Top News

More Posts

   The Latest

Most Popular

વિશ્વમાં જો ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યા સર્જાશે તો તે પ્રદૂષણના મુદ્દે હશે. જેમ જેમ વિશ્વમાં વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ પ્રદૂષણની માત્રા પણ વધી જ રહી છે. વિકાસ અને ઔદ્યોગિકરણની લ્હાયમાં પ્રદૂષણની સમસ્યાને તડકે મુકી દેવામાં આવી છે અને હવે તે સમસ્યા ધીરેધીરે મોટી થઈ રહી છે. નાણાં કમાઈ લેવાની ઉતાવળમાં પ્રદૂષણના મામલે અનદેખી કરવામાં આવી રહી છે અને તેમાં પણ જોવા જેવી વાત એ છે કે સરકારી તંત્ર પણ રૂપિયા તળે દબાઈ ગયું છે. ભ્રષ્ટાચારે સરકારી તંત્રને ભરડો લઈ લીધો છે અને તેને કારણે પ્રદૂષણ દિવસેને દિવસે વધવાની સાથે જાનમાલની સામેનો ખતરો પણ વધી રહ્યો છે. જ્યાં જ્યાં ઔદ્યોગિકરણ મોટા પ્રમાણમાં છે ત્યાં ત્યાં પ્રદૂષણની સમસ્યાએ માઝા મુકી છે અને તંત્ર તાબોટા પાડી રહ્યું છે. ગુજરાતમાં મુંબઈથી શરૂ કરીને છેક અંકલેશ્વર સુધીના પટ્ટામાં પ્રદૂષણને એવી રીતે વકરાવવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં માણસ આ વિસ્તારોમાં રહેવા અને જીવવાલાયક પણ રહેશે કે તેની સામે શંકા ઉપજી રહી છે.

હાલમાં જ સુરત નજીકના સચિન પાસે કેમિકલ ખાડીમાં ખાલી કરતી વખતે છ વ્યક્તિનો ભોગ લેવાયો હતો. આ ઘટના બની ત્યારે પ્રદૂષણની સમસ્યા ફરી ઉજાગર થઈ. આ વિસ્તારોની આસપાસની ખાડી કે નાની નદીઓ સુદ્ધાં પ્રદૂષણથી બાકી રહી નથી. કેટલાક કેમિકલ એકમો ખાસ કરીને ખાડી કે નદી પાસે જ પોતાની ફેકટરી સ્થાપે છે કે જેથી ઝેરી કેમિકલનો બારોબાર નિકાલ કરી શકાય. જેટલા પણ ઈફ્લ્યુએન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે કે કેમ તેની તપાસ થવી જરુરી છે કે તે ખરેખર કામો કરે છે કે કેમ? ભૂતકાળમાં સચિન પાસે જ ગેપિલ નામની આવી જ કંપની ઝેરી કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરતી પકડાઈ હતી અને તેને બંધ કરી દેવામાં આવી છે. સુરતના સચિનની આ સમસ્યા માત્ર આ જ વિસ્તારની નથી. દેશ અને વિશ્વમાં આ સમસ્યા ફેલાયેલી છે. સમસ્યાનો ઉકેલ તો દૂરની વાત રહી, આ સમસ્યા ઘટતી પણ નથી અને તેનો પુરાવો એ છે કે ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત અને પ્રદૂષણના મામલે જેને બદતર સ્થિતિ કહી શકાય તેવા દેશની સંખ્યા અગાઉ 102 હતી તે વધીને હવે 132 થઈ જવા પામી છે.

દેશમાં ઝેરી હવાની ગુણવત્તા સુધારવામાં ભારત નિષ્ફળ રહ્યું છે. તાજેતરમાં સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ) દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા 2019માં દેશમાં રાષ્ટ્રીય સ્વચ્છ હવાનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યા બાદ બદતર પ્રદૂષિત શહેરની સંખ્યા વધી જવા પામી છે. આ રિપોર્ટમાં જે વાતો રજૂ કરવામાં આવી છે તેણે સ્પષ્ટપણે સરકારની બેદરકારી અને નિષ્ફળતા વ્યક્ત કરી છે. તેમાં જણાવાયું છે કે મેટલ સ્મેલ્ટર્સથી માંડીને ઓઈલ રિફાઈનરી સહિતના ઉદ્યોગો માટે સરકાર દ્વારા કોઈ જ કડક માપદંડો રાખવામાં આવ્યા નથી અને તેને કારણે હવાનું પ્રદૂષણ ઘટવાને બદલે વધ્યું છે. આ માટે જેટલા મોનિટરિંગ સ્ટેશનો હોવા જોઈએ તેટલા સ્ટેશનો નથી. જો ભારતે હવાની ગુણવત્તા સુધારવી હોય તો યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂરીયાત છે. દેખીતું છે કે આજે પણ હાઈવે પરથી પસાર થતી વખતે માત્ર સ્મેલ પરથી ખબર પડી જાય છે કે તમે વાપી કે અંકલેશ્વરમાં છો!

આમ તો, ભારતની રાષ્ટ્રીય રણનીતિનું લક્ષ્ય પાર્ટિક્યુલેટ મેટર (પીએમ) એમિશન 2024 સુધીમાં 2017ના સ્તરથી 30% સુધી ઘટાડવાનું છે. પરંતુ તેના માટે તમામ શહેરો દ્વારા યોજના ઘડવામાં આવી નથી. દેશમાં આજે પણ 80 ટકા વીજળી કોલસા દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે. કોલસો બળે છે અને તે હવાને પણ બગાડે છે. દેશમાં 90 ટકા વિસ્તારોમાં હવાની ગુણવત્તા WHOના માપદંડોથી ઘણી નીચે છે. આ માટે કોલસા આધારિત વીજમથક, કારખાનાથી માંડીને વાહનો દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ જવાબદાર છે. શરમજનક બાબત છે કે જ્યારે 2020માં સરવે થયો ત્યારે વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં પ્રથમ 10માં ભારતના જ 9 શહેરો હતો.

વાયુ પ્રદૂષણને કારણે સને 2019માં 16 લાખથી પણ વધુ લોકોના મોત થયા હતા. આ જ બતાવે છે વાયુ પ્રદૂષણની સમસ્યા કેટલી ગંભીર છે. જમીનને પ્રદૂષિત કરવામાં આવે તો તે તે જમીનનો ઉપયોગ કરતા લોકોને જ નુકસાન કરે છે પરંતુ વાયુ પ્રદૂષણ એ છે કે જે વાતાવરણમાં ફેલાઈને કોઈને પણ નુકસાન કરી શકે છે. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે, પ્રદૂષણના મામલે ભારત સરકારે હજુ સુધી ગંભીરતા જોઈએ તેટલી બતાવી નથી. પ્રદૂષણને નાથવા માટે જો યુદ્ધસ્તરના પગલાઓ લેવામાં નહી આવે તો એ દિવસો દૂર નથી કે પ્રદૂષણથી જે તે શહેરોમાં લાશોના ઢગલા દેખાશે અને ત્યારે સરકારે ક્યાં જઈને સંતાવવું તે અઘરૂં થઈ જશે તે નક્કી છે.

To Top