પછી ટેન્કરોમાંથી કેમિકલ ઠલવાય જ ને! સચિન જીઆઈડીસીના સીસીટીવી કેમેરા બે વર્ષથી બંધ

સુરત: (Surat) 6 જાન્યુઆરીએ સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી રાજકમલ ચોકડી પાસેની ઉન ખાડીમાં ઝેરી કેમિકલ વેસ્ટ (Toxic chemical waste) ઠાલવવાની દુર્ઘટનામાં 6 મજૂરોના મોત (Death) થયા હતા અને 23 કામદારોને ઝેરી ગેસની (Gas Leakage) અસર થઈ હતી. આ ઘટના સચિન જીઆઇડીસીમાં લાગેલા 66 કેમેરા (CCTV Camera) પૈકી એકપણ કેમેરામાં કેદ નહીં થતાં ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) પણ ચોંકી ઉઠી હતી.

કારણ કે, વર્ષ 2018માં 2.50 કરોડના ખર્ચે 62 બુલેટ કેમેરા અને ચાર 360 ડીગ્રી ફરતાં હાઈ વિઝ્યુઅલ નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતાં. બે વર્ષ અગાઉ જીઆઇડીસીની વર્ધમાન મિલ પાસે ઝેરી કેમિકલ નાખતી વખતે ટેન્કર ચાલક સીસીટીવી ફુટેજના આધારે પકડાઈ ગયા પછી રહસ્યમય સંજોગોમાં તે પછી કેમેરાઓ બંધ થઈ ગયા હતા. જીઆઇડીસીના અગાઉના શાસકો એ વડોદરાની કંપનીને મેન્ટેનન્સ સાથે આ કોન્ટ્રાકટ આપ્યો હતો. આ મામલે સચિન ઇન્ડ.સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ જીઆઇડીસીના એમડી.એમ. થૈન્નારસનને આવેદનપત્ર આપી 66 કેમેરા કોની બેદરકારીથી છેલ્લા બે વર્ષથી બંધ હતા તેની તપાસની માંગ કરી છે. અને કસુરવારો સામે પગલાં ભરવા માંગ કરી છે.

કેમેરાનો કંટ્રોલ રૂમ જીઆઇડીસીના નોટિફાઇડ ભવનમાં જ ચાલતો હતો
સચિન જીઆઇડીસીમાં ગેરકાયદે પ્રવૃત્તિ પર નજર રાખવા 2.50 કરોડના ખર્ચે હાઈ વિઝ્યુઅલ કેમેરા લગાવવામાં આવ્યા હતાં. જેનો કંટ્રોલ રૂમ સચિન જીઆઇડીસીના નોટિફાઇડ ભવનમાં ચાલતો હતો. નવાઈની વાત એ છે કે કેમેરાઓ બંધ હોવા છતાં વાહનો અને અસામાજિક તત્વોની અવર જવર પર નજર રાખવા સ્ટાફ પણ ડેપ્યુટ કરવામાં આવ્યો હતો. જેને કામ વિનાની ફરજનો પગાર પણ ચૂકવાતો હતો.

જીઆઇડીસીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને ફરિયાદો છતાં કેમેરા રિપેર કરાયા નહોતા
સચિન જીઆઈડીસીમાં 2.50 કરોડના ખર્ચે નાખવામાં આવેલા કેમેરાઓ કેમિકલ માફિયાઓ સાઠગાંઠમાં બંધ રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ જીઆઇડીસીના એમડી.એમ. થૈન્નારસનને કરી છે. તેમણે કહ્યું હતું કે, જીઆઇડીસીના વિભાગીય નિયામક વાપીની કચેરીના જવાબદાર અધિકારી એવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને અને નોટિફાઇડ ભવનમાં કાર્યરત ઇલેક્ટ્રિક વિભાગના સ્થાનિક જવાબદાર અધિકારીને ફરિયાદ કરવા છતાં આ કેમેરાઓ બદઇરાદાઓ સાથે રીપેર કરવામાં આવતા ન હતાં. બે મહિના પહેલા ટેન્ડરિંગ થયું છતાં આ કેમેરા વર્કિંગ કન્ડિશનમાં લાવવામાં આવ્યા ન હતા .ચીફ નોટિફાઇડ ઓફિસર સુદીપ દત્તા અને જીઆઇડીસી સુરતના રિજનલ મેનેજર યોગેશસિંહ પરમાર પણ કેમેરા બંધ હોવાની વાતથી વાકેફ હતાં.

