Dakshin Gujarat

ચીખલીમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ, વાલીઓની સ્થિતિ કફોડી બની

HTML Button Generator

ઘેજ : ચીખલીમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરી ધારાસભ્ય, પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરટીઓના નિયમોમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. સ્કૂલવાન ચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ કફોડી બનવા પામી છે.

ચીખલીમાં સ્કૂલવાન ફરજિયાત ટેક્ષી પાસિંગ અને પાસિંગની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓ બેસાડવાના આરટીઓના ફરમાન સામે વાહન ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેને લઈને ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને કામ ધંધો બગાડી જાતે મુકવા લેવા આવવાની નોબત આવતા વાલીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.

બીજી તરફ સૌથી વધુ ચીખલી, ગણદેવી અને બીલીમોરા સ્કૂલવાન ચાલકોએ ધારાસભ્ય નરેશ પટેલને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે આરટીઓના નિયમો મુજબ બાળકોને બેસાડવાની સંખ્યા નક્કી થયેલી છે. તેમાં અમે કપરી પરિસ્થિતિમાં મુકાઈ તેમ છે. અમે સામાન્ય ગરીબ રોજ કમાઈને ખાતા વ્યક્તિઓ હોય ટેક્ષી તથા મેક્ષીનું પાસિંગ આર્થિક રીતે કમર તોડી નાંખે છે. જેની સીધી અસર અમારા પરિવાર પર થાય તેમ છે.

તે રદ કરવામાં આવે અથવા આર્થિક સ્થિતિમાં થોડો લાભ થાય તે રીતે યોગ્ય કરી આપવા ઉપરાંત વિદ્યાર્થીઓને બેસાડવાનો સંખ્યા જે આરટીઓ થકી નક્કી થયેલી છે. તેમાં વધારો કરી સુધારો કરી આપવામાં આવે જેથી અમને તથા વાલીઓને આર્થિક સંકડામણ ન થાય અને પરવડી શકે હાલે મોંઘવારીના સમયમાં હમો તથા વાલીઓ તમામને આર્થિક ભીંસ સતાવે છે. જેને ધ્યાનમાં લેવા જણાવાયું છે.

ધારાસભ્ય નરેશ પટેલે સરકારમાં રજુઆત કરવાની ખાતરી આપી હતી. સાથે સરકાર દ્વારા બાળકોની સલામતીને પ્રાથમિકતા આપી બાળકો, વાલીઓ અને સ્કૂલ વાનના ચાલકોનું હિત જળવાઈ તે રીતે રસ્તો કાઢવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top