નવસારીમાં કોરોનાના નવા 300 કેસ:દાંડી-ઉભરાટ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા,ગ્રામજનોમાં રોષ

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં હાલ કોરોના (corona) કેસોમાં રોજ સતત વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં આવેલા દાંડી (Dandi) અને ઉભરાટ (Ubharat) બીચ ઉપર રજાઓના દિવસે અને અન્ય દિવસે પણ હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે નવસારી જિલ્લા કલેકટર આ બંને બીચ (beach) બંધ કરવાનો હુકમ કર્યો છે. સોમવારે કોરોનાના નવા 300 કેસ નોંધાયા હતા.

જિલ્લા તંત્રએ દાંડી અને ઉભરાટ બીચ બંધ કરી દેતા ગામજનોએ તેમની દુકાનો અને લારીઓ પણ બંધ કરી દીધી છે. જેથી ગામના અનેક લોકોની રોજગારી પણ બંધ થઈ ગઈ છે. જોકે દાંડી ગામના રહેવાસીઓ કલેકટરના આ હુકમને માન્ય રાખી દરિયા કિનારા પાસેની દુકાનો અને લારીઓ બંધ કરી દીધી છે. સાથે જ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન (Lock down) કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. પરંતુ દાંડી ગામમાં આવેલા નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ તંત્રએ ચાલુ રાખ્યું છે. જેથી રોજ હજારો લોકો મેમોરિયલની મુલાકાત માટે આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે.

બીજી તરફ મેમોરિયલની મુલાકાતે આવતા લોકો પાસે ટિકિટનો દર વસુલાય છે. જેથી સરકારની તિજોરી તો ભરાય છે. પરંતુ કોરોનાની ચેઇન અટકાવવા માટે બીચ ઉપર ધંધો કરતા લોકો તેમની રોજગારી ગુમાવી રહ્યા છે. જેથી ગ્રામજનોએ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પણ બંધ કરવાની માંગ કરી છે. દાંડી ગામના રહેવાસી વિમલ પટેલે જણાવ્યું હતું કે, માત્ર બીચ બંધ કરવાથી કોરોના કાબુમાં ન આવશે. મેમોરિયલ પણ બંધ કરવામાં આવે તો બહારના લોકો આવશે તો કોરોનાનું સંક્રમણ ફેલાશે નહિ.

23 વિદ્યાર્થીઓ, 5 બાળકો સંક્રમિત, સૌથી વધુ 107 કેસ નવસારીમાં
નવસારી જિલ્લામાં સોમવારે 23 વિદ્યાર્થીઓ અને 5 બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. જોકે આજે 81 દર્દીઓ સાજા થતાં કુલ 7724 દર્દીઓ સાજા થયા છે. હાલ જિલ્લામાં 1007 એક્ટિવ કેસ છે. સોમવારે નવસારીમાં 107, જલાલપોરમાં 56, ગણદેવી માં 50, ચીખલીમાં 47, વાંસદામાં 30 અને ખેરગામમાં 10 કેસ નોંધાવા સાથે કુલ 8931 કેસો નોંધાયા છે. તો કુલ 200 દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

Most Popular

To Top