અકસ્માત કરીને કંટ્રોલ રૂમના વાયરલેસ ટાવરનું સેટઅપ ખોરવી નંખાયું હતું
સચિન જીઆઇડીસીમાં કરોડોના સીસીટીવી કેમેરા બંધ કરાવવા માટે કેમિકલ માફિયા, પોલીસ, જીપીસીબી અને જીઆઇડીસીના નોટિફાઇડ વિભાગના અધિકારીઓની સિન્ડિકેટ સામેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 66 કેમેરા જે વાયરલેસ ટાવરથી ચાલે છે તે ટાવર સાથે વાહન અથડાવી ટાવરનું સેટઅપ ખોરવી નાખવામાં આવ્યું હતું. તેને લીધે કેમેરાઓમાં દ્રશ્યો કંડારાતા ન હતા. સીસીટીવી વાયરલેસ નેટવર્ક ખોરવાતા સીસીટીવી શોભાના ગાંઠિયા જેવા બની ગયા હતા.

6 કામદારો જ્યાં તરફડીને મરી ગયા ત્યાં બુલેટ કેમેરા પોલ સાથે હતા
સચિન જીઆઇડીસીની રાજકમલ ચોકડી પાસે ઉન ખાડી નજીક વિશ્વપ્રેમ મિલ પાસે બુલેટ કેમેરા પોલ સાથે લગાવવામાં આવ્યો હતો. આ કેમેરા બે વર્ષથી બંધ હતાં. એવી જ રીતે મિંઢોળા ખાડી પાસેના કેમેરા પણ બંધ હતા. હવે આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠની જેમ સીસીટીવી કેમેરા યુદ્ધના ધોરણે રીપેર થઈ રહ્યાં છે.

અંડર ગ્રાઉન્ડ કેબલિંગ નેટવર્ક, રસ્તા અને ડ્રેનેજના કામોને લીધે વાયરલેસ કેમેરા નેટવર્ક ખોરવાયું હતું :મહેન્દ્ર રામોલિયા
સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયા એ જણાવ્યું હતું કે, બધા કેમેરા બંધ હતાં. એ વાત સાચી નથી. જીઆઇડીસીમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ નેટવર્ક, રસ્તા અને ડ્રેનેજના કામોને લીધે વાયરલેસ કેમેરા નેટવર્ક ખોરવાયું હતું. કારણકે કેબલો કપાઈ ગયા હતા. અગાઉ સીસીટીવી કેમેરાનો કંટ્રોલ રૂમ અને મુખ્ય ટાવર જુના નોટિફાઇડ ભવન પાસે હતું જે નવું નોટિફાઇડ ભવન બનતા ત્યાં શિફ્ટ કરવામાં સમય લાગ્યો હતો. જીઆઇડીસીના સીસીટીવી ફુટેજના આધારે અગાઉ કેમિકલ ટેન્કરો પકડાયા હતાં. એટલુંજ નહીં લૂંટ જેવા બનાવો પણ ઉકેલાયા હતાં. કેમેરા રિપેરનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

સીસીટીવીના કોન્ટ્રાક્ટર સામે કેમ કાર્યવાહી કરાઈ નહીં : મયુર ગોળવાલા
સચિન ઇન્ડ.સોસાયટીના માજી સેક્રેટરી મયુર ગોળવાલાએ આક્ષેપ કર્યો હતો કે સીસીટીવી કેમેરાનો કોન્ટ્રાકટ મેન્ટેનન્સની શરત સાથે આપવામાં આવ્યો હોવા છતાં જીઆઇડીસીએ કોટ્રાક્ટર સામે આ પ્રકારની ગંભીર ગુનાહિત બેદરકારી છતાં કોઈ પગલાં લીધા નથી.

Most Popular

To Top