Top News

More Posts

   The Latest

Most Popular

સુરતની નજીક ડ્રીમ સિટીના નામે એક નવા જ શહેરનું નિર્માણ કરવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ખુડા)ના વર્ષ 2039 સુધીના વિકાસને દર્શાવતા સૂચિત વિકાસ નકશાને આજે ખુડા દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. આવતીકાલે આ સૂચિત વિકાસ નકશાને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અને બે મહિનામાં તેની સામેના વાંધા-સૂચનો રજૂ કરવાના રહેશે. આ સૂચિત વિકાસ નકશામાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેરેલલ રનવે માટે માંગવામાં આવેલી તમામ જગ્યા પર રિઝર્વેશન મુકવાની સાથે સને 2004ના સુડાના વિકાસ નકશામાં દર્શાવવામાં આવેલા તમામ રિઝર્વેશન પણ યથાવત રાખવામાં આવ્યા છે.

ખુડાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સને 2016માં ડ્રીમ સિટી બનાવવા માટે ખુડાની રચના કરવામાં આવી હતી. અગાઉ માત્ર ખજોદ ગામનો જ ખુડામાં સમાવેશ કરાયો હતો. પરંતુ બાદમાં તેનું હદવિસ્તરણ કરવામાં આવ્યું હતું અને તેમાં ખજોદ આખું ગામ તેમજ સાથે સાથે ડુમસ, ભીમપોર તેમજ સુલતાનાબાદના થોડા-થોડા વિસ્તારોનો સમાવેશ કરીને તેનું ક્ષેત્રફળ આશરે 48 ચો.કિ.મી. કરવામાં આવ્યું હતું. ખુડાના વિસ્તરણ બાદ તેનો વિકાસ નકશો બનાવવા માટે અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. વર્ષ-2039 સુધીના વિકાસને ધ્યાનમાં રાખીને ખુડાનો સૂચિત વિકાસ નકશો તૈયાર કરવામાં આવ્યો છે.

સરકારમાં રજૂ કરવામાં આવેલા આ વિકાસ નકશામાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેરેલલ રનવે તૈયાર કરવા માટે માંગવામાં આવેલી 851.49 હેકટર જમીન પર રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. જ્યારે ડ્રીમ સિટી માટે 6.85 ચો.કિ.મી. વિસ્તાર પર રિઝર્વેશન મુકીને ડ્રીમ સિટીના આખા માસ્ટર પ્લાનને સમાવી લેવામાં આવ્યો છે. આ સૂચિત વિકાસ નકશામાં પેરેલલ રનવે અને ડ્રીમ સિટીને બાદ કરતાં સને 2004 પ્રમાણેના સુડાના વિકાસ નકશામાં મુકાયેલા તમામ રિઝર્વેશન, ઝોનિંગ સહિતની જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. સાથે સાથે આ સૂચિત વિકાસ નકશામાં આભવાથી કલ્પતરૂને જોડતો રસ્તો તેમજ ડ્રીમસિટીથી એરપોર્ટને જોડતો રસ્તો 90 મીટર એટલે કે 300 ફુટનો મુકવામાં આવ્યો છે. આવતીકાલે સરકારી ગેઝેટમાં આ સૂચિત વિકાસ નકશો પ્રસિદ્ધ થયા બાદ તેનો મેપ જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.


એરપોર્ટના પેરેલલ રન વે માટે રિઝર્વેશન મુકાતાં અનેક બિલ્ડરો તેમજ જમીનમાલિકો ચિંતામા

ખુડાના સૂચિત વિકાસ નકશામાં એરપોર્ટના પેરેલલ રન વે માટે 851 હેકટર ખાનગી તેમજ સરકારી જગ્યા સંપાદનમાં મુકવામાં આવતાં અનેક બિલ્ડરો તેમજ જમીન માલિકોની ઉંઘ ઉડી જવા પામી છે. આ રિઝર્વેશન પહેલેથી જ છે પરંતુ તાજેતરમાં એવી વાતો ચાલી હતી કે એરપોર્ટ પર પેરેલલને બદલે ક્રોસ રનવે બનાવવામાં આવે. જો આમ થાય તો પેરેલલ રનવે માટે જે જમીનનું સંપાદન કરવામાં આવ્યું તેની જરૂર રહે નહીં. જોકે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેરેલલ રનવે માટે જ જગ્યાની માંગણી કરવામાં આવી છે. અત્યાર સુધી ક્યારેય ઓથોરિટી દ્વારા ક્રોસ રનવેની દરખાસ્ત જ ખુડામાં મોકલવામાં આવી નથી. જેથી પેરેલલ રનવેની દરખાસ્ત પ્રમાણે રિઝર્વેશન મુકવામાં આવ્યું છે.

To Top