મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં ટ્રેનની ટક્કરથી ચાર લોકોના મોત થયા. આગ લાગવાની અફવાને કારણે ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાંથી ઉતરેલા ચાર મુસાફરો બીજી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર ગ્વાલિયરથી મુરેના તરફ જઈ રહેલી ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. તે જ સમયે પાતાળકોટ એક્સપ્રેસ બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, જે ધોલપુર તરફ જઈ રહી હતી. અફવાથી ગભરાઈને મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા.
ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોને ઝડપથી આવતી પાતાળકોટ એક્સપ્રેસ બીજા ટ્રેક પર આવી રહી છે તેનું ધ્યાન ગયું ન હતું. ત્રણ મહિલાઓ અને એક બાળક ટ્રેનની ટક્કરે અથડાયા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
અકસ્માત બાદ રેલ્વે ટ્રેક પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. મુસાફરોની ચીસો અને ગભરાટ વચ્ચે રેલ્વે અધિકારીઓ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં GRP, RPF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાની અને તેમના પરિવારોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેલ્વે અને પોલીસ અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.