SURAT

સુરત પાલિકાની નવી બોર્ડ રચનાની તૈયારી તેજ, તમામ 120 વિજેતા ઉમેદવારોએ દસ્તાવેજો જમા કરાવ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નવી બોર્ડ રચવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે. ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ પાલિકા તંત્ર સમક્ષ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે. હવે આગામી દિવસોમાં નવી બોર્ડની સત્તાવાર રચના અને મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થવાની શક્યતા વધી ગઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તમામ વિજેતા ઉમેદવારોને વિજય પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકાના સેક્રેટરી વિભાગે નવ નિયુક્ત કોર્પોરેટરોને બાયોડેટા અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના આપી હતી. પાલિકા તંત્રના જણાવ્યા મુજબ ગઈકાલ સુધીમાં 109 ઉમેદવારોએ દસ્તાવેજો સબમિટ કરી દીધા હતા, જ્યારે બાકીના 11 ઉમેદવારોએ આજે બપોર સુધીમાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાલિકા દ્વારા તમામ કોર્પોરેટરોની ઓળખ અને વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી નવી બોર્ડ રચનાની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે.

સુરત પાલિકાની સૂચના મળતા જ સૌથી પહેલા વરાછા વિસ્તારની જીતેલી ઉમેદવાર જયશ્રી વોરાએ પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા હતા. બીજી તરફ, સૌથી અંતમાં દસ્તાવેજો જમા કરાવનાર ઉમેદવાર તરીકે કોન્ટ્રાક્ટરથી રાજકારણમાં આવેલા રવિન્દ્ર ખેરનારનું નામ સામે આવ્યું છે. હવે તમામ 120 ઉમેદવારોની પ્રક્રિયા પૂર્ણ થતાં પાલિકા તંત્ર આગામી પગલાં માટે તૈયાર થઈ ગયું છે. રાજ્ય સરકારે પણ ગેઝેટ બહાર પાડી મ્યુનિસિપલ કમિશ્નરને જરૂરી સૂચનાઓ આપી છે. ભાજપ પ્રમુખ દ્વારા તારીખ નક્કી થયા બાદ નવી બોર્ડ માટે સામાન્ય સભા બોલાવવામાં આવશે.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આગામી 16 મેના રોજ અમાસ અને ત્યારબાદ અધિક માસ શરૂ થવાનો હોવાથી 15 મે પહેલા જ નવી બોર્ડની રચના થઈ શકે છે. આથી ભાજપ સંગઠન પણ ઝડપથી આંતરિક ચર્ચાઓ પૂર્ણ કરીને મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય પદાધિકારીઓના નામોને અંતિમ સ્વરૂપ આપી શકે છે. નવી બોર્ડ રચાયા બાદ શહેરના વિકાસકાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા અને ટ્રાફિક જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને નવી બોર્ડ સામે મોટા પડકારો રહેશે. સુરત મનપામાં તમામ નજરો હવે ભાજપ હાઈકમાન્ડના નિર્ણય પર ટકેલી છે, કારણ કે આગામી થોડા દિવસોમાં મેયર અને અન્ય મહત્વપૂર્ણ પદો માટેના નામોની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Most Popular

To Top