Editorial

જે દેશમાં સ્થિર સરકારની આશા બંધાઇ ત્યાં હંમેશા રોકાણકારો આકર્ષાઇ જ છે

શેરબજારે આજે એટલે કે બુધવાર (6 ડિસેમ્બર) ફરી નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સે 69,614.04ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી, જ્યારે નિફ્ટીએ પણ 20,956.55ના સ્તરને સ્પર્શ કર્યો હતો. આ સતત ત્રીજા દિવસે છે જ્યારે શેરબજાર (સેન્સેક્સ અને નિફ્ટી)એ નવી ઊંચી સપાટી બનાવી છે.આજે તે 238 પોઈન્ટ વધીને 69,534ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટી પણ 105 પોઈન્ટ વધીને 20,950ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી, 29 વધી રહ્યા છે અને માત્ર 1 ઘટી રહ્યો છે.

આજે બેંકિંગ અને મેટલ શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે.ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) તરફથી પણ ખરીદી જોવા મળી હતી. ગઈ કાલે એફઆઈઆઈએ કેશ માર્કેટમાં રૂ. 5,223.51 કરોડની ખરીદી કરી હતી. જ્યારે રૂ. 1,399.18 કરોડનું વેચાણ થયું હતું. FIIએ આ મહિને માત્ર 3 સેશનમાં કુલ રૂ. 8,886.33 કરોડના શેર ખરીદ્યા છે. જ્યારે, DII દ્વારા રૂ. 4,846.05 કરોડની ખરીદી કરવામાં આવી છે. મોર્ગન સ્ટેનલી ઈન્ડિયાના એમડી રિધમ દેસાઈ કહે છે કે આગામી 4 વર્ષ સુધી શેરબજારમાં વાર્ષિક 20%નો વધારો થવાની ધારણા છે.

જીડીપીમાં લિસ્ટેડ કંપનીઓના નફાનો હિસ્સો વધીને 10-11% થઈ શકે છે, જે હાલમાં 5-8% છે. તેની પાછળના કારણોમાં રોકાણમાં વધારો, સરકારી ખર્ચમાં વધારો, બચતમાં સુધારો, આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો અને કંપનીઓના ઉત્કૃષ્ટ ડિવિડન્ડ છે. ભારતનું શેર બજાર તો રોજ બરોજ વધી જ રહ્યું છે તેની વચ્ચે એક બીજા સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે, પરંતુ પુષ્કળ પ્રમાણમાં રહેલી તકોનો ઉપયોગ કરવો અને અગ્રણી ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવું એ ભારત માટે સૌથી મોટો પડકાર રહેશે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું.

યુએસ સ્થિત રેટિંગ એજન્સી અનુસાર ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. વર્ષ 2026 સુધીમાં દેશનો આર્થિક વૃદ્ધિદર 7%એ પહોંચશે. ચાલુ નાણાવર્ષમાં 6.4%ના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર 7.2%ના દરે વૃદ્ધિ પામ્યું હતું. દેશનો જીડીપી ગ્રોથ જૂન અને સપ્ટે.ક્વાર્ટર દરમિયાન અનુક્રમે 7.8% અને 7.6% નોંધાયો હતો. વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે અને આગામી ત્રણ વર્ષમાં તે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે.

સૌથી મહત્વનો પડકાર એ રહેશે કે શું ભારત આગામી કેટલાક વર્ષ દરમિયાન ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનશે કે નહીં. ભારતને સર્વિસ આધારિત ઇકોનોમીમાંથી મેન્યુ. આધારિત બનાવવા માટે મજબૂત લોજિસ્ટિક ફ્રેમવર્ક મહત્વપૂર્ણ ભાગ ભજવશે. નાણા વર્ષ 22-23ના અંત સુધીમાં 3.73 લાખ કરોડના કદ સાથે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. જો કે એક વાત તો સ્પષ્ટ છે કે, રાજકારણ અને વેપારને સીધો જ સંબંધ છે. જે પણ દેશમાં સ્થિર સરકાર હોય ત્યાં રોકાણ કરવા માટે દરેક રોકાણકાર તત્પર હોય છે કારણ કે તેને એટલી તો ખબર પડે જ છે કે તેનું રોકાણ લાંબા અંતર સુધી સલામત છે.

જો એક સરકાર લાંબા સમય સુધી રહે તો પોલિસી બદલાવાનો કોઇ પ્રશ્ન નથી ઉપસ્થિત થતો. વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યમાં ભાજપે જીત મેળવી છે જેથી આગામી લોકસભામાં પણ ભાજપનો દબદબો રહેશે તેવું રોકાણકારો માની રહ્યાં છે આજ કારણસર રવિવારે પરિણામ જાહેર થયા બાદ દરેક બજાર સતત વધી રહ્યાં છે. અત્યારે સ્થાનિક હોય કે વિદેશી બંને રોકાણકાર ભારતમાં રોકાણને સૌથી વધુ સલામત અને વળતર આપનારું બજાર માની રહ્યાં છે એટલે અહીંના બજારો સતત વધી રહ્યાં છે અને તે આગામી દિવસમાં પણ વધશે. તેનું બીજુ એક કારણ એ પણ છે કે, ભારત તેની સરહદો સલામત રાખવા માટે સક્ષમ તો છે જ સાથે સાથે ભારતની વિદેશી નીતિના કારણે અહીં પાડોશી દેશો સાથે પણ કોઇ મોટુ ઘર્ષણ થાય તેવા પણ કોઇ સંજોગો દેખાતા નથી.

Most Popular

To Top