Top News

More Posts

   The Latest

Most Popular

એક સુંદર દેવાલય હતું. દેવાલયના હરિયાળા માર્ગે થઈને અનેક લોકો ભગવાનનાં દર્શને જતાં. ઘણા વખતથી એક માણસ આ માર્ગ પર બેઠો હતો પણ તે મંદિરમાં દર્શન કરવા જતો નહોતો. રસ્તે જનારાં લોકો તેને કહેતાં, ‘‘ ભાઈ, ચાલો, અહીં માર્ગમાં બેસીને શું કરશો? અંદર દર્શન કરવા આવો. અહીં બેસવાથી દર્શન નહીં થાય.’’ પેલો માણસ કહેતો, ‘‘તમારી વાત સાચી છે પણ પ્રભુને ધરવા માટેની ભેટ હજી મારી પાસે આવી નથી. બસ, એ ભેટની રાહ જોઈ રહ્યો છું, એ ભેટ આવશે એટલે દોડ્યો દર્શન કરવા આવીશ.’’ પણ ક્યાં છે એ ભેટ, ક્યાંથી આવશે? ક્યારે આવશે? લોકો આવા પ્રશ્નો પૂછતાં પેલો માણસ કહેતો ‘‘મને ખબર નથી’’.

થોડા દિવસો વીતી ગયા, લોકો રોજ રોજ દર્શન કરવા જાય, બહાર આવે, દૂર દૂરથી આવીને દર્શન કરે પણ પેલો માણસ હજી ત્યાં ને ત્યાં જ બેઠો હતો અને જે તેને પૂછે તે બધાને એક સરખો જવાબ આપે કે પ્રભુને આપવાની ભેટ હજી આવી નથી. એક દિવસ સફેદ દાઢી અને વાળવાળો વૃદ્ધ માણસ આવ્યો. તેણે એક  કિંમતી વસ્તુ પેલા માણસને આપી અને કહ્યું, ‘‘જા આ અમૂલ્ય ‘જ્ઞાન’ છે તે ભેટ રૂપે પ્રભુને ધરાવ.’’ પેલા માણસે ‘જ્ઞાન’ પોતાની પાસે રાખી લીધું પણ તે મંદિરમાં ન ગયો. થોડા દિવસો વીત્યા. એક જુવાન માણસ આવ્યો. તેના ચહેરા પર તેજ હતું. તેણે એક કિંમતી વસ્તુ આપતાં કહ્યું કે, ‘જાઓ, આ ‘કર્મ કરવાની શક્તિ’ તમને આપું છું કે પ્રભુને ભેટ રૂપે આપી દો.’’ પેલા માણસે ‘કર્મ કરવાની શક્તિ’ રાખી લીધી પરંતુ તે મંદિરમાં ન ગયો.  થોડા વધુ દિવસ વીત્યા. એક સુંદર સ્ત્રી આવી. તેણે પેલા માણસને એક વસ્તુ ભેટ આપતાં કહ્યું કે, ‘આ અણમોલ ‘સેવા ભક્તિ’ તમને ભેટ રૂપે આપું છું.

તે પ્રભુને ધરાવજો.’’ ત્રીજી ભેટ મળતાં જ પેલો માણસ થનગની ઊઠ્યો અને ત્રણેય ભેટ લઈને મંદિરમાં દોડ્યો. પ્રભુચરણોમાં તે ‘જ્ઞાન’- ‘કર્મ’ અને ‘સેવાભક્તિ’ ધરાવતાં બોલ્યો, ‘‘ પ્રભુ, તમારી પાસે સાચા અર્થમાં આવવા માટે આ ત્રણેય વસ્તુ જરૂરી હતી અને તેના વિના આવવું નકામું હતું. ‘જ્ઞાન’ અને ‘કર્મ’ મળ્યાં પરંતુ જો ‘સેવા ભક્તિ’ ન મળે તો એ નકામાં હતાં તે હું જાણતો હતો તેથી જેવી સેવાભક્તિ મળી એટલે હું દોડતો તમારાં ચરણોમાં આવ્યો છું.’’ ઈશ્વરપ્રાપ્તિ માટે સૌથી વધુ જરૂરી છે સેવા અને ભક્તિ. દેવાલયમાં ઘંટારવ થયો અને પેલા માણસને ભગવાનનાં સાચાં દર્શન થયાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top