Charotar

આણંદમાં બે વર્ષથી દેશી પિસ્તોલ સાથે ફરતાં બે પકડાયાં

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે બોરીયાવી ચેક પોસ્ટ પર બન્ને યુવકને પકડી પાડ્યાં

(પ્રતિનિધિ) આણંદ તા.25

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે બોરીયાવી ચેક પોસ્ટ પર એક્ટિવા સવાર બે યુવકને રોકી તલાસી લીધી હતી. જેમાં તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યાં હતાં. આ પિસ્તોલ તેણે બે વર્ષ પહેલા ખરીદી હોવાનું કબુલતાં પોલીસે કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહને બાતમી મળી હતી કે, શિવમ્ ઉર્ફે શીવો પપ્પુ ગાર્ડ (રહે. વઘાસી) તથા તેનો સાગરીત પંકજ ખુમાનસિંહ પરમાર (રહે. ચાવડાપુરા, આણંદ) ગેરકાયદેસરનું હથિયાર રાખી ફરે છે. હાલ તેઓ એક્ટિવા પર કણજરીથી આણંદ આવી રહ્યાં છે. આ બાતમી આધારે 24મીના રોજ લોકલ ક્રાઇમ બ્રાંચે ટીમ બનાવી બોરીયાવી ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક્ટિવા આવતા તુરંત તેને રોકી બન્નેને કોર્ડન કરી લીધાં હતાં. આ બન્ને શખ્સોને પુછતાં તે પંકજ ઉર્ફે પકો ખુમાનસિંહ પરમાર અને શિવમ્ ઉર્ફે શીવો પપ્પુ ગોર્ડ હોવાનું જણાવ્યું હતું. આ બન્નેની અંગઝડતી લેતાં શિવમ્ પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ હથિયાર અંગે તેમની પાસે કોઇ સંતોષકારક જવાબ ન હતો. આથી, બન્નેની અટક કરી વધુ તલાસી લેતા ત્રણ કારતુસ પણ મળી આવ્યાં હતાં. આથી, પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરતાં પિસ્તોલ, કારતુસ, મોબાઇલ, એક્ટિવા મળી કુલ રૂ.1,00,300નો મુદ્દામાલ જપ્ત કરી આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. જેમાં શીવમ્ ઉર્ફે શીવાએ કબુલ્યું હતું કે, આ પિસ્તોલ પંકજ પરમાર (રહે. સો ફુટ રોડ, રોયલ પ્લાઝા) અને મીનરવા ખાતે પાણીપુરીનો ધંધો કરતાં અજય ઉર્ફે કરૂ રાધાક્રિષ્ન કુશવાહા પાસેથી બે વર્ષ પહેલા લીધી હોવાનું કબુલ્યું હતું. આ કબુલાત આધારે પોલીસે પંકજ ઉર્ફે પકો ખુમાનસિંહ પરમાર, શિવમ્ ઉર્ફે શીવો પપ્પુ ગાર્ડે અને અજય ઉર્ફે કરૂ રાધાક્રિષ્ણ કુશવાહા સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેમાં બન્નેના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. આ રિમાન્ડ દરમિયાન પંકજ અને શિવમ્ એ આ હથિયારનો ઉપયોગ કોઇ ગુનાહિત કૃત્ય માટે કર્યો છે કે કેમ ? તે અંગે પુછપરછ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top