અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજસેલ એરપોર્ટ અને જુદી જુદી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈ 25મી માર્ચ 2026 ના રોજ એરપોર્ટ ઓથોરિટીને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે જો અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજસેલ એરપોર્ટ અને શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે.
આ ધમકીભર્યા ઈમેલને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાઇબર સેલના ડીસીપી ડો. લવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતા આ ધમકીભર્યો ઈમેલ bhavesh4518@gmail.com વાળા ઈમેલ પરથી આવ્યો હોવાની માહિતી મળતા ઇમેલ કરનાર આરોપી ભાવેશ અમૃતભાઈ પટેલ ઉં.વ. 40 રહે, ન્યુ પુષ્પક સોસાયટી હાસોલ, સરદારનગર, અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરેલા આરોપી ભાવેશ અમૃતભાઈ પટેલની પૂછપરછ કરતા તેની પાસેના મોબાઇલ ફોનમાંથી ધમકીભર્યો ઈમેલ મળી આવ્યો હતો. ભાવેશ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલો છે. ભાવેશ તેના મિત્રની કંપની સાથે મળી ગુજસેલ એરપોર્ટ પર યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું પણ કામ કરે છે. ભાવેશે આ કૃત્ય પોતાની જાતે કર્યું છે કે કોઈ અન્યની ઉશ્કેરનીથી કે પછી ભાવેશનો ઇમેલ આઈડીનો ઉપયોગ કરી અન્ય કોઈએ આ ઈમેલ કર્યો છે કે, કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાવેશ અને સૌરભ વિશ્વાસ સાથેના શુ સંબંધો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.