માટે અનેક ખાસ પગલાં લેવામાં આવ્યા છે. પાર્કમાં રહેલા વાઘ, સિંહ અને અન્ય હિંસક પ્રાણીઓના પાંજરા બહાર એર કુલર ગોઠવવામાં આવ્યા છે. આ કુલરની મદદથી પાંજરાની આસપાસનું તાપમાન ઓછું રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓને ગરમીમાં રાહત મળી શકે. સાથે સાથે સ્ટાફ દ્વારા સમયાંતરે ઠંડા પાણીના ફુવારા અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

માત્ર બહારથી ઠંડક આપવી પૂરતી નથી, તેથી પ્રાણીઓના આરોગ્ય પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગરમીના કારણે શરીરમાં પાણી અને ક્ષારની ઉણપ ન સર્જાય તે માટે પ્રાણીઓને ઈલેક્ટ્રોલ પાઉડર આપવામાં આવી રહ્યું છે. ઈલેક્ટ્રોલમાં રહેલા સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વો શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે, જેના કારણે પ્રાણીઓને ગરમી સામે લડવામાં સહાય મળે છે. આ ઉપરાંત મોટા અને માંસાહારી પ્રાણીઓ માટે ખાસ પાણીના હોજ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં સતત ઠંડું પાણી ભરવામાં આવી રહ્યું છે જેથી સિંહ, વાઘ, રીંછ જેવા પ્રાણીઓ પાણીમાં બેસીને શરીરનું તાપમાન ઘટાડે શકે. ગરમીમાં આ વ્યવસ્થા પ્રાણીઓ માટે ઘણી અસરકારક સાબિત થઈ રહી છે.
નેચર પાર્કમાં માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ પક્ષીઓ માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. પક્ષીઓના પીંજરા નજીક પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને પીવાનું વધારાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નાના પક્ષીઓ પર ગરમીની અસર ઝડપથી થતી હોવાથી સ્ટાફ સતત તેમની પર નજર રાખી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના આ પ્રયાસોને કારણે નેચર પાર્કમાં રહેલા પ્રાણી-પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની શક્યતા વચ્ચે પાર્ક તંત્ર દ્વારા વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રાણી કે પક્ષીને ગરમીના કારણે તકલીફ ન પડે.