ભરૂચમાં તંત્રનો ‘મંત્ર’: હારશે કોરોના, જીતશે ‘ઝનૂન’

ભરૂચ(Bharuch): ભરૂચ જિલ્લામાં કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરનો મકકમતાથી સામનો કરવા માટે તંત્ર સુસજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને રક્ષણ પૂરું પાડવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. એવા સમયે જિલ્લા વહીવટી તંત્રએ કોરોના સંક્રમણને અટકાવવા યોજનાબધ્ધ ત્વરિત અને અસરકારક પગલાં લીધાં છે.

ભરૂચ જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજી વેવની તૈયારી અન્વયે જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ દર્દીઓને ઓક્સિજનની અછત ઊભી ન થાય એ માટે ૧૭ PSA plant કાર્યરત કરવામાં આવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બેડ માટે ૨૨૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યાં છે. ભરૂચ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૨૨૯૭ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેમાં ૧૩૭૮ બેડ ઓક્સિજન ફેસિલિટી તથા ૧૦ બેડ વેન્ટિલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. તેમજ બાળકોની સારવાર માટે ૯૦ જેટલા બેડ, જેમાં ૮૦ ઓક્સિજન બેડ અને ૧૦ જેટલા આઇ.સી.યુ. બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે એ માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૧ ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આયુર્વેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટિંગ માટે જિલ્લામાં ૭૮ જેટલા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે એ જરૂરી છે. ભરૂચ જિલ્લામાં આરોગ્યકર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, ૪૫ + તેમજ ૬૦ વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં ૧૮થી ૪૪ વર્ષ અને ૪૫થી વધુ ઉંમરના લોકોની રસીકરણની કામગીરી પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકાની પૂર્ણ કરી છે. તા.૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લામાં પહેલો અથવા બંને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝની રસી લેનારાઓની કુલ સંખ્યા ૨૬૩૬૫૧૦ થઇ છે.

કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે લોકોને કોરોનાનાં લક્ષણો જણાય તો તત્કાળ ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું છે.

Most Popular

To Top