અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિ હવે એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચેનો મહત્વપૂર્ણ શાંતિ કરાર આજે સહી થઈ શકે છે. જોકે બીજી તરફ ઈરાને કરારની સમયસીમા અંગે સ્પષ્ટતા ન કરતા સમગ્ર મામલે સસ્પેન્સ વધારી દીધું છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો કરાર લગભગ અંતિમ તબક્કામાં છે અને તેના પર રવિવારે સહી થવાની શક્યતા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર કરાર થયા બાદ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંના એક એવા હોર્મુઝ જળમાર્ગને તમામ જહાજો માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.
હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસનો વેપાર આ માર્ગ મારફતે થાય છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી હતી. જો કરાર સફળતાપૂર્વક થાય તો આંતરરાષ્ટ્રીય બજારોમાં રાહતનો માહોલ સર્જાઈ શકે છે.જોકે ટ્રમ્પના દાવા પછી ઈરાનના વિદેશ મંત્રાલયે સાવધાનીપૂર્વકનો અભિગમ અપનાવ્યો છે. ઈરાનના અધિકારીઓએ જણાવ્યું છે કે વાતચીતમાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે કરાર અંગે હજુ કેટલીક બાબતો પર ચર્ચા ચાલુ છે, સહી ક્યારે થશે તે અંગે હાલ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અહેવાલો મુજબ કરારના પ્રથમ તબક્કામાં હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવા, સમુદ્રી અવરોધો દૂર કરવા અને બંને દેશો વચ્ચેના સૈન્ય તણાવને ઘટાડવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત મુદ્દાઓ પર આગામી તબક્કામાં અલગથી ચર્ચા કરવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાન, કતાર, તુર્કી અને ઇજિપ્ત જેવા દેશોએ મધ્યસ્થ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન Shehbaz Sharifએ પણ સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે કરાર માટેનું અંતિમ લખાણ તૈયાર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં ઈલેક્ટ્રોનિક રીતે હસ્તાક્ષર થઈ શકે છે.
બીજી તરફ ઈરાનની અંદર પણ આ સંભવિત કરારને લઈને મતભેદ જોવા મળી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી જૂથો અમેરિકાની સાથેના સમાધાનનો વિરોધ કરી રહ્યા છે. તેમના મતે ઈરાને પોતાના વ્યૂહાત્મક હિતો સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ. પરિણામે ઈરાનની અંદરની રાજકીય સ્થિતિ પણ આ કરારના ભવિષ્ય પર અસર કરી શકે છે. વિશ્વભરના રોકાણકારો, તેલ બજારો અને રાજદ્વારી વર્તુળો હાલ આ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો કરાર પર સફળતા પૂર્વક સહી થાય છે તો મધ્યપૂર્વમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા તણાવમાં ઘટાડો આવી શકે છે. સાથે જ વૈશ્વિક તેલ પુરવઠો વધુ સ્થિર બનવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલની સ્થિતિમાં એક તરફ ટ્રમ્પ વિશ્વાસપૂર્વક કરારની જાહેરાત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઈરાન સમય અંગે સાવચેત નિવેદનો આપી રહ્યું છે.સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આજે ખરેખર ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થશે કે પછી ચર્ચા ઓને હજુ થોડો વધુ સમય લાગશે? આ સવાલનો જવાબ આગામી કલાકોમાં મળી શકે છે.