Comments

પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ

આમ જનતાને જોગ પ્રધાનમંત્રીએ અપીલ કરી કે જે ચીજવસ્તુઓ આયાત કરીએ છીએ એની ખરીદી ઘટાડો. ઈરાન સામેનું અમેરિકી યુદ્ધ ક્યારે અને કેવી રીતે પૂરું થશે એ છેડો દેખાઈ નથી રહ્યો. પરિણામે સર્જાયેલી અનિર્ણાયક પરિસ્થિતિમાં ખનિજ તેલના વધેલા ભાવે તેમજ ભારતમાંથી બહાર જઈ રહેલી વિદેશી મૂડીએ રૂપિયાની કિંમત ડૉલર સામે ઐતિહાસિક નીચી સપાટી મૂકી દીધી છે. આજે રૂપિયાનો વિનિમય દર ૯૫ની સપાટી વટાવી ચૂક્યો છે. પ્રશ્ન તો ગંભીર છે, કારણ કે રૂપિયાના અવમૂલ્યન સાથે વિદેશી હૂંડિયામણ ઝડપથી ઘટી રહ્યું છે જે ભારતના અર્થતંત્રમાં અસ્થિરતા લાવી શકે છે. એટલે જ ડૉલરની માંગ ઓછી કરવા પ્રધાનમંત્રીએ સામાન્ય નાગરિકોને પેટ્રોલ, સોના અને વિદેશ પ્રવાસ જેવા ખર્ચમાં શક્ય હોય તેટલો ઘટાડો કરવાની અપીલ કરી.

 સંકટના આ સમયે ડૉલરની માંગ ઘટાડવાના પ્રયત્નો દેશહિતમાં જરૂર લાગે, પણ વડાપ્રધાનની અપીલ નૈતિક ધોરણે જરા નબળી પડી અને સમય પણ જરા ખોટો પડ્યો. એપ્રિલ મહિનામાં ચૂંટણી પ્રચાર માટે થયેલા બેફામ ખર્ચમાં દેશપ્રેમની સામે ચૂંટણી જીતવાની લગન વધુ મહત્ત્વની સાબિત થઇ. કારણ કે, રૂપિયાના અવમૂલ્યનની પાડનાર માઠી અસરનો ભય નવો નથી. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ખનિજ તેલ આયાત કરે છે અને તેની ચુકવણી ડૉલરમાં કરે છે, એટલે તેલના ભાવ વધવાની સાથે ડૉલરની માંગ વધવાની અને સામે રૂપિયાનું અવમૂલ્યન થવાનું જ હતું.

મોટા પાયે હેલિકોપ્ટર, વાહનોના કાફલા, રોડ શો, વિશાળ સભાઓ અને વ્યાપક પ્રચાર પર ભારે ખર્ચ કરવામાં આવ્યો. એટલું જ નહીં ૧૦મી મે ના રોજ અપીલ કર્યા પછી બીજે જ દિવસે – ૧૧મી મે ના રોજ સોમનાથમાં રોડ શો પણ થયો અને એર શો પણ થયો! ઉપરાંત આગામી દિવસોમાં પ્રધાનમંત્રીના પાંચ દેશોના વિદેશ પ્રવાસની જાહેરાત પણ થઈ! રૂપિયાની સ્થિતિ ખરેખર ચિંતાજનક હોય, તો પ્રથમ સંયમ રાજકીય નેતૃત્વે જ દાખવવો જોઈએ. રાજકીય નેતૃત્વ જ સંયમ દાખવવાનું ચૂકી ગયું, તો પછી સામાન્ય નાગરિક, જે આમ પણ રૂપિયે રૂપિયો બચાવીને જીવતો હોય છે એની પાસે સંયમની અપેક્ષા કેમની રખાય? એટલે જ તેમની અપીલની નૈતિક આધાર પર ભારે ટીકા થઇ રહી છે.

