શહેરની લાઇટો 15 મિનિટ માટે બંધ હતી ત્યારે અંધારાનો ફાયદો ઉઠાવી ફરાર થયા બદમાશ
Patna શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ચોંકાવનારી અને ફિલ્મી અંદાજની હત્યાની ઘટના સામે આવી છે. ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન સમગ્ર વિસ્તારમાં અંદાજે 15 મિનિટ માટે લાઇટો બંધ કરવામાં આવી હતી, ત્યારે જ અજાણ્યા શખ્સોએ એક વેપારીને નિશાન બનાવી ગોળી મારી હત્યા કરી દીધી. અંધકારનો લાભ લઈ હુમલાખોરો ઘટના સ્થળેથી સહેલાઈથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ બાદ સમગ્ર પટના શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે પણ આ ઘટના મોટો પડકાર બની ગઈ છે કારણ કે શહેરમાં ચાલી રહેલી સુરક્ષા કવાયત વચ્ચે જ હત્યાની ઘટના બની છે.માહિતી મુજબ મૃતક વેપારીની ઓળખ 48 વર્ષીય સંજય ગુપ્તા તરીકે થઈ છે. તેઓ પટનાના કંકરબાગ વિસ્તારમાં રહેતા જાણીતા વેપારી હતા અને ઈલેક્ટ્રોનિક્સ અને કન્સ્ટ્રક્શન સામાનના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમનું નિવાસ સ્થાન કંકરબાગ મેઇન રોડ નજીક હોવાનું સામે આવ્યું છે.ઘટના ગુરુવાર રાત્રે બની હતી જ્યારે પટના પ્રશાસન અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા “બ્લેકઆઉટ મૉક ડ્રિલ” યોજાઈ રહી હતી.
સુરક્ષા અભ્યાસના ભાગરૂપે શહેરના અનેક વિસ્તારોમાં થોડીવાર માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેથી ઈમરજન્સી પરિસ્થિતિમાં તંત્રની તૈયારી ચકાસી શકાય.પોલીસના જણાવ્યા મુજબ, સંજય ગુપ્તા પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કંકરબાગ વિસ્તારમાં અચાનક હુમલાખોરોએ તેમને ઘેરી લીધા હતા.એ દરમિયાન આખો વિસ્તાર અંધકારમાં હતો. હુમલાખોરોએ નજીકથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ સ્થાનિક લોકો ગોળીબારનો અવાજ સાંભળી બહાર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો ફરાર થઈ ચૂક્યા હતા. ઘાયલ વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ હત્યા પૂર્વ આયોજન હેઠળ કરવામાં આવી હોઈ શકે છે. હુમલાખોરોને બ્લેકઆઉટ ડ્રિલની માહિતી પહેલેથી હતી અને તેમણે અંધકારનો ફાયદો ઉઠાવી હુમલો કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોળી બારી ની ઘટના બાદ પટના પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને સીલ કરી CCTV ફૂટેજ અને આસપાસના લોકોના નિવેદનોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે બ્લેકઆઉટ દરમિયાન વીજળી બંધ હોવાથી ઘણા CCTV કેમેરા યોગ્ય રીતે કાર્યરત નહોતા, જેના કારણે તપાસ વધુ મુશ્કેલ બની રહી છે.
પોલીસે જણાવ્યું છે કે મૃતક વેપારીનો અગાઉ કોઈ વ્યાપારી વિવાદ હતો કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. કેટલીક માહિતી મુજબ વેપારીને અગાઉ ધમકીઓ પણ મળી હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારી સંગઠનોએ કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની કવાયત વચ્ચે જ જો આવી હત્યા થઈ શકે તો સામાન્ય લોકો કેટલી સુરક્ષિત છે તે મોટો પ્રશ્ન છે.
ઘટનાને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષે બિહાર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યમાં ગુનેગારો નિર્ભય બની ગયા છે. જ્યારે સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓને ઝડપવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘટનાસ્થળેથી કારતૂસના ખોખા કબજે કર્યા છે અને ફોરેન્સિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને સંદિગ્ધ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે બ્લેકઆઉટ દરમિયાન સમગ્ર વિસ્તાર એકદમ અંધકારમય બની ગયો હતો અને એ જ સમયે ગોળીબાર થતાં લોકો ભયભીત બની ગયા હતા. કેટલાક લોકોએ તો શરૂઆતમાં આ અવાજને ડ્રિલનો જ ભાગ માન્યો હતો, પરંતુ બાદમાં હત્યાની ખબર પડતાં સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
હાલ પટના પોલીસ અનેક એંગલથી તપાસ કરી રહી છે. વેપારીની હત્યા પાછળ વ્યાપારી સ્પર્ધા, વ્યક્તિગત દુશ્મની કે ખંડણી જેવા કારણો છે કે નહીં તે મુદ્દે પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટના બાદ હવે સુરક્ષા એજન્સીઓ માટે પણ મોટો સવાલ ઊભો થયો છે કે મૉક ડ્રિલ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયા દરમિયાન ગુનેગારોને આવી ઘટના અંજામ આપવા તક કેવી રીતે મળી. સમગ્ર શહેરમાં હાલ આ ઘટનાની જ ચર્ચા ચાલી રહી છે.