Charchapatra

નાગપુર ખાતે અખિલ ભારતીય સંયુક્ત અધિવક્તા મંચ સંમલેનના મોરચે સુરતની ત્રણ મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ

સિદ્ધિ-સફળતા, પુરુષાર્થ અને પ્રારબ્ધ  વિના પ્રાપ્ત થતી નથી.  એ માટે  અનેક પ્રયાસો જીવનભર  કરવા પડે છે,  ત્યાર પછી સફળતા  આવે છે.  ગર્વ અને ગૌરવ એ વાતનું છે કે,દક્ષિણ ગુજરાતનાં જાણીતાં અગ્રણી સિનિયર મોસ્ટ એડવોકેટ શ્રીમતી પ્રીતિ  જોશી સહિત અન્ય બીજા બે સિનિયર મહિલા વકીલોમાં શોભના છાપીયા અને મનિષા શાહ આણી કમ્પની એક નારી શક્તિ રૂપે સંગઠિત થઇ વકીલોનાં હિત અને કલ્યાણને લક્ષમાં રાખીને વકીલો ઉપર થતા કથિત હુમલા અંગે અને કહેવાતી ખોટી પોલીસ એફ આઈ આર વગેરેની રજૂઆત પરત્વે  નાગપુર ખાતે તારીખ ૨૯ માર્ચના રોજ યોજાનારા અખિલ ભારતીય સંયુક્ત અધિવક્તા મંચના  વિશાલ વિશ્વસ્તરીય મહા સંમલેનને સફળ અને સાકાર બનાવવા અને સુરત તરફથી ત્રણ મહિલા વકીલો દ્વારા નેતૃત્વ કરવા જઈ રહ્યા છે એ આનંદની વાત લેખાય. એ બદલ જોષી આણી કમ્પની સહિત સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. અત્રે ઉલ્લેખનીય એ છે,  સંગઠિત, જાગૃત – સમાજ સુધારક મહિલા વકીલો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરિષ્ટ  જેવી ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય સંસ્થાન (ICJ) નું પણ સભ્યપદ  ધરાવે છે અને દેશ વિદેશમાં કાનૂની નિપુણતા અને ઉત્કૃષ્ટતા આદાનપ્રદાન કરે છે.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખોટું લાગે!
ખોટું એટલે સાચું નહિ તેવું-અસત્ય, જૂઠું. સારું નહિ તેવું. ખોટી રીતે ઊભું કરેલું “ફેબ્રિકેઈટેડ” ટૂંકમાં ખોટું એટલે જેમાં ભૂલ હોય એવું. પત્રવ્યવહારમાં સૌ લખે કે ભૂલચૂક માફ કરશોજી-આ વિદાય વચન કહેવાય. અલબત્ત, ખોટું એટલે નકામું, નિરર્થક, નકલી જમાનાનું. આમ પણ ખરું-ખોટું પારખવું એ ખાવના ખેલ નથી, અઘરી બાબત છે. વ્યવહારમાં કે નોકરીમાં ખોટું કરનાર ઘણાં હોય. નોકરીમાં આળસુ, આખા કે હરામ હાડકાનું-એટલે કે જેને મહેનત લેવી  ગમે નહિ એવું તે પણ ખોટું ગણાય. કેટલાકને એવી કુટેવ કે જરા જેવી વાતમાં, વ્યવહારમાં ખોટું લાગી જાય.

તેઓ બેવચની, બેવફા, દગાખોર કહેવાય જે બૂરું અને ભૂંડું છે. આમ પણ ખોટું બોલવું, ખોટું કરવું કે ખોટું સાંભળવું એ એ એબ અને કલંક છે. લગ્ન જેવાં શુભ પ્રસંગે ખોટું લગાડનારઓની સંખ્યા વિશાળ છે, જેમાં મોટેભાગે કહેવાતી બહેનો અગ્રેસર હોય જ. અરે! લગ્નપત્રિકા આવે એટલે નામાવલી અધધ…તેને ચેક કરે અને કહે, આનું નામ તો લખવું જ જોઈએ. જેનું નામ રહી ગયું હોય તેને જાણ કરે. પછી ખરું નાટક શરૂ થાય તે પ્રસંગ સમાપ્ત થાય તો ય ચાલુ જ રહે. ભેટ-સોગાદમાં પણ એમ જ. કેટલાક કહે, બીજાને રૂબરુ પત્રિકા આપી અને અમને બીજા મારફત પહોંચાડી.

બોલો, આવી વ્યક્તિઓ માટે કઈ દવા આપી શકાય? અરે, દવાખાનામાં કે મૃત્યુ પ્રસંગે કોઈને ખોટું ન લાગે એટલે મળવા જાય. ભાઈ, લાગણી જેવું કંઈ છે કે નહીં?  કોઈને ખોટું ન લાગે એવા દેખાડા બંધ થવા જોઈએ. જેને વાત વાતમાં ખોટું જ લાગતું હોય તેઓને મોટાભાઈ, મોટીબેન કરવાની કાંઈ જરૂર નથી. જાહેર કે રાજકીય પ્રસંગે આમંત્રણપત્રિકામાં  પણ જો એકાદ નામ રહી જાય, અથવા જાણીને અજાણ રહે તો ઉહાપો મચી જાય. ભાઈને જોઈતી ખુરશી ન મળે, ફોટોગ્રાફીમાં સાઈડ લાઈન થાય તો પણ વાંધો! સંબંધો તો લાગણીથી શોભે તેમાં ખોટી કૃત્રિમતા અ-શોભાસ્પદ છે. ખોટું લાગે તેવી વ્યક્તિથી જરૂરી અંતર જાળવી ને ચાલાવામાં જ સમજદારી છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top