પેટ્રોલ-ડીઝલ-CNG વધુ મોંઘું થયું
ભારતમાં મોંઘવારીને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઈલ સપ્લાય પર પડેલા પ્રભાવના કારણે દેશની થોક મોંઘવારી દર (WPI Inflation) એ 42 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એપ્રિલ 2026 દરમિયાન ભારતની થોક મોંઘવારી સીધી 8.30 ટકા સુધી પહોંચી ગઈ છે, જે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સૌથી ઊંચો આંકડો માનવામાં આવી રહ્યો છે. માર્ચ મહિનામાં આ દર 3.88 ટકા હતો, એટલે કે માત્ર એક મહિનામાં જ મોટો ઉછાળો નોંધાયો છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ મોંઘવારીમાં સૌથી મોટો ફાળો ઈંધણ અને ઊર્જા ક્ષેત્રનો રહ્યો છે.
મિડલ ઈસ્ટમાં વધેલા તણાવ, ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઈલ સપ્લાયમાં આવેલા અવરોધના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ભારે વધારો થયો છે. તેનો સીધો અસર ભારતીય બજાર પર જોવા મળી રહ્યો છે.અહેવાલ અનુસાર એપ્રિલમાં ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં મોંઘવારી 24.71 ટકા સુધી પહોંચી ગઈ છે. માર્ચમાં આ જ આંકડો માત્ર 1.05 ટકા હતો. એટલે કે એક જ મહિનામાં ઈંધણ ક્ષેત્રમાં લગભગ 24 ટકાનો વિસ્ફોટક ઉછાળો આવ્યો છે. પેટ્રોલની કિંમતોમાં 32.40 ટકા, હાઈસ્પીડ ડીઝલમાં 25.19 ટકા અને LPGમાં 10.92 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસના ભાવમાં તો 88 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.
નિષ્ણાતોનું માનવું છે કે મિડલ ઈસ્ટમાં ચાલતું સંકટ લાંબું ચાલશે તો આગામી દિવસોમાં સામાન્ય જનતાને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. હાલ સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના વધેલા ભાવનો બોજ પોતાની ઉપર લઈ રહી હતી , જેથી ગ્રાહકોને તરત અસર ન પડે. પરંતુ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી પેટ્રોલ-ડીઝલ-CNG ના રિટેલ ભાવ વધારવા પડ્યાં છૅ,RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ સંકેત આપ્યો છે કે જો મિડલ ઈસ્ટનું સંકટ યથાવત રહેશે તો ભારતમાં ઈંધણના ભાવમાં વધારો અનિવાર્ય બની શકે છે.
મોંઘવારીનો પ્રભાવ માત્ર ઈંધણ પૂરતો જ સીમિત રહ્યો નથી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઈલ ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં મોંઘવારી 4.62 ટકા સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. ફૂડ સેક્ટરમાં હાલ સ્થિતિ થોડે કાબૂમાં દેખાઈ રહી છે, છતાં શાકભાજી અને અનાજના ભાવમાં ધીમે ધીમે વધારો શરૂ થયો છે. એપ્રિલમાં થોક ખાદ્ય મોંઘવારી 2.31 ટકા નોંધાઈ હતી. અનિયમિત ગરમી અને હવામાન પરિવર્તનના કારણે શાકભાજીના ભાવમાં 4.5 ટકાનો વધારો નોંધાયો છે. ફળ, ઈંડા, માંસ અને માછલીના ભાવ પણ સતત વધી રહ્યા છે. જોકે ડુંગળી અને દાળના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે.
આર્થિક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો તેનો પ્રભાવ રિટેલ મોંઘવારી પર પણ પડશે. હાલમાં થોક મોંઘવારીનો દબાણ ધીમે ધીમે સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવાનું શરૂ થઈ શકે છે. પરિણામે ઘરખર્ચ, ટ્રાન્સપોર્ટ, દૂધ, શાકભાજી, ખાદ્ય તેલ અને અન્ય દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે અને કેટલીક વસ્તુઓ પર ધીમે ધીમે થઈ રહી છે,
આ વચ્ચે ભારતીય રૂપિયો પણ દબાણ હેઠળ આવી ગયો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગયો છે. વધેલા ક્રૂડ આયાત બિલ અને વિદેશી મૂડીના બહાર જતા પ્રવાહના કારણે ભારતીય કરન્સી પર દબાણ વધી રહ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હાલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. RBIએ આગામી સમયમાં વ્યાજદરમાં ફેરફાર અંગે ‘વેટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે. જોકે જો મોંઘવારીનો દબાણ સતત વધતો રહેશે તો વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.