Dakshin Gujarat

ગણેશ શુગર મિલમા રૂ 85 કરોડના કૌભાંડ મામલે ભરૂચ જિલ્લા સબરજિસ્ટર્ડને તપાસનો હુકમ

ભરૂચ: (Bharuch) વાલિયાના વટારિયાની ગણેશ સુગરના (Ganesh Sugar) તત્કાલીન એમ.ડી., (MD) ચેરમેન, વાઇસ ચેરમેન સહિત ૨૦ સભાસદ (Assembly) સામે આર્થિક કૌભાંડની (Financial scam) તપાસનો હુકમ (Order Inquiry) રાજ્યના ખાંડ નિયામકે ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને સોંપતાં સહકાર ક્ષેત્રે સોપો પડી ગયો છે.વાલિયા સ્થિત વટારિયા ગણેશ સુગર ફેક્ટરીમાં રૂ.૮૫ કરોડના આર્થિક ગોબાચારીમાં રાજ્યના ખાંડ નિયામક બી.એમ.જોશીએ ૧૯૬૧ની કલમ ૯૩ હેઠળ તપાસનો આદેશ કર્યો છે. તત્કાલીન એમ.ડી. બનેસિંહ ડોડિયા, ચેરમેન સંદીપ માંગરોલા, વાઇસ ચેરમેન કરશન પટેલ સહિત ૨૦ સભાસદ સામે પાંચ મુદ્દે તપાસ કરવા જિલ્લા રજિસ્ટ્રારને આદેશ અપાયા છે. જિલ્લા રજિસ્ટ્રારને તપાસ અધિકારી તરીકે નીમી ત્રણ મહિનામાં તપાસ કરી તેનો અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.

બહારના સભાસદ બનાવી દોઢ કરોડનું ધિરાણનો સમાવેશ થાય છે
તપાસના પાંચ મુદ્દામાં યુનિયન બેન્કમાંથી અપાયેલી રૂ. ૪૦ કરોડની લોન, કિંજલ કેમિકલને અડધા ભાવે વેચાણ, અભિરાજ એજન્સીઓના વ્યવહારો, રૂ.૫ કરોડની વસૂલાત, બહારના સભાસદ બનાવી દોઢ કરોડનું ધિરાણનો સમાવેશ થાય છે. લાંબા સમયથી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના થયેલા ગેરવહીવટની તપાસમાં એક પછી એક ફણગાં ફૂટી રહ્યા છે, ત્યારે ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા કલમ-૯૩ હેઠળ જિલ્લા રજિસ્ટ્રાર ભરૂચને ત્રણ માસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવાનો હુકમ કરતાં ભરૂચ જિલ્લાના સહકારી માળખામાં ખળભળાટ મચી ગયો છે.

સહકારી મંડળીઓ ભરૂચને તપાસણી અધિકારી તરીકે નિમણૂક કરી
જિલ્લાની ૧૮ હજાર સભાસદની જીવાદોરીસમાન ગણેશ સુગરના ગેરવહીવટ તથા ભ્રષ્ટાચાર તથા જો હુકમીના લેખાજોખામાં કલમ ૮૬ની તપાસમાં ગેરવહીવટ તથા ભ્રષ્ટાચાર માલૂમ પડતાં ગુજરાત રાજ્ય ગાંધીનગરના ખાંડ નિયામક બી.એમ.જોષી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ની કલમ-૯૩ અન્વયે પ્રાપ્ત થયેલા અધિકારની રૂએ શ્રી ગણેશ ખાંડ મંડળી લિમિટેડના તત્કાલીન વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટરને અત્રે ૨ મેની કારણદર્શક નોટિસના મુદ્દા નં.૨,૧૮,૧૯,૨૨ અને ૨૩ની તપાસણી કરી મંડળીને થયેલા આર્થિક નુકસાન માટે સંબંધિતોની જવાબદારી નક્કી થાય તે હેતુથી તપાસણી કરવા માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચને તપાસણી અધિકારી તરીકે નિમણૂક કરી છે. તપાસણી અધિકારીએ ત્રણ માસમાં તપાસણીની કાર્યવાહી પૂરી કરી તે અંગેનો અહેવાલ ખાંડ નિયામકને મોકલી આપવાનો રહેશે.

Most Popular

To Top