Madhya Gujarat

આણંદ અમુલમાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંક રદ કરાઇ

આણંદ :આણંદ અમુલના વહીવટી માળખામાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંકને લઇ કાયદાકીય લડાઇ શરૂ થઇ હતી. આ લડાઇમાં કોર્ટે સરકાર દ્વારા નિમણૂંક કરાયેલા ત્રણેય પ્રતિનિધિનું પ્રતિધિત્વ રદ્દ કરી નાંખ્યું છે અને  તેમણે વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આપેલા મત સિવાય ચૂંટાયેલા સભ્યોએ આપેલા મતની ગણતરી કરવા આદેશ કર્યો છે. આણંદ અમુલ ડેરીના 10 હજાર કરોડના ટર્નઓવર પર અંકુશ મેળવવા માટે છેલ્લા દસકાથી રાજકીય લડાઇ શરૂ થઇ છે. આ લડાઇ વચ્ચે સરકાર દ્વારા પોતાના ત્રણ પ્રતિનિધિની નિમણૂંક કરી હતી. આ પ્રતિનિધિઓ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરવા સુધીનો મામલો પહોંચ્યો હતો. દોઢેક વર્ષ પહેલા આણંદ અમૂલ ડેરીના વહીવટી માળખાના 13 સભ્યોની ચૂંટણી થઇ હતી. જે ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી.

જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયાં હતાં. જોકે, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને બાલાસિનોરના ભાજપના આગેવાન રાજેશ પાઠક (પપ્પુ પાઠક) વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ચૂંટાયેલા 13 સભ્યો, રજીસ્ટ્રાર સહિત 15 વ્યક્તિ ઉપરાંત સરકારના ત્રણ પ્રતિનિધિ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેને પગલે રાજેન્દ્રસિંહ પરમારે કોર્ટમાં ધા નાંખી હતી. જેથી વાઇસ ચેરમેનની ચૂંટણીની મતગણતરી અટકાવવામાં આવી હતી. જોકે, કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ શુક્રવારના રોજ ચુકાદો આપ્યો હતો. જેમાં સરકાર તરફથી નિમાયેલા ત્રણ પ્રતિનિધિની નિમણૂંક રદ કરવામાં આવી છે.  જેના પગલે હવે ચૂંટાયેલા સભ્યો સહિત 15 મતદારોની મતગણતરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ મતગણતરીમાં વાઇસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે.

Most Popular

To Top