Columns

ગુરુ કોણ

એક દિવસ એક ગામમાં એક ફકીર પહોંચ્યા અને લોકો તેમના દર્શન માટે આવવા લાગ્યા.એક જણે ફ્કીરબાબાને પૂછ્યું, ‘બાબા, તમારા ગુરુ કોણ છે ??’ ફકીરે કહ્યું, ‘બધા …!!!’ આવો જવાબ સાંભળી બધાને નવાઈ લાગી.બીજાએ પૂછ્યું, ‘બાબા, બધા તમારા ગુરુ કઈ રીતે હોય શકે ?? ગુરુ તો એક જ હોય.’ ફકીરબાબા બોલ્યા, ‘ના, જરૂરી નથી કે ગુરુ એક જ હોય..ગુરુ કોને કહેવાય ?? જેની પાસેથી તમને કૈંક શીખવા મળે…. કૈંક જ્ઞાન મળે તે તમારો ગુરુ કહેવાય બરાબર.તો હું તો સતત જેને મળું ..જેને જોઉં તેની પાસેથી કૈક ને કૈંક શીખતો જ રહું છું એટલે હું કહું છું કે બધા જ મારા ગુરુ છે.’ ત્રીજાએ સવાલ પૂછ્યો, ‘તો બાબા અત્યારે તમે શું શીખ્યા ??’ ફકીરબાબા બોલ્યા, ‘ભાઈ, જીવનમાં સર્વગુણ સંપન્ન અને સર્વજ્ઞાતા કોઈ હોતું નથી તે સૌથી પહેલા યાદ રાખવું બધાએ જરૂરી છે.

તમે જેને પણ મળો છો તે બધા જ કોઈ ને કોઈ બાબતમાં તમારાથી વધારે જાણકાર હોય જ છે.હમણાની વાત કરું તો હું મારા ગુરુ કોણ છે તે પ્રશ્ન પૂછનાર પાસેથી શીખ્યો કે મનમાં કૈંક જાણવાની જીજ્ઞાસા જાગે તો બીજા કોઈને પૂછવા કરતા કે આડીઅવળી તપાસ કરવા કરતા સીધો તે વ્યક્તિને જ જ પ્રશ્ન કરી લેવો.બીજા પ્રશ્ન પૂછનાર પાસેથી શીખ્યો કે તમે કોઈ બાબતે સંમત ન હો તો તરત કારણ પૂછવું અને આપની પાસેથી શીખ્યો કે દરેક વાતોને માત્ર સાંભળીને માની ન લેવી તેનું પ્રમાણ પણ જાણવું જરૂરી છે.’

બધા ફકીરબાબાનો જવાબ સાંભળી રહ્યા તેમને આગળ કહ્યું, ‘જ્યારથી સમજણ આવી છે.હું દરેક વ્યક્તિમાંથી જે સારું હોય તે શોધીને તેની પર ધ્યાન આપીને તે શીખવાનો પ્રયત્ન કરું છું.અને માત્ર માણસો નહિ હું તો પશુ ,પક્ષી ,જીવજંતુઓ પાસેથી પણ શીખતો રહું છું.જેમ કીડી કેટલી મહેનત અને શિસ્ત સાથે કામ કરે છે..હું શરીરની શક્તિ કરતા અનેકગણી મહેનત કરતા કીડીઓ પાસેથી શીખ્યો છું અને સંપ અને એકતાથી રહેવું કઈ રીતે તે બધા મધમાખીઓ પાસેથી શીખો તેવો સંદેશ બધાને આપું છું.હું તો એક ચોર પાસેથી પણ શીખ્યો છું કે સતત પ્રયત્ન કરતા રહેવાથી તાળું ખુલી જ શકે છે.એક નાની છોકરીએ મને શીખવાડ્યું છે કે ભગવાન તો બધે જ છે તો પછી તેને શોધવાની મહેનત શું કામ ?? સતત મન અને મગજ ખુલ્લા રાખી હું સતત બધા પાસેથી શીખતો જ રહું છું.’ ફ્કીરબાબાએ બધાને વિચારમાં મૂકી દીધા કે ‘શું આપણે પણ આવી રીતે બધા પાસેથી કૈંક ને કૈંક શીખી શકીએ?’ 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top