Top News

More Posts

   The Latest

Most Popular

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 2027માં થનારી ચૂંટણી પહેલાં અનેક ઉથલપાથલ જોવા મળી રહી છે. બસપા અને કોગ્રેંસ પછી હવે વરિષ્ઠ રાજકારણી નસીમુદ્દીન સિદ્દીકી સત્તાવાર રીતે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. 2017માં બસપામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ, તેઓ કોંગ્રેસમાં જોડાયા, જ્યાં તેમને સ્ટાર પ્રચારક તરીકે પ્રસિદ્ધિ મળી. નસીમુદ્દીન સિદ્દીકી એ ગઈકાલે કોગ્રેંસથી વિદાઈ લઈ સપાની આંગળી પકડી છે.  તેઓ માયાવતીના ખાસ ગણાતા હતા. લખનઊમાં સપાના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તેમને પાર્ટીમાં સદસ્ય તરીકે આવકાર્યા હતા. આ અવસરે નસીમુદ્દીનની પત્ની હુસ્ના સિદ્દીકી એમનો પુત્ર અફઝલ સિદ્દીકી પૂનમ પાલ, રંજના પાલ (ઇટાવાની પ્રથમ ડ્રોન પાઇલટ), શિવ શંકર ભુર્જી, શંભુ પ્રજાપતિ, મો. અયાઝ આબ્દી, ચમન લાલ, રાધેલાલ રાવત, રામ જિયાવાન, મૌલાના ઝમીર કાસમી, અફઝલ અહેમદ તેમ જ અહમદ શાહ (અફઝલ શાહ) સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજકુમાર પાલ, દીનાનાથ કુશવાહા અને દાનિશ ખાને આ પ્રસંગે સમાજવાદી પાર્ટીમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો. નસીમુદ્દીનના મતે અલગ અલગ પક્ષોમાંથી કુલ 15.178 લોકો સપામાં જોડાયા છે. આ અવસરે નસીમુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે સમાજવાદી વિચારધારા અને અખિલેશ યાદવનું નેતૃત્વ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકહિત આધારિત નીતિઓને પ્રોત્સાહન આપવા માટે મજબૂત રાજકીય સંકલ્પ જરૂરી છે અને તે દિશામાં સમાજવાદી પાર્ટી સક્રિય રીતે કાર્યરત છે. તેમણે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓ સાથે સંકલન વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

ઉલ્લેખનીય છે કે નસીમુદ્દીન સિદ્દીકી અગાઉ બહુજન સમાજ પાર્ટીમાં અગત્યની ભૂમિકામાં રહ્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. તેમના લાંબા રાજકીય અનુભવને ધ્યાનમાં લેતાં તેમના સમાજવાદી પાર્ટીમાં પ્રવેશને રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.અખિલેશ યાદવે જણાવ્યું કે વિવિધ વર્ગોના નેતાઓ અને કાર્યકર્તાઓનો સમાજવાદી પાર્ટી પ્રત્યે વધતો વિશ્વાસ રાજ્યમાં પરિવર્તનની ઈચ્છા દર્શાવે છે. તેમણે રાજ્યની વર્તમાન ભારતીય જનતા પાર્ટી સરકારની નીતિઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે જનતા હવે વિકલ્પ શોધી રહી છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ, નસીમુદ્દીન સિદ્દીકીના પ્રવેશથી ખાસ કરીને અલ્પસંખ્યક તથા પછાત વર્ગોમાં સમાજવાદી પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઘટના ઉત્તર પ્રદેશની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

To Top