Top News

More Posts

   The Latest

Most Popular

 આપકો કૈસા લગ રહા હૈ?’ના સવાલને જો લોકો મજાક ગણતા હોય તો તેનો મોટાભાગનો વાંક છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો. સદભાગ્યે એક એવી ચેનલ છે જેમાં આવા સવાલોના મારા નથી હોતા – એ ચેનલ એટલે એનડીટીવી. ગયા અઠવાડિયે સૌથી વધુ ચર્ચાયેલી બાબત એ છે કે અદાણી ગ્રૂપે એનડીટીવીના 29 ટકા જેટલો હિસ્સો ખરીદી લીધો. આ સમાચાર આવ્યા એટલે આઘાતની લાગણી અને ઉદ્ગાર કાને પડ્યા. દેશના બુદ્ધિજીવીઓને કપાળે કરચલી પડી અને તે સ્વાભાવિક જ છે. એનડીટીવીની છાપ સત્યને હાથમાં રાખીને ચાલતી ચેનલની છે જેમાં બેરોજગારી, લોકોની આવકની સમસ્યાઓ, આર્થિક મુદ્દાઓ જેવા પ્રશ્નો પર ચર્ચા છેડાય છે અને તે પણ ઘોંઘાટ વિના. બીજી ચેનલ્સની માફક કોમવાદી મુદ્દાઓ કે ધ્રુવીકરણ કરે એવી રજુઆતોનો મારો એનડીટીવી પર નથી હોતો. મીડિયાનો મૂળ હેતુ હોય છે સત્તા પર બેઠેલાઓને, સરકારને સવાલ કરવો અને એનડીટીવી એવી જૂજ ન્યુઝ ચેનલોમાંની એક ચેનલ છે જે આ કામ અટક્યા વિના કરતી આવી છે. આ સંજોગોમાં એનડીટીવી સામે ચાલીને સરકાર સાથે નિકટતા ધરાવતા એવા અદાણી ગ્રૂપ સાથે દોસ્તી કરે, તેને પોતાનો અમુક હિસ્સો વેચવા તૈયાર થાય એ વાતમાં દમ નથી. વળી એનડીટીવીનો અમુક ટકા હિસ્સો અદાણીએ ખરીદી લીધાના સમાચાર આવ્યા તેના કલાકોમાં જ એનડીટી પર ખબર ચલાવાઇ હતી કે તેના સ્થાપકો, માલિકો કે ત્યાંના કર્મચારીઓને આ હિસ્સાની ખરીદી અંગે કોઇ પ્રકારની જાણ નહોતી.

આ ડીલ ખરેખર શું છે?

વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) નામની એક ઓછી જાણીતી કંપની જે 2008માં સ્થાપવામાં આવી હતી. એનડીટીવીના માલિકો પ્રણય રોય અને રાધિકા રોયે આ કંપની પાસેથી 2009-2010 દરમિયાન 403 કરોડની લોન આ કંપની પાસેથી લીધી. તેમણે આરઆરપીઆર (RRPR) હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામે સ્થાપેલી VCPL પાસેથી આ ઝીરો ઇન્ટરેસ્ટ લોન લીધી. આમ એ કંપનીની એનડીટીવીમાં સૌથી મોટી ભાગીદારી બની જે 29.18 ટકા હિસ્સો ધરાવતી હતી. RRPRને આ લોન એક શરતે મળી હતી.

લોનની સામે RRPRએ VCPLને વૉરંટ ઇશ્યૂ કર્યા હતા કે જેના થકી VCPL ઇચ્છે તો વોરંટને કન્વર્ટ કરીને 99.9  ટકા RRPRની  ભાગીદારી લઇ શકે છે. લોન લેવા માટે RRPRએ જાતને જ ગિરવી મુકી હતી. અદાણી ગ્રૂપે VCPLને હસ્તગત કરી, 103 કરોડમાં ખરીદી લીધી. સ્વાભાવિક છે કે એમ પ્રશ્ન થાય કે 400 કરોડની લોન આપનારી કંપની આટલી ઓછી કિંમતે કેવી રીતે વેચાઇ? VCPL કંપનીએ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ પાસેથી લોન મેળવી હતી. અદાણીએ VCPL કંપની ખરીદી અને તેમની પાસે વિકલ્પ હતો કે વોરન્ટને માલિકીમાં ફેરવી શકે.

આમ અદાણીએ VCPLને ખરીદી, VCPLએ RRPRને લોનની શરતોને આધારે હસ્તગત કરી અને આમ RRPRની એનડીટીવીમાં જેટલા ટકા ભાગીદારી હતી તે હિસ્સો હવે અદાણી પાસે છે. ભારતીય નિયમો અનુસાર જો કોઇનો એક કંપનીમાં 25 ટકાથી વધુ હિસ્સો હોય તો તે કંપની વધુ 26 ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઑફર આપી શકે જેથી બાકીના શેર હોલ્ડર્સ પોતાનો ભાગ વેચી શકે. અદાણીએ વધુ 26 ટકા શેર ખરીદવાની ઑફર આપી છે જે રકમ અંદાજે 492.8 કરોડ જેટલી થાય છે. જોવાનું એ છે કે આ ઑફર આપવામાં અદાણીએ કંપનીના મૂળ માલિકોનો મત જાણવાની તસ્દી પણ નથી લીધી અને માટે જ આ ટેકઓવરને હોસ્ટાઇલ ટેકઓવર તરીકે ચર્ચવામાં આવ્યું.

