Charotar

નડિયાદમાં મુસાફરના સ્વાંગમાં રૂ.47 હજારની ચોરી

ઇટીએસ સ્કૂલના કર્મચારી ફિના નાણા લઇ રીક્ષામાં બેઠાં હતાં

રીક્ષામાં પહેલેથી જ બેઠેલા મહિલા અને ત્રણ યુવકોએ નજર ચુકવી રોકડ ભરેલું પર્સ સેરવી લીધું

(પ્રતિનિધિ) નડિયાદ તા.10

નડિયાદ શહેરની ઇટીએસ સ્કૂલના કર્મચારીના રોકડા રૂ.47 હજાર ભરેલા પર્સની ચોરી તઇ હતી. આ મહિલા કર્મચારી કોલેજ રોડ પરની શાખા પર ફિના રૂપિયા પર્સમાં મુકી રીક્ષામાં બેઠાં હતાં. આ સમયે રીક્ષામાં પહેલેથી જ મહિલા અને ત્રણ યુવકો હતાં. રીક્ષા ચાલકે પર્સ જે થેલીમાં મુકેલું હતું. તે પગ પાસે મુકવા જણાવ્યું હતું. બાદમાં મહિલા કર્મચારીની નજર ચુકવી તેમાંથી પર્સ કાઢી લીધું હતું. આ બાદ મહિલા કર્મચારીને અડધે રસ્તે ઉતારી ભાગી ગયો હતો. જોકે, રહી રહીને ખ્યાલ આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

નડિયાદ શહેરમાં જુના ડુમરાલ રોડ ઉપર અનેરી હાઈટ્સમાં રહેતા 48 વર્ષીય પ્રીતિબેન કેતનભાઇ પટેલ પોતે શહેરમાં આવેલ સ્કૂલ સીબીએસસી બ્રાન્ચ કોલેજ રોડ ખાતે ક્લાર્ક તરીકેની નોકરી કરે છે. ગત 8મી એપ્રિલના રોજ તેઓ બપોરના અઢી વાગ્યાની આસપાસ તેમની સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના ફીના કુલ રૂપિયા 44 હજાર 750 રોકડ લઈને તેમની મુખ્ય બ્રાન્ચ રેલ્વે સ્ટેશન પાસે આવેલ હોય ત્યાં જમા કરાવવા જતા હતા. પ્રીતિબેન પોતે કોલેજની શાળા પાસેથી એક રિક્ષામાં બેઠા હતા. તેઓ મોટી શાકમાર્કેટ જવાનુ કહી આ રીક્ષામાં બેઠા હતા. અને રીક્ષા ચાલકે આ મહિલાનું પર્સ અને ટીફીન તેમના પગે મૂકી આપ્યું હતું.

જોકે, રીક્ષા ચાલકે પ્રીતિબેનને નજીક આવેલ વાણીયાવડ સર્કલે ઉતારી દીધા હતા. પ્રીતિબેનએ કહ્યું કે મારે શાક માર્કેટ જવાનું કહી હું તમારી રિક્ષામાં બેઠી હતી. ત્યારે રીક્ષા ચાલે કે કહ્યું કે, અમારે ઇમર્જન્સીમાં કિડની તરફ જવાનું છે તેમ કહી  વાણીયાવાડ સર્કલે ઉતારી દીધા હતા. બાદમાં પ્રીતિબેન અન્ય રીક્ષા મારફતે મોટી શાકમાર્કેટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રીક્ષા નું ભાડું આપતા તેમને જાણ થઈ હતી કે તેમની પાસે પર્સમાં મુકેલા રોકડ રૂપિયા મળી આવ્યા ન હતા. જેથી તેમને આ રીક્ષામાં બેઠેલા મુસાફરો સામે શંકા દર્શાવી છે અને આ મામલે તેઓએ ગતરોજ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top