 આ સિવાય બજારના તર્કમાંથી ઊભા થતા વિરોધાભાસને પણ સમજવા પડશે. સંકટ ટાળવા ડૉલરની માંગ ઘટાડવાની સાથે રૂપિયાની માંગ જાળવી રાખવી પણ જરૂરી છે. રૂપિયાની માંગ સાથે વિદેશી હૂંડિયામણ આવે છે, જેના મુખ્ય બે સ્રોત છે – એક, આયાતમાંથી કમાયેલા પૈસા, જેનું પ્રમાણ ભારતમાં ખૂબ ઓછું છે અને બીજું, વિદેશી મૂડીરોકાણ, જેણે પાછલા બે દાયકામાં ભારતની આર્થિક વૃદ્ધિ માટે મહત્ત્વના ઇંધણનું કામ કર્યું છે. બજારનું ચાલક બળ છે માંગ. ભારતની સસ્તી શ્રમશક્તિ ઉપરાંત વધતી માંગને પારખીને જ વિદેશી મૂડી ભારતમાં આવે છે. જો લોકો આયાતી વસ્તુઓ જેમ કે પેટ્રોલ, સોનું અથવા વિદેશ પ્રવાસમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરે, તો આયાત ઘટશે, પરંતુ સાથે એની સાથે જોડાયેલી અનેક આર્થિક પ્રવૃત્તિ પણ ધીમી પડી શકે છે.

વપરાશમાં ઘટાડો થતાં વેપાર અને ઉદ્યોગોને નુકસાન થઈ શકે છે જે આર્થિક વૃદ્ધિ ધીમી પાડી શકે છે. રોકાણકારો તો જ્યાં આર્થિક વૃદ્ધિ દેખાય ત્યાં જ જવાના એટલે જો વિદેશી રોકાણકારો આર્થિક માંગમાં ઘટાડો જોશે, તો તેઓ ભારતમાંથી મૂડી બહાર લઈ જઈ શકે છે, જે રૂપિયાને વધુ નબળો બનાવી શકે છે. ભારત જેવા દેશો માટે તો કોઈ પણ નીતિ અપનાવો એનાથી આદર્શ ઉપાય નથી મળવાનો. વળી, પેટ્રોલ, સોનું કે વિદેશ યાત્રાના ઘટાડાની અપીલ કોને માટે છે? દેશના ટોચના દસ ટકા ધનિકોને દેશના હિત માટે પણ આવા કોઈ પણ ખર્ચ ઘટાડાની અપીલ અસર કરશે ખરી? 

ભારત જેવા દેશો હવે વૈશ્વિક વેપાર અને નાણાંકીય વ્યવસ્થાઓ ડૉલર આધારિત વેપાર સાથે એટલા જોડાઈ ગયાં છે કે આપણી આર્થિક સ્થિરતા માત્ર સ્થાનિક ઉત્પાદન અથવા નીતિઓ પર આધારિત રહી નથી. ખનિજ તેલના ભાવમાં વધારો, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ, આંતરરાષ્ટ્રીય વ્યાજદરમાં ફેરફાર અથવા પશ્ચિમી દેશોની નીતિઓ જેવી બાહ્ય આંચકા ભારતની અર્થવ્યવસ્થાને ઊંડી અસર કરી શકે છે, જેનો કોઈ સીધો ઉપાય આપણી પાસે નથી.

આયાતી વસ્તુનો વપરાશ ઘટાડવાથી ‘સ્વદેશી’ અપનાવ્યાનો દેશપ્રેમ જરૂર જાગૃત થશે પરંતુ તે વૈશ્વિકીકરણથી ઊભી થયેલી મૂળભૂત આર્થિક નિર્ભરતાનું સમાધાન નથી. આખી પરિસ્થિતિ એકથી વધુ વિરોધાભાસ દર્શાવે છે. સૌ પ્રથમ તો રાજકીય નેતૃત્વના આચાર અને વિચાર વચ્ચેનો આંખે ઊડીને વળગે એવો વિરોધાભાસ. આ ઉપરાંત વૈશ્વિકીકરણની વ્યવસ્થાનો  વિરોધાભાસ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top