જો આ 26 ટકા હિસ્સાનું વેચાણ થયું તો અદાણી પાસે કંપનીનો 55 ટકા હિસ્સો હશે અને આમ કંપનીનું નિયંત્રણ અદાણી પાસે જ જશે. 26 ટકા શેર જે હજી સુધી નથી વેચાયો તેના આધારે એનડીટીવીનું ભાવિ ટકેલું છે. જો કે એનડીટીવીમાં બે મોટા રોકાણકારો છે એલટીએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વિકાસા – એમ સંભળાય છે કે એલટીએસ પોતાના શેર વેચી શકે તેમ છે. જો કે હાલમાં એનડીટીવીના શેરના જે ભાવ છે તેના કરતાં તો અદાણી ઓછી રકમ જ ઓફર કરે છે. આ એલટીએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડના 98 ટકા રોકાણ અદાણી ગ્રૂપમાં જ કરેલું છે અને બીજી ચાર શેર હોલ્ડર કંપની છે જેના છેડા પણ અદાણીને અડે છે. જો આ છ કંપનીઓ પોતાના શેર અદાણીને વેચી દે તો અદાણી ગ્રૂપ એનડીટીવીમાં 50 ટકાથી વધારેની ભાગીદાર બને.

સૌથી મોટી ચિંતા તો એ છે કે જનતાનો અવાજ બનનારી એક માત્ર ચેનલ પર જો સરકારની નજીક એવા અદાણી ગ્રૂપની સત્તાની પકડ આવશે તો પછી ત્યાં પણ ફ્રેન્ડલી મેચિઝ જ રમાશે? એનડીટીવીના માલિકો મોટી રકમ આપી 26 ટકાની ઑફર ખરીદે એ પણ શક્ય નથી. ન્યૂઝ ચેનલ ચલાવવી ખાવાના ખેલ નથી. સતત 24 કલાક સમાચાર આપવા, સારી ગુણવત્તાના સમાચાર આપવા અને ટીઆરપીની રેસમાં આગળ વધવા માટે કોઇ ફાલતુ સમાધાન કે નાટ્યાત્મક પસંદગીઓ ન કરીને સિદ્ધાંતો તથા સમાચારની દુનિયાના મૂળભૂત હેતુ તથા નિયમોને વળગી રહીને ચેનલ ચલાવવી આસાન નથી. એનડીટીવીએ પણ ભારે આર્થિક ખોટ વેઠી, જો કે એક મત મુજબ તેમના ડિજીટલ સાહસે છેલ્લા ચારેક વર્ષમાં સારી પકડ જમાવી હતી પણ છતાં પણ તે પહેલાં માત્ર ટેલિવિઝન ચેનલ તરીકે આર્થિક રીતે એનડીટીવીના પાયા ડગમગ્યા જ હતા.

અત્યારના તબક્કે એનડીટીવીનું ક્લેવર પુરેપુરું બદલાઇ જશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. એનડીટીવીના માલિકો પર ભૂતકાળમાં પડેલી રેડ, 2016માં એનડીટીવીની હિન્દી ચેનલ પર ભાજપા સરકારે ૨૪ કલાક માટે મુકેલો પ્રતિબંધ જેમાં તેને રાષ્ટ્રીય સુરક્ષા પરનું જોખમ ગણાવાઇ હતી જેવી કેટલીય ઘટનાઓ છે જે એ વાતની સાબિતી છે કે વર્તમાન સરકારને એનડીટીવી સામે વાંધો છે. લોકશાહીના ચોથા સ્તંભ પર મૂડીવાદની પકડ મજબુત બની રહી છે, હા, મીડિયા બિઝનેસ છે પણ કરિયાણાની દુકાન કે સુપર સ્ટોર નથી. ટકી જવા માટે ક્યાંક બાંધ છોડ કરવી પણ પડે પણ દરેક મીડિયા સંસ્થા પોતાનો આત્મા વેચવા તૈયાર નથી હોતી, કેટલાક ગણ્યા ગાંઠ્યા એકલવીર સત્તા અને પૈસાના મારા સામે પોતાની લડાઇ લડ્યા કરતા હોય છે. તેમનો અવાજ બંધ રૂંધી ન દેવાય ત્યાં સુધી એટલી આશા તો સેવાય કે જે જરૂરી છે તેવા મુદ્દાઓ અને પ્રશ્નોની ચર્ચા થતી રહેશે.

આ બધા ઘોંઘાટની વચ્ચે એનડીટીવીના રવીશ કુમારે પોતે રાજીનામું આપવાના છેની અફવાનું ખંડન કરવા માટે મજેદાર ટ્વીટ કર્યું, “માનનીય જનતા, મેરે ઇસ્તીફે કી બાત ઠીક ઉસી તરહ અફવાહ હૈ, જૈસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુઝે ઇન્ટરવ્યૂ દેને કે લિએ તૈયાર હો ગએ હૈં ઓર અક્ષય કુમાર બંબૈયા આમ લે કર ગેટ પર મેરા ઇંતઝાર કર રહે હૈં.”તેમણે પોતાની જાતને વિશ્વના સૌથી પહેલા અને સૌથી મોંઘા ઝીરો ટીઆરપી એંકર પણ ગણાવ્યા છે.

To Top