Dakshin Gujarat

કુકરમુંડાના ડોડવામાં બહેનનો ફોન વેચી દેતાં સાળાએ બનેવીને મોતને ઘાટ ઉતાર્યો

વ્યારા: (vyara) કુકરમુંડાના ડોડવા ગામે ડોડવેશ્વર મહાદેવ મંદિર (Temple) પાછળ આવેલા એક ઝાડની નીચે અક્કલકૂવાના માંડવીઆંબા ગામે રહેતા અશ્વિન ચંપાલાલ પાડવીએ તા.૨૪/૪/૨૦૨૪ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના બનેવી હેમંત અમરસિંગ પાડવીને બહેનના મોબાઈલ ફોન બાબતે બોલાચાલી કરી, પોતાના મિત્ર સાથે મળી ઢીકમુક્કીનો માર માર્યો હતો, જેમાં ગંભીર ઇજા થતાં હેમંતનું મોત નીપજ્યું હતું.

  • કુકરમુંડાના ડોડવામાં બહેનનો ફોન વેચી દેતાં સાળાએ બનેવીને મોતને ઘાટ ઉતાર્યો
  • ‘મારી બહેનનો મોબાઇલ કેમ વેચી દીધો?’પૂછતાં બનેવીએ સાળાના શર્ટનો કોલર પકડી લેતાં બબાલ થઈ હતી

અશ્વિન પોતાના બનેવી હેમંત સાથે ત્રણેક દિવસથી નલગવાણ ગામની સીમમાં ખેતરમાં બાજરા તથા મકાઇમાં પાણી વાળવા માટે ગયા હતા. પરંતુ સવારે પાટીનો મેળો હોવાથી અશ્વિન તથા હેમંત બંને સાળા-બનેવી મેળામાં ગયાં હતા. મેળામાં આંટાફેરા મારી બીજા બે મિત્ર રવિ દિલીપભાઈ પાડવી તથા વિક્કી (બંને રહે., નલગવાણ, તા.તળોદા, જિ.નંદુરબાર) સાથે ફરી મેળામાંથી ચારેય જણા ડોડવા ગામે ડોડવેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા એક ઝાડની નીચે આરામ કરવા બેઠા હતા. બપોરે ત્રણેક વાગ્યાના સુમારે અશ્વિને પોતાના બનેવી હેમંત પાસે મોબાઇલ ફોન માંગ્યો હતો ત્યારે હેમંતે મોબાઇલ વેચી નાંખ્યો હોવાનું જણાવ્યું હતું.

ગુસ્સામાં મારી બહેનનો મોબાઇલ કેમ વેચી દીધો તેમ કહેતાં હેમંતે પોતાના સાળા અશ્વિનનું શર્ટ પકડી મારી ઘરવાળીનો મોબાઇલ છે, હું જે કરું તે તારે શું છે? આથી અશ્વિને શર્ટ છોડાવતાં હેમંત છોડતો ન હોવાથી રવિકુમાર દિલીપભાઈ પાડવી તથા વિક્કી છોડાવવા વચ્ચે પડ્યા હતા. હેમંતે રવિને પણ ગળાના ભાગે મારતાં રવિએ પણ હેમંતને ગાલ પર બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી. હેમંતને ઢીકમુક્કીનો માર મારતાં તે નીચે પડી ગયો હતો અને અરેરાટીભર્યુ મોત નીપજ્યું હતું.

Most Popular

To Top