ચીખલીના જમીન સંપાદન વળતર કૌભાંડમાં સંડોવાયેલા મહેસુલ અધિકારીઓની પણ ધરપકડ થશે

ગાંધીનગર(Gandhinagar): દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતાં વડોદરા – મુંબઈ (Baroda-Mumbai) એક્સપ્રેસ હાઈવે (Express Highway) માટે નવસારી (Navsari) જિલ્લાના ખુંધ તથા આલીપુર ગામની જમીન સંપાદનમાં ગયેલી જમીનનું વળતર તેનાં મૂળ જમીન માલિકના બદલે જમીન માફિયાઓ – વકીલ તથા મહેસુલી અધિરીઓની આખી ગેંગ દ્વારા બારોબાર ચાંઉ કરી ગયા હોવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ ખૂદ રાજય સરકારના મહેસુલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જ કર્યો છે. રાજય સરકારના મહેસુલ મંત્રી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં હકીકતમાં અંદાજિત ૧૦થી ૧૨ કરોડ જેટલી જમીન સંપાદનની વળતરની રકમ બારોબાર ખવાઈ ગઈ હોવાની વિગતો બહાર આવતા રાજય સરકાર દ્વ્રારા આદેશના પગલે ચીખલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.

  • વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેમાં જેમની જમીન ગઇ તેના બદલે બીજા જ વળતર મેળવી ગયા
  • ચીખલી પોલીસ સ્ટેશનમાં સુરતના બે વકીલ સહિત પાંચ સામે ગુનો નોંધાયો

પ્રદેશ ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જ આ સમગ્ર પ્રકરણમાં મહેસુલ મંત્રીને પગલા લેવા ભલામણ કરી હતી. જેના પગલે આ સમગ્ર વળતર ખાઈ જવાનું કૌભાંડ બહાર આવ્યુ છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં નવસારી જિલ્લાના જમીન સંપાદન સાથે સંકળાયેલા મહેસુલી અધિકારીઓની સંડોવણી પણ સ્પષ્ટ રીતે બહાર આવી છે. જેના પગલે સીનીયર અધિકારીઓની ફરજ પ્રત્યે બેદરકારી તેમજ કૌભાંમાં સંડોવણીના આરોપસર ધરપકડના ભણકારા વાગી રહયા છે. નવસારીના ખેડૂત દિપક ઠાકોરભાઈ પટેલ દ્વ્રારા ખુંધ તથા અલીપુરમાં થયેલા વળતર કૌભાંડની લેખિત ફરિયાદ મહેસુલ મંત્રી સમક્ષ કરાઈ હતી.

એક કિસ્સામાં તો દક્ષિણ આફ્રિકા ખેડૂતનો નકલી પાવર ઓફ એટર્ની પણ સંપાદનનું વળતર મેળવવા માટે સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરાઇ હતી. અલબત્ત આ નકલી દસ્તાવેજો ચકાસ્યા વગર તેનું વળતર નકલી ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ થઈ ગયું અને તેને કૌભાંડી તત્વોએ બેંકથી ઉપાડી પણ લીધુ છે. જયારે નકલી ખેડૂતને તેનું એકાઉન્ટ ઉપયોગ કરવા દેવા સામે ૩થી૪ લાખ અપાયા હોવાની વિગતો સામે આવી છે. જો આ કૌભાંડમાં મહેસુલી અધિકારીઓ સંડોવાયેલા હોય તો તેઓની પણ ધરપકડ કરવા આદેશ કર્યા છે. આ ઉપરાંત વળતરની રકમ પણ રિકવર કરવામાં આવશે તેમ પણ મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું.

Most Popular

To Top