હવે વધુ સાવધાની રાખજો, કોરોના ફરી વકર્યો છે

વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યું છે.સોમવારે 1313 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઈ હતી.બીજી તરફ શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 338 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ છે.પાલિકાના ચોપડે કોવિડથી મૃત્યુ આંક 624 પર સ્થિર રહેવા પામ્યો છે. વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટિમો દ્વારા સેમ્પલિંગની કામગીરીને પણ વેગ અપાયો છે.જેના કારણે રોજે રોજ કોરોનાના કેસોમાં ઉછાળો.વિતેલા 24 કલાકમાં 8,967 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 1313 પોઝિટિવ આવ્યા છે.જ્યારે 7,654 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.

જ્યારે બીજી તરફ શહેરની સરકારી, ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 530 દર્દીઓ સાજા થઇ જતા તેઓને રજા આપી દેવામાં આવી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ અનુસાર હોમ ક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.વિતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 338 દર્દીઓ દક્ષિણ ઝોનમાં 307 દર્દીઓ પૂર્વ ઝોનમાં 226 દર્દીઓ જ્યારે પશ્ચિમ ઝોનમાં 336 દર્દીઓ સહિત વડોદરા રૂરલમાંથી 106 દર્દીઓ મળી કુલ 1313 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત જણાઈ આવી હતી.

એમએસ યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં કોરોનાના કેસો વધ્યા
ગત સપ્તાહમાં સાયન્સ ફેકલ્ટી ખાતે શિક્ષકો વિધાર્થીઓ સહિત બિન શૈક્ષણિક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે સતાધીશો દ્વારા ઓફલાઈન શિક્ષણ ચાલુ રખાયું હતું. પરંતુ સોમવારે વધુ  10 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.જેમાં 3 શિક્ષકો 2 બિનશૈક્ષણિક, કર્મીઓ અને 4 પીએચડી અને એમએસસીના વિધાર્થીઓ અને 2 ટીચિંગ આસિસ્ટન્ટ સહિત 10 જણા સંક્રમિત થયા હોવાના રિપોર્ટ આવતા સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા એક સપ્તાહમાત્ર ઓફલાઈન શિક્ષણ રદ કરીને સમગ્ર ફેકલ્ટીમાં ઓન લાઈન શિક્ષણ આપવામાં આવશે.

કોરોનાની ઝપેટમાં ઘેરાયેલા વિસ્તારો
શહેરમાં દરેક વિસ્તારોમાં કોરોનોએ પગ પેસારો કરી દીધો છે.ત્યારે કોરોનાની ઝપેટમાં ઘેરાયેલા વિસ્તારોમાં જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા,સંવાદ,ગોત્રી,છાણી,યમુના મિલ, તાંદલજા, સમા,અકોટા,હરણી સુદામાપુરી,ફતેપુરા,રામદેવ નગર,માંજલપુર,બાપોદ,વાઘોડિયાનો સમાવેશ થાય છે.

ફાઇન આર્ટ્સની એમઆરઆઈડી ફેકલ્ટીના ફાઇનલ યરના 20 પૈકી 6 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
એમએસ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ વિભાગની એમ.આર.આઈ.ડી.ફેકલ્ટીના ફાઈનલ યરના 20 પૈકી 6 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.જેના કારણે સમગ્ર બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવી હતી.જ્યારે ત્રણ દિવસ માટે એમઆરઆઈડી ફેકલ્ટી બિલ્ડીંગને બંધ કરવામાં આવી છે.

ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ કોરોનાગ્રસ્ત મહિલાનું મોત
શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ગત તા 5 ના રોજ હાલોલની સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી.જેની કોરોનાની સાથે કમળાની પણ સારવાર ચાલી રહી હતી.દરમિયાન આજે ગોત્રી હોસ્પિટલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા.હાલ બાળકનો રિપોર્ટ નેગેટિવ અને સ્વસ્થ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.જ્યારે મૃતક મહિલાની કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમક્રિયા કરવામાં આવી હતી.આ બનાવ બાદ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા.

