Charchapatra

દિલ્હી યુનિવર્સિટીનું અનુકરણીય પગલું

કોરોના કાળમાં મા-બાપ ખોઇ બેઠેલાં છાત્રોને પોતાની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ આપવાનો સ્તુત્ય નિર્ણય દિલ્હી યુનિ.એ કર્યો છે. દિલ્હી યુનિ.એ આવાં 80 છાત્રોને પ્રવેશ આપ્યો છે અને તેમની ટ્યુશન ફી પણ માફ કરી છે. દિલ્હી યુનિ.એ એવો પણ આગ્રહ રાખ્યો નથી કે વિદ્યાર્થીનાં માતા-પિતા બંને કોરોનાથી અવસાન પામેલાં હોવાં જોઇએ. દા.ત. એક વિદ્યાર્થીનાં માતા કેન્સરથી અને પિતા કોરોનાથી અવસાન પામ્યાં છે એવા વિદ્યાર્થીને પણ દિલ્હી યુનિ.એ પોતાની કોલેજમાં પ્રવેશ આપ્યો છે. પરંતુ યુનિ. હોસ્ટેલમાં જગ્યા ન હોવાથી આવાં વિદ્યાર્થીઓએ બહાર ઊંચાં ભાડાં ખર્ચી પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાની ફરજ પડે છે. આવાં વિદ્યાર્થીઓની રજૂઆત પરથી યુનિ.ને તે ખર્ચ ભરપાઇ કરવા વિચારણા કરી રહી હોવાનું યુનિ. વાઇસ ચાન્સેલર યોગેશ સિંગે એક મુલાકાતમાં જણાવ્યું છે. દિલ્હી યુનિ.નું આ પ્રશંસનીય પગલું અન્ય યુનિ.ઓ માટે પણ ઉદાહરણીય છે. આ અભિગમ દરેક યુનિવર્સિટી અપનાવે તે જરૂરી છે.
પાલનપુર          – અશ્વિનકુમાર કારિઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દારૂબંધીની કમાલ
આયુર્વેદિક સિરપની આડમાં વેચાતા નશાકારક સિરપ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પરનાં અને સુરત ગુજરાતનાં નાનાં શહેરોમાંથી આવી અસંખ્ય બોટલો પકડાઇ છે. કોરોના કાળ પછી લોકોમાં આયુર્વેદ તરફ વધેલા ઝુકાવનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ તત્ત્વોએ આયુર્વેદિક સિરપના નામે નશીલાં પીણાં બજારમાં ઉતારી દેવાયાં. મહિનાઓથી આવાં કેફી પીણાનું ચલણ હદ બહાર વધી ગયું એ બાબત રાજ્યભરના ખૂણે ખૂણેથી બહાર આવી રહેલા કિસ્સાઓ પરથી ફલિત થાય છે. એ તો દારૂબંધીની જ દેન છે.  આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાતની સરકારની આંખ ક્યારે ખૂલશે? માણસ માત્રને તો તમાકુ વગેરે જેવો નશો જોઇએ જ એ અમેરિકાની સરકારને સમજાયું અને દારૂબંધીનો અમલ દૂર કર્યો કારણ કે લોકો બીજા આવા ધંધા જેવા કે હાલમાં અમદાવાદ સરખેજ અંબર ટાવર પાસે 10 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી. એ ડ્રગ્સની ડિલિવરીનો ધંધો કરતો હતો એ પણ એક કમાણીનું સાધન બની ગયું? ગુજરાત સરકાર ક્યારે જાગશે?
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top