Vadodara

હરણી બોટ દુર્ઘટનામાં પૂર્વ મ્યુ. કમિશનર વિનોદ રાવ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરીનો હાઇકોર્ટનો આદેશ


રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને બે મહિનામાં રિપોર્ટ સોંપવા હુકમ કરાયો
– પીપીપી હેઠળ જે રીતે પ્રોજેક્ટ સોંપાયો તેની સામે લાલ આંખ


(પ્રતિનિધિ) વડોદરા, તા. 25

વડોદરાની ગોઝારી હારની બોટ દુર્ઘટનામાં હાઇકોર્ટ દ્વારા સુઓમોટો અંગે ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટેના નામદાર જસ્ટિસના ખંડપીઠ દ્વારા આ મામલે પાલિકાના જે તે સમયના મ્યુ. કમિશનર દ્વારા અપાયેલા પીપીપી મોડલ હેઠળના કોન્ટ્રાકટ સામે લાલ આંખ કરવામાં આવી છે અને તત્કાલીન મ્યુ. કમિશનર વિનોદ રાવ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી કરવાનો હુકમ કર્યો છે. રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને બે મહિનામાં રિપોર્ટ સુપરત કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ પ્રોજેક્ટ દેખીતી રીતે ખોટી રીતે આપવામાં આવ્યો છે. જેના કારણે જે લોકોની સંડોવણી છે તેઓ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી થવી જ જોઈએ.

18 જાન્યુઆરી 2024 ના રોજ વડોદરાના હરણી મોટનાથ તળાવ ખાતે બોટ ઉંધી વળી જતા તેમાં સવાર 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા મળી કુલ 14 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવ્યો હતો. સૂઓમોટોની અગાઉની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરા મહાનગરપાલિકા પાસે તમામ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. જેમાં કેવી રીતે પ્રોજેક્ટ આપવામાં આવ્યો ને ક્યાં કયા નીતિ નિયમો હતા તે માટેના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. જેને કોર્ટે ધ્યાને લીધા હતા. આ અંગેની હાઇકોર્ટ ખંડપીઠ દ્વારા ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે કોટીયા પ્રોજેક્ટને દેખીતી રીતે ખોટી રીતે પીપીપી ધોરણે પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. જેના પગલે હાઇકોર્ટે તે સમયના મ્યુ. કમિશનર વિનોદ રાવ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીના આદેશ કર્યા છે. રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને આ અંગેની તપાસ કરી બે મહિનામાં રિપોર્ટ સુપરત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

કોર્ટે શું નોંધ્યું?

સૂઓમોટોની સુનાવણી દરમિયાન તમામ ડોક્યુમેન્ટ જોયા બાદ હાઇકોર્ટ ખંડપીઠ દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કોટીયા પ્રોજેક્ટને રિજેક્ટ કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ તેઓને પુનઃ પ્રોજેક્ટ કેવી રીતે આપવામાં આવ્યો. ઉપરાંત પીપીપી મોડેલ હેઠળ કોટીયા પ્રોજેક્ટને સમગ્ર પ્રોજેક્ટ આપવાનો કોઈ પણ ઠરાવ સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો નથી. અને સીધો જ સામાન્ય સભાની મંજુરીએ આ પ્રોજેક્ટ આપી દેવામાં આવ્યો તે ખોટી રીતે અપાયો હોવાનું જણાય છે. જેથી આમાં મ્યુ. કમિશનર સિવાય પણ જો અન્ય કોઈની સંડોવણી હોય તો તેઓ સામે પણ તપાસ કરવાનું નોંધવામાં આવ્યું છે.


જમીન લોકોની છે કોઈ અધિકારી કે સત્તા પક્ષની નથી

હરણી માં જે પ્રોજેક્ટ આપ્યો તે અધિકારી દરખાસ્ત કેવી રીતે લાવ્યા એ પ્રશ્ન છે. સામાન્ય સભામાં અમે બધાએ વિકાસના કારણે આંગળી ઊંચી કરી લીધી હતી પરંતુ તેઓએ શું રાંધ્યું એ ખબર ન હતી. આ જે તળાવ અને અન્ય જમીન આપવામાં આવે છે તે લોકોની માલિકોની છે. કોઈ અધિકારી કે સત્તાધારી પક્ષની નથી. હાઇકોર્ટે નોંધ્યું છે તે આવકારદાયક છે અને આમ જેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ સામે પગલાં ભરાવા જોઈએ – ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, વિપક્ષ આગેવાન, મનપા


કોન્ટ્રાકટ આપવામાં જેઓની સંડોવણી છે તે તમને નોકરીમાંથી દૂર કરવા જોઈએ : હાઇકોર્ટ

હરણી બોટકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતી ત્યારે આ પ્રોજેક્ટ સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. જ્યારે હરણી તળાવને વિકસિત કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે બે વ્યક્તિઓએ બીડ ભરી હતી. પરંતુ સપ્ટેમ્બર 2015માં યોગ્ય ક્વોલિફિકેશન ના હોવાથી બંને બીડ રિજેક્ટ કરવામાં આવી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટસ પાસે છેલ્લા ત્રણ વર્ષમાં પૂરતી આર્થિક ક્ષમતા ન હોવાથી તેને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નહોતો. ફરી વખત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર હરણી તળાવ વિકસાવવાની જાહેરાત આપવામા આવી હતી. જેમાં પણ કોટીયા પ્રોજેક્ટ સહીત બે લોકોએ બીડ ભરી હતી જેમાં કોટિયા પ્રોજેક્ટ્સની બીડ મંજૂર રાખવામાં આવી હતી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે ફક્ત બે મહિનાની અંદર કેવી રીતે કોટિયા પ્રોજેક્ટ સક્ષમ થઈ ગયું ? કોર્ટે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ આપવામાં જે પણ અધિકારીઓની સંડોવણી હોય તે તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઈએ.


પરિવારજનોએ મેયર, સંકલન સમિતિના ચેરમેન સહીતના પદાધિકારીઓ સામે પગલાં ભરવા માગ કરી હતી

હારની બોટકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોએ ટેન્ડર પાસ કરવામાં ભૂમિકા ભજવનાર જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવ, તત્કાલીન સ્થાયી સમિતિના ચેરમેન ડો. જિગીશાબેન શેઠ અને સ્થાયી સભ્યો, તે સમયના મેયર ભરત ડાંગર, સંકલન સમિતિના તે સમયના મંત્રી રાકેશ પટેલ સહિત હોદ્દેદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માગ કરવામાં આવી હતી.

Most Popular

To Top