SURAT

રાજ્યના 6 એરપોર્ટના વિસ્તરણનો રન-વે ખુલ્લો, સુરતમાં જમીન સંપાદન મોટો પડકાર

સુરત(Surat): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CMBhupendraPatel) નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન (Aviation) સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે.

આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્‍ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) હસ્તકનાં હયાત એરપોર્ટમાં હયાત એરપોર્ટમાં સુરત, ભાવનગર, કંડલા, પોરબંદર, વડોદરા અને કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવા માટે પણ MOU કરવામાં આવ્યા છે.

સરકારે આ એરપોર્ટનાં વિસ્તરણની જરૂરિયાત હોવાનું સ્વીકારી એનો સમાવેશ કર્યો છે. આ MoU અનુસાર ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યુટીલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્‍ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે.

આ કામગીરી તથા MoUની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

11 સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ માટે ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગળ વધશે. 3 એર સ્ટ્રિપના વિસ્તરણ તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત 6 એરપોર્ટના વિસ્તરણની MoUમાં ઓળખ કરવામાં આવી છે.

નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા. આ મહત્વપૂર્ણ MoU થયાં ત્યારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર તેમજ પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ હારિત શુકલા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર, રાજપીપળામાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે
રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂરીયાત મુજબ આગળ વધશે.

મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂરિયાત સુનિશ્ચિત કરવામાં આવી છે. એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.

સુરતમાં પેરેલલ રન-વે માટે 851 હેક્ટર જમીન સંપાદનમાં લેવા સત્તાધીશોની કસોટી થશે
સુરત: સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટ્સના એક ભાગ તરીકે વિશ્વનું સૌથી મોટું હીરા બુર્સ તૈયાર થઈ ગયું છે. સરકારના ભરોસે હીરા ઉદ્યોગકારોએ 3400 કરોડ જેટલું માતબર મૂડી રોકાણ ડાઉમંડ બુર્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરી દીધું છે, ત્યારે સુરતમાં ઇન્ટરનેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પર દબાણ વધ્યું છે.

સુરતમાં ઇન્ટરનેશનલ લેવલનું એરપોર્ટ તૈયાર કરવા દિલ્હીથી હુકમ છૂટતાં ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્યના ચીફ સેક્રેટરીએ ખજોદ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની ડીપી-ટીપી જાહેર કરવા ગતિવિધી શરૂ કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 851.49 હેક્ટર જમીન સુરત એરપોર્ટના પેરેલલ રન-વે અને હયાત 2905 મીટરના રનવેને 3810 મીટરનો કરવા વિસ્તરણ માટે છૂટી કરવા પ્રપોઝલ રજૂ કરી છે. પણ જિલ્લા કલેક્ટર તંત્ર સરકારની લીલીઝંડી મળે એની રાહ જોઈ રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટીએ પોકેટ-એ અને બીમાં આવતી 08.15 હેક્ટર અને 31 હેક્ટર મળી 39.15 હેક્ટર જમીનની તાત્કાલિક માંગ કરી છે. એરપોર્ટમાં જે જમીનો જશે તેમાં કેટલાકને તે જ ટીપીમાં નજીકમાં પ્લોટ આપવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે
ખુડાના ડીપી-ટીપી માટે વાંધા સૂચનો હિતધારીઓ પાસે મંગાવવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

રાજ્ય સરકારે ખુડાની ડીપી અને ડ્રાફ્ટ ટીપીમાં ખેડૂતો, બિલ્ડરો અને ડેવલપર્સની જમીન સંપાદનમાં લેવાને બદલે ટીપીની 60/40ની કપાતમાં લઇ 40 ટકા કપાતની એરપોર્ટની નજીકની જમીનો એરપોર્ટના રન-વે સહિતના વિસ્તરણમાં ભેળવી દેવાની દરખાસ્ત પણ તૈયાર કરી છે.બિલ્ડરો એની સામે નોંધાવી ચુક્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ પોકેટ-એ અને બીમાં આવતી 08.15 હેક્ટર અને 31 હેક્ટર મળી 39.15 હેક્ટર જમીનની તાત્કાલિક માંગ કરી છે. કુલ 851.49 હેક્ટર જેટલી વિશાળ જમીનની એરપોર્ટ માટે ડિમાન્ડ થઇ છે.

જો જમીન એરપોર્ટ માટે આરક્ષિત થાય તો આ પ્રશ્નો ઊભા થશે

  1. ઊંચાઈના અવરોધોનું એક પેન્ડોરા બોક્સ ચારેય દિશામાં ખૂલશે. એકવાર 3810 મીટર લંબાઈવાળા બંને રન-વે માટે નવો OLS સર્વેક્ષણ કરવામાં આવશે.
  2. સુરત શહેરની આકાશ મર્યાદાઓ સંપૂર્ણપણે અવરોધિત કરવામાં આવશે અને CS/IHS/OHSની અંદર કોઈ ગગનચૂંબી ઇમારતો 109 મીટર સુધી બનશે નહીં. તમામ મોટા ભાગની 10 કિમી ત્રિજ્યાની જમીનો નવી ફનલમાં આવી જશે.
  3. હજારો રૂપિયા પ્રતિવાર OPની કિંમતી જમીનનો ઉપયોગ મોંઘું એરપોર્ટ બનાવીને કરવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટીએ 5 પોકેટમાં 851 હેક્ટર જમીનની માંગ કરી છે
પોકેટ-એ.-08.15 હેક્ટર
પોકેટ-બી-31:00 હેક્ટર
પોકેટ-સી-585.84 હેક્ટર
પોકેટ-ડી-254.6 હેક્ટર
પોકેટ-ડી-11.05 હેક્ટર
કુલ-851.49 હેક્ટર

એરપોર્ટના પેરેલલ રન-વેની દરખાસ્ત ઉડાડવા ખેડૂતો કરતાં બિલ્ડર લોબીએ એડી ચોટીનું જોર લગાવ્યું
ખુડાની ડીપી-ટીપીમાંથી સુરત એરપોર્ટના પેરેલલ રન-વેની દરખાસ્ત ઉડાડવા ખેડૂતો કરતાં બિલ્ડર લોબીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. કારણ કે, માસ્ટર પ્લાન 2035 એટલે કે 3810 મીટર લંબાઇના હયાત રન-વે (વર્તમાનમાં 2905 મીટર) અને સમાંતર રન-વે વચ્ચે 1.5 કિલોમીટરનું અંતર રાખવા એરપોર્ટ ઓથોરિટીએ પ્લાન રજૂ કર્યો છે. તેની સામે ખુડા વતી 3 પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. પેરેલલ રન-વે અને સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ માટે જમીનના આરક્ષણ અંગે અંતિમ નિર્ણયની જાહેરાત થશે તો ટીપીની 40 ટકા કપાતની કરોડોની જમીન ઐરપોર્ટમાં જતી રહેશે. બિલ્ડરો સરકારને તેનાથી નુકસાન હોવાનું ગણિત સમજાવી રહ્યા છે. કારણ કે, સરકારને એરપોર્ટ ઓથોરિટી ફદિયું પણ આપે તેવી સ્થિતિમાં નથી.

Most Popular

To Top