Vadodara

વર્લ્ડ બ્લડ ડોનેશન ડે પર સાંસદ ડો.હેમાંગ જોશીનું રક્તદાન

SSG હોસ્પિટલની બ્લડ બેંકમાં પહોંચીને આપ્યું રક્તદાન, યુવાનોને પણ મહાદાન માટે પ્રેરિત કર્યા

વડોદરા, તા. 14 (પ્રતિનિધિ)

વિશ્વ રક્તદાતા દિવસ (વર્લ્ડ બ્લડ ડોનેશન ડે) નિમિત્તે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલ (SSG)ની બ્લડ બેંક ખાતે પહોંચીને તેમણે સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને યુવાનોને પણ આ મહાદાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

લોકપ્રતિનિધિ તરીકે રક્તદાનના મહત્વને ઉજાગર કરતાં સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે રક્તદાન એ સૌથી મોટું માનવસેવાનું કાર્ય છે. સયાજી હોસ્પિટલની બ્લડ બેંકમાં આપવામાં આવતું રક્ત ગરીબ, મધ્યમવર્ગીય અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે. તેથી જ્યારે પણ રક્તદાન કરવાનો વિચાર આવે ત્યારે SSG હોસ્પિટલની બ્લડ બેંકને પ્રાથમિકતા આપવી જોઈએ.

તેમણે ખાસ કરીને મધ્ય ગુજરાતના યુવાનો, સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ યુવા સંગઠનોને નિયમિત રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાનોનું એક યુનિટ રક્ત કોઈ દર્દીને નવું જીવન આપી શકે છે અને સમાજમાં આશાનો સંચાર કરી શકે છે.

આ પ્રસંગે વડોદરા શહેર યુવા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચાના અગ્રણીઓ મૌલિક દેસાઈ, ઋત્વિક પુરોહિત અને રોનક પટેલ સહિતની ટીમે સાંસદની આ પહેલને બિરદાવી હતી અને આગામી સમયમાં વધુમાં વધુ યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સયાજી હોસ્પિટલની બ્લડ બેંકના સ્ટાફે પણ સાંસદ અને યુવા મોરચાની આ સેવા પ્રવૃત્તિને આવકારી હતી. સાંસદ ડૉ. હેમાંગ જોશીના આ પગલાંથી વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના યુવાધનમાં રક્તદાન પ્રત્યે નવી જાગૃતિ અને સકારાત્મક સંદેશ પહોંચ્યો હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top