પાલિકાના આઇટી અને ઓડિટના અધિકારીઓ કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યો છે. બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દર દસ મિનિટે એક કોરોનાના સંક્રમિત થઈ રહ્યો છે. શહેરનો કોઈ વિસ્તાર એવો નથી જેમાં કોરોના એક પગ પેસારો કર્યો નથી. તેમાં કોરોના ફ્રન્ટ વોરિયર્સ પણ બાકાત નથી.ડોક્ટર, પોલીસ, પત્રકાર, હોય સરકારી કે અર્ધસરકારી કર્મચારી હોય તે બધા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. પાલિકામાં ફરજ બજાવતા આઇટી વિભાગના મનીષ ભટ્ટ અને ઓડિટ વિભાગના ચીફ ઓડિટર એચ.એમ રાવ કોરોના સંક્રમિત થયા છે. જોકે અગાઉ પણ આરોગ્ય વિભાગના કર્મચારી અને એન્જિનિયર વિભાગના કર્મીઓ કોરોના સંક્રમિત થયા હતા.

ઓમિક્રોનના વધુ ત્રણ કેસ નોંધાતા કુલ આંક 46 પર પહોંચ્યો
શહેરના ગોત્રી વિસ્તારમાં ગત 7 મી નારોજ યુકેથી પરત ફરેલ 64 વર્ષીય વૃદ્ધ અને 61 વર્ષીય વૃધ્ધાનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમઆઇસોલેશન હેઠળ રખાયા હતા.જ્યારે આજે તેઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.બીજી તરફ તેમના સંપર્કમાં આવેલ 6 લોકોને પણ ટ્રેસ કરી તેઓના ટેસ્ટ કરવામાં આવતા નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો.બીજા એક કેસમાં દુબઈથી ગત 7મી ના રોજ ફતેપુરા વિસ્તારમાં આવેલ 64 વર્ષીય વૃધ્ધાનો એરપોર્ટ પર ટેસ્ટ કરાતા પોઝિટિવ આવ્યા હતા.જેઓના નમૂના લઈ તપાસ અર્થે મોકલાયા હતા.જેનો રિપોર્ટ આજે ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો.જ્યારે તેમના પણ નજીકના સંપર્કમાં આવેલ 4 વ્યક્તિઓને પણ શોધી કાઢી ટેસ્ટ કરવામાં આવતા નેગેટિવ જણાઈ આવ્યા હતા.

શહેરમાં હાલ 6964 વ્યક્તિઓને હોમઆઈસોલેશન હેઠળ રખાયા અને કોવિડના 7185 એક્ટિવ કેસ
વડોદરા શહેરને કોરોનાએ બાનમાં લીધું છે. રોજેરોજ ચાર સંખ્યામાં કોવિડના નવા કેસોનો ઉમેરો થવા લાગ્યો છે. જેના સામે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 7185 પર પહોંચી ગઇ છે અને હોમ આઇસોલેશન હેઠળ 6964 વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે.જ્યારે 221 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. જેમાં વેન્ટિલેટર  અને બાય પેપ ઉપર 9 દર્દીઓ, વેન્ટિલેટર વગર આઈસીયુમાં 44 દર્દીઓ, ઓક્સિજન ઉપર 74 દર્દીઓ અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 94 દર્દીઓનો સમાવેશ થાય છે.

ઓપીડી વિભાગમાં 220 રેપિડ ટેસ્ટ કરાયા
સયાજી હોસ્પિટલમાં આજે સારવાર હેઠળના કોવિડ દર્દીઓની સંખ્યા 3ના વધારા સાથે  24 થઈ છે. એક પોઝિટિવ દર્દીનું આજે મરણ થયું છે. ઓપીડી વિભાગમાં 220 રેપિડ ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 104 કેસો પોઝિટિવ જણાયા હતા.

Most Popular

To Top