દક્ષિણ એશિયામાં ફરી વધ્યો તણાવ
પાકિસ્તાને પોતાની સૈન્ય ક્ષમતામાં વધુ એક મોટું પગલું ભરતા ‘ફતહ-4’ નામની લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હોવાનું જાહેર કર્યું છે. પાકિસ્તાન સેનાના મીડિયા વિંગ ISPR અનુસાર આ મિસાઇલ લગભગ 750 કિલોમીટર સુધી નિશાન સાધી શકે છે અને અદ્યતન નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે. પાકિસ્તાન દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ દક્ષિણ એશિયામાં સુરક્ષા અને વ્યૂહાત્મક સંતુલન અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અહેવાલ મુજબ ‘ફતહ-4’ એક એવી ક્રૂઝ મિસાઇલ છે જે જમીન નજીક ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાની દાવા પ્રમાણે મિસાઇલ જમીનથી આશરે 50 મીટર જેટલી નીચી ઊંચાઈ પર ઉડી શકે છે, જેના કારણે રડાર સિસ્ટમથી બચવાની તેની ક્ષમતા વધે છે. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે મિસાઇલ ખૂબ જ સચોટ નિશાન લગાવી શકે છે અને તેની CEP (Circular Error Probable) આશરે 5 મીટર છે. પાકિસ્તાન સેનાએ જણાવ્યું કે આ પરીક્ષણ Army Rocket Force Command દ્વારા કરવામાં આવ્યું હતું. પરીક્ષણનો મુખ્ય હેતુ સૈનિકોની ઓપરેશનલ ક્ષમતા વધારવાનો અને મિસાઇલમાં સામેલ વિવિધ ટેક્નિકલ સિસ્ટમોની ચકાસણી કરવાનો હતો.
પાકિસ્તાનના ટોચના નેતાઓએ આપી શુભેચ્છા
મિસાઇલ પરીક્ષણ સફળ થયા બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીરે વૈજ્ઞાનિકો, ઇજનેરો અને સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ISPRના નિવેદન અનુસાર દેશની રક્ષા ક્ષમતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
અગાઉ પણ થયું હતું પરીક્ષણ
આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને ‘ફતહ-4’નું પરીક્ષણ કર્યું હોય. સપ્ટેમ્બર 2025માં પણ પાકિસ્તાન દ્વારા આ મિસાઇલનું ટ્રેનિંગ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ફરી એકવાર તેનું પરીક્ષણ કરવામાં આવતા આ મિસાઇલ પાકિસ્તાનની વ્યૂહાત્મક તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ બની રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શું છે ‘ફતહ’ મિસાઇલ સિરીઝ?
‘ફતહ’ પાકિસ્તાનની ગાઇડેડ મિસાઇલ સિરીઝ છે. તેમાં ફતહ-1, ફતહ-2 અને હવે ફતહ-4 જેવા વર્ઝન સામેલ છે. વિવિધ મિસાઇલની રેન્જ અને ક્ષમતા અલગ-અલગ છે. ફતહ-4ને અત્યાર સુધીની સૌથી લાંબી રેન્જ ધરાવતી સિસ્ટમોમાંની એક માનવામાં આવી રહી છે.અહેવાલો મુજબ પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના સ્થાનિક હથિયાર વિકાસ કાર્યક્રમ પર વધુ ભાર મૂકી રહ્યું છે જેથી વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડી શકાય.
ભારત માટે શું અર્થ?
પાકિસ્તાનની 750 કિલોમીટર રેન્જ ધરાવતી મિસાઇલને લઈને ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક ચર્ચા તેજ થઈ ગઈ છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આવી લાંબા અંતરની મિસાઇલોથી વિસ્તારની સૈન્ય સ્પર્ધા વધુ વધી શકે છે. જોકે ભારત પાસે પહેલાથી જ અદ્યતન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલ ક્ષમતા છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
પાકિસ્તાન દ્વારા મિસાઇલ પરીક્ષણનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં મિસાઇલ લોન્ચ થતી અને આકાશમાં આગળ વધતી જોવા મળી હતી. પાકિસ્તાની મીડિયા અને સમર્થકો દ્વારા તેને દેશની સૈન્ય સફળતા તરીકે રજૂ કરવામાં આવી રહી છે.
દક્ષિણ એશિયામાં વધતી સૈન્ય સ્પર્ધા
તાજેતરના વર્ષોમાં ભારત અને પાકિસ્તાન બંને દેશો સતત પોતાની મિસાઇલ અને રક્ષા ક્ષમતાઓ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. એક તરફ ભારત અદ્યતન બ્રહ્મોસ, અગ્નિ અને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન પણ નવી પેઢીની મિસાઇલ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી સ્પર્ધા ભવિષ્યમાં વિસ્તારના ભૂરાજકીય સંતુલનને અસર કરી શકે છે.