કોરોના ફેલાતો અટકાવવા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ

ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે રચાયેલા એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સની (Doctor) બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહેલા ટાસ્કફોર્સના સર્વે તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકીદ કરી હતી.

આ તબીબોએ એવો સ્પષ્ટ મત દર્શાવ્યો કે, હાલ જે સંક્રમણની સ્થિતી છે તેની ગંભીરતા લોકો સુધી પહોચે અને જનતા જનાર્દન સ્વયંભૂ SMS-સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર અપનાવે તેવી વ્યાપક પ્રચાર-પ્રસાર સઘન વ્યવસ્થા થાય તે સમયની માંગ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી જનજાગૃતિ માટે રાજ્ય સરકાર આવશ્યક પગલાં લેશે. એટલું જ નહિ, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટેના પહેલી બે લહેરના અનુભવોના આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ સુગ્રથિત કરવા અને બાકી રહેલા લોકોના ઝડપથી સૌનું વેક્સિનેશન કરવાની રણનીતિ સરકાર આયોજનબદ્ધ રીતે અપનાવશે તેમ જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં દરેક વ્યક્તિ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે માટેની સતર્કતા અને રાજ્ય સરકારના પ્રસાર-પ્રચારમાં તબીબો પણ સહયોગી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી પટેલે આ તજજ્ઞ તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી તેમના અનુભવનું માર્ગદર્શન રાજ્ય સરકાર મેળવશે અને તે મુજબ સારવાર, ટ્રિટમેન્ટ પ્રોટોકોલ, ટેસ્ટીંગ, ટ્રેકિંગ વગેરેમાં હોસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરશે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, તેમજ એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સના તજજ્ઞો સર્વ ડૉ. વી. એન. શાહ, સુધીર શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકરે કોવિડ-ઓમીક્રોન પેશન્ટસની ટ્રીટમેન્ટના પોતાના અનુભવો અને આગામી દિવસોની સંભવિત સ્થિતીના તારણો રજૂ કર્યા હતા.

અમદાવાદમાં હવે ૧૦૫ માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન
અમદાવાદમાં આજે કોરોનાના નવા ૫૯૯૮ કેસો નોંધાયા છે, તેના પગલે અમદાવાદ મનપા દ્વારા આજે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરફાર કરીને નવા ૨૩ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. જયારે કુલ આવા ૧૦૫ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા છે. જયારે અગાઉની યાદીમાંથી ૨૩ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરાયા છે.
નવા અમલી બનેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મણીનગર, ઘોડાસર, ખોખરા, દાણીલીમડા, પાલડી, નારણપુરા, વાસણા, ચાંદખેડા, નરોડા, વેજલપુર, સરખેજ, જોધપુર, હાથીજણ , થલતેજ, ગોતા રોડ અને કે કે નગર ઘાટલોડિયા વિસ્તારની કેટલીક સોસાયટીના ફ્લેટ કે બંગલાઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top