Gujarat

ગરમીનો પારો ફરી ઉંચકાયો, વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આજે દિવસ દરમ્યાન ગરમીમાં (Summer) 1 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. ખાસ કરીને ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં વધારો થયો છે. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં મધ્ય ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરમાં ગરમી વધીને 42 ડિગ્રીએ પહોંચી હતી. આગામી 4થી5 દિવસમાં ગરમીમાં કોઈ મોટી વધઘટ જોવા મળશે નહીં. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ 1 ડિગ્રી જેટલી ગરમી વધી હતી.

  • ગરમીનો ઉપાડો ફરી શરૂ, વલ્લભ વિદ્યાનગરમાં 42, અમદાવાદમાં 41 ડિગ્રી
  • રાજ્યભરમાં તાપમાનમાં ગરમી એક ડિગ્રી જેટલી વધી, પાંચેક દિવસ ગરમીનું મોજું ચાલુ રહેવાની સંભાવના

અમદાવાદના એરપોર્ટ કેમ્પસ સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ આજે અમદાવાદમાં 41 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., ગાંધીનગરમાં 40 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિ.સે., વડોદરામાં 41 ડિ.સે., સુરતમાં 39 ડિ.સે., વલસાડમાં 36 ડિ.સે. દમણમાં 34 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે.,નલિયામાં 34 ડિ.સે., કંડલા પોર્ટ પર 35 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 38 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે., ભાવનગરમાં 38 ડિ.સે., રાજકોટમાં 4 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41 ડિ.સે., મહુવામાં 38 અને કેશોદમાં 38 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

બે દિવસ વાદળછાયા વાતાવરણ બાદ કાળઝાળ ગરમીની આગાહી
સુરત: સુરતીઓને હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ. શહેરમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાયો છે. આજે તાપમાનમાં 0.8 ડિગ્રીનો ઘટાડો હોવા છતાં જાણે આકાશમાંથી અગનગોળા વરસ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે બે દિવસ બાદ ફરી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આ એક્ટિવિટીને લીધે જ શહેરમાં આજે મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 32 ટકા ભેજ સાથે 6 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. આગામી બે દિવસ પછી એટલે કે આવતા અઠવાડિયે શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

Most Popular